નાગિનના બીનનો જાદુ છેક સુનહરી નાગિન ફિલ્મ સુધી રસિકોને આકર્ષતો રહ્યો

 


હેમંત કુમારના સંગીતમાં રજૂ થયેલી ફિલ્મ નાગિનમાં સંગીતકાર કલ્યાણજી વીરજી શાહે ક્લેવોયલિન નામના વાદ્ય પર ગારુડી- મદારીઓના બિનની અસર સર્જીને જે જાદુ સર્જ્યો એની અસર ખાસ્સા લાંબા સમય સુધી સંગીત રસિકોનાં મન પર રહી. 

ફિલ્મ સંગીતમાં ઝાઝો રસ ન હોય એવા બહુ ઓછા લોકો જાણતા હશે કે નાગિનની પહેલાં પણ કલ્યાણજીભાઇએ ચિત્રગુપ્તના સંગીતમાં ફિલ્મ નાગપંચમી માટે પણ ક્લેવોયલિન પર બીન છેડેલું. પરંતુ કહે છે ને વક્ત સે પહલે ઔર તકદીર સે જ્યાદા કિસી કો કુછ નહીં મિલતા... નાગપંચમીમાં વાગેલા બીન તરફ બહુ ઓછાનું ધ્યાન ગયેલું. 

નાગિન પછી એવુંજ બીનનું આકર્ષણ 1963માં રજૂ થયેલી ફિલ્મ ‘સુનહરી નાગિન’માં સર્જાયું. પંડિત મધુર અને વિશ્વનાથ પાંડેએ લખેલી કથા પરથી સ્પેશિયલ ઇફેક્ટ્સના બેતાજ બાદશાહ બાબુભાઇ મિસ્ત્રીએ આ ફિલ્મનું નિર્દેશન કરેલું. મહિપાલ અને હેલન આ ફિલ્મના મુખ્ય કલાકાર હતાં. 

આ ફિલ્મનાં ત્રણેક ગીત વિશે ખાસ વાત કરવી છે. લતાના કંઠે રજૂ થયેલું એક ગીત રાગ ચંદ્રકૌંસ પર આધારિત હતું. જાણકારો કહે છે કે માલકૌંસના કોમળ નિષાદ (ની)ને શુદ્ધ કરી નાખો એટલે ચંદ્રકૌંસ થઇ જાય. આપણે ટેક્નિકલ ચર્ચા બાજુ પર રાખીએ. અહીં રાગ ચંદ્રકૌંસ પર આધારિત એક સરસ પ્રણય ગીત છે- ‘તુ હી તુ મૈં દેખા કરું, સામને બૈઠે હો તુ મેરે ઔર મૈં પૂજા કરું, તુઝે દેખા કરું....’

મૂકેશના ચાહકો એક ગીત કેમ કરીને ભૂલી શકે. એ ફારુખ કૈસરે લખ્યું હતું. ‘તુઝે ચાંદ કહું યા ફૂલ કહું, મેરે પ્યાર કા કોઇ નામ નહીં, મૈં તેરી નજર મેં બસ જાઉં...’

સંગીતની દ્રષ્ટિએ એક અત્યંત સુંદર રચના તલત મહેમૂદ અને લતાના કંઠમાં રજૂ થઇ. રચના ગુલશન બાવરાની છે. રાગ પીલુ પર આધારિત આ ગીતના શબ્દો છે-‘મિલ કે ભી હમ મિલ ન સકે, ક્યા મિલા ફિર પ્યાર મેં, હમ તો સનમ ફૂલ હૈં વો, લૂટ ગયે જો બહાર મેં...’

ક્લેવોયલિનના સરસ સૂરો ધરાવતું ગીત ફારુખ કૈસરની રચના છે. લતાજીએ ગાયેલા એ ગીતના શબ્દો છે- ‘બીન ના બજાના, વો જાદુ ન જગાના કે દેખેગા જમાના, બાજેગી મોરી પાયલ, જિયા જો હોગા ઘાયલ, કરુંગી ક્યા બહાના કે દેખેગા જમાના...’  



લગભગ આ જ અરસામાં ઔર એક ફિલ્મ રજૂ થયેલી- ‘કહીં પ્યાર ન હો જાયે...’ કલ્પતરુ નિર્દેશિત આ ફિલ્મમાં કોમેડિયન મહેમૂદ અને શકીલા મુખ્ય ભૂમિકામાં હતાં. 

1960ના દાયકાના ઉત્તરાર્ધમાં મૂકેશનાં ચોવીસ કેરેટની સોનાની લગડી જેવાં કેટલાંક ગીતો ‘રેર જેમ્સ’ નામના આલ્બમમાં એચએમવીએ રજૂ કર્યાં હતાં. એમાં કલ્યાણજી આણંદજીનું કહીં પ્યાર ન  હો જાયેનું એક અત્યંત મધુર ગીત હતું. તર્જ અને લય બંને દ્રષ્ટિએ આ ગીત ખરેખર વિરલ રત્ન સમું બન્યું હતું. 

ઇન્દિવરની રચના હતી. મુખડું વાંચીને તમને પણ જરૂર યાદ આવી જશે- ‘ઠુમક ઠુમક મત ચલો, હાં જી મત ચલો કિસી કા દિલ તડપેગા, મંદ મંદ મત હંસો કોઇ રાહી ભટકેગા...’ 

એવીજ એક મદમસ્ત રચના કમર જલાલાબાદીની છે. રફી અને લતાએ ગીતની જમાવટ કરી છે. ‘તુનક તુન તુન બોલે જિયા, મેરા દિલ ખો ગયા હૈ, દિવાના હો ગયા હૈ...’

આ બંને ગીતોએ એ દિવસોમાં રીતસર ધમાલ મચાવી 

Comments