સતત કૌભાંડો, કાવાદાવા અને સત્તાસુંદરીની ખેંચતાણ થતી હોય એવા ભારતીય રાજકારણના કીચડમાં પચીસ પચીસ વર્ષ રહેવા છતાં કમળ જેવા પવિત્ર અને સ્વચ્છ રહી શકે એવા માનવી આજે કેટલા ? એક આંગળીના વેઢે ગણી શકાય તેટલા. આજના ઘોર કળિયુગમાં એક સાચુકલો માનવી જોવા મળે ત્યારે અનહદ આનંદ થાય. ગુલઝારીલાલ નંદા અને બાબુભાઇ જસભાઇ પટેલ જેવા સાદગીપૂર્ણ નેતાઓ યાદ આવે.
એવા એક સાદગીપૂર્ણ અને સાચુકલા માનવીએ સતત મોત સામે બાથ ભીડીને આખરે ચિરવિદાય લીધી. યસ, આ વાત સનત શાંતિલાલ મોદીની છે. ભાવનગરનું બચ્ચે બચ્ચું આ નામથી પરિચિત છે. અર્ધી રાત્રે જઇને ઊઠાડો કે ફોન કરો તો સનત મોદી તરત દોડતા આવે. ગમે તેની મુશ્કેલીમાં ખભે ખભા મિલાવીને ઊભા રહે. વાત દશા ઝારોળા જ્ઞાતિની હોય કે ભારતીય જનતા પક્ષની હોય, સનત સદૈવ મોખરે રહેતા.
ભાવગરના મેયરપદે પણ રહ્યા અને ભાજપના ભાવનગર શહેર પ્રમુખપદે પણ રહ્યા કોઇ અપેક્ષા વિના સતત દોડધામ કર્યા કરે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમનાં કાર્યની નોંધ લીધી હતી. હજુ તો પંદર દિવસ પહેલાં ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી વિજય રુપાણીએ જાતે ભાવનગર જઇને સનતના ખબરઅંતર પૂછ્યા હતા.
એવા સનતભાઇ છેલ્લા થોડા સમયથી અસ્વસ્થ હતા. પહેલા કેન્સરનું નિદાન થયું. કીમોથેરપીના ભારે ડોઝ લીધા, સર્જરી કરાવી. કેન્સરને હંફાવ્યું ત્યાં ફેફસાંમાં પાણી ભરાયાની ફરિયાદ ઊભી થઇ. એની પણ સર્જરી કરાવી. છતાં ઇન્ફેક્શન થયું અને શરીરમાં ફેલાઇ ગયું.
રખે એમ માનતા કે બિછાને પડેલા સનત નિષ્ક્રીય થઇ ગયા હશે. ના જી, પથારીમાં પડ્યા પડ્યા પણ દશા ઝારોળા વણિક જ્ઞાતિના કૂળદેવી હિમજા માતાના મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો અને માતાજીની નવી પ્રતિમા પણ તૈયાર કરાવી. આ ભાદરવામાં ધામધૂમથી ઊજવણી કરવાની એમની મહેચ્છા હતી.
પરંતુ બબ્બેવાર યમદૂતોને હંફાવ્યા તેથી યમરાજ નારાજ થયા હશે. શુક્રવાર, 30મી જુલાઇએ સાંજે તબિયત બગડી. તરત હોસ્પિટલમાં લઇ જવાયા. ઓક્સિજન પર હતા. એમને ઊગારી લેવાના ધરખમ પ્રયાસો ડોક્ટરોએ કર્યા પરંતુ ડોક્ટરોની કારી ફાવી નહીં. મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા.
આખાય ભાવનગરમાં સન્નાટો છવાઇ ગયો. પારકી છઠ્ઠીના જાગતલ જેવા આ માણસે વિદાય લીધી એવું સાંભળીને લોકો સ્તબ્ધ થઇ ગયા. હજુ તો દોઢ માસ પહેલાં સનતના એક બનેવી સ્વર્ગવાસી થયા હતા. હવે સનતભાઇ પોતે આ ફાનિ દૂનિયા છોડી ગયા. મીતાબહેન, ધર્મિન અને સ્વજનોને જયશ્રી કૃષ્ણ.
ReplyDeleteSo nicely Penned ✅👌the efforts and kindness of SannatBhai will never be forgotten
Jai Shree Krushna 🙏