સદાબહાર ગીતોમાં સ્થાન પામ્યું- ‘ચાંદ આહેં ભરેગા, ફૂમૂકેશનાંલ દિલ થામ લેંગે...!’

  



શમ્મી કપૂરની બ્લફ માસ્ટરનાં ગીતો સાથે સ્પર્ધા કરે એવાં સદાબહાર ગીતોથી ભરેલી કલ્યાણજી આણંદજીની 1963ની બીજી ફિલ્મ એટલે ફૂલ બને અંગારે. નિર્માતા કેવલ સૂરી અને નિર્દેશક સૂરજ પ્રકાશની આ ફિલ્મમાં સંવાદોના બાદશાહ રાજકુમાર, માલા સિંહા, આશિષ કુમાર, જ્હોની વોકર અને રહેમાન મહત્ત્વની ભૂમિકામાં ચમક્યાં હતાં. 

ફૌજી જવાનને પ્રેમ કરતી ઉષા (માલા સિંહા) એને પરણી શકતી નથી. દરમિયાન, જવાન ભારત-ચીન યુદ્ધ વખતે લાપતા થાય છે.  ઉષા પોતાના ભાઇને ઊછેરીને મોટો કરે છે અને પરણાવે છે ત્યારે આવેલી ભાભી ઉષાને જ ઘરમાંથી જવું પડે એવા સંજોગો સર્જે છે. ફૌજી જવાન તરીકે રાજ કુમાર અને ફૌજી અધિકારી તરીકે રહેમાન રજૂ થયા છે. 

ગીતો આનંદ બક્ષીનાં અને સંગીત કલ્યાણજી આણંદજીનું હતું. આ ફિલ્મમાં કલ્યાણજી આણંદજીએ પહેલીવાર પ્રાતઃકાલીન રાગ તોડીનો કલાત્મક ઉપયોગ કર્યો હતો. ભારતીય લશ્કરના જવાનોને બિરદાવતું એ ગીત  મુહમ્મદ રફીના કંઠમાં હતું. 

છ માત્રાના દાદરા તાલમાં નિબદ્ધ એ ગીત એટલે ‘હિમાલય કી બુલંદી સે સુનો આવાજ યે આયી, કહો માઓં સે દે બેટે, કહો બહનોં સે દે ભાઇ, તન પે જો ફિદા હોગા, અમર વો નવજવાં હોગા, રહેગી જબતલક દુનિયા, યે અફસાના બયાં હોગા...’ 



રાગ તોડી કારુણ્યપ્રધાન રાગ છે. અહીં એની ખૂબી એ છે કે ભારતીય લશ્કરના જવાનોને બિરદાવતાં શબ્દોમાં ગૂઢાર્થ રૂપે શહીદીને વર્ણવવા કારુણ્ય પ્રગટાવતા સૂરોનો ખૂબીપૂર્વક ઉપયોગ કરાયો છે.મૂકેશના કંઠે રજૂ થયેલું ગીત એના ચાહકો માટે ખાસ કલેક્શન વેલ્યુ ધરાવે છે. નાયકના કંઠે નાયિકાના સૌંદર્યની પ્રશંસા કરતા આ ગીતને રાગ યમન કલ્યાણમાં સ્વરબદ્ધ કરાયું છે. 

સીધા સાદા કહેરવામાં શબ્દો વહ્યે જાય છે. ‘ચાંદ આહેં ભરેગા, ફૂલ દિલ થામ લેંગે, હુશ્ન કી બાત ચલી તો, સબ તેરા નામ લેંગે...’  ગીતના ઇન્ટરલ્યૂડ વાદ્યોનો જે રીતે ઉપયોગ થયો છે એની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી.

વાદ્યોની વાત કરીએ તો લતાએ ગાયેલાં બે ગીતો પણ વિશિષ્ટ છે. પિયાનો, ગિટાર, વોયલિન, વાંસળી, સિતાર અને તબલાંએ જે સૂરાવલિ સર્જી છે એ ગીત ‘સંભલ તો લે દિલ દિવાના, જરા ઠહર જાના, અભી ના સામને આના, જરા ઠહર જાના, સંભલ તો લે...’

લતાના કંઠે માણવા જેવું ઔર એક ગીત કૃષ્ણલીલા પર આધારિત છે, ‘ઓ રાધા ઓ રાધા, પૂછે તેરી સખીયાં. જમુના કે તીર હુયી ક્યા બતિયાં, કાન્હા કે સંગ હુયી ક્યા બતિયાં...’ કૃષ્ણ હોય ત્યાં બાંસુરી તો હોય. આ ગીતમાં બાંસુરી જોડે સિતાર અને તબલાં જમાવટ કરે છે. લતાનાં બંને ગીતો મધુરતાથી ભરપુર છે.

નટખટ કહી શકાય એવી એક રચના કોમેડિયન જોડી પર ફિલ્માવાઇ છે. પૂરેપૂરું હિંગ્લીશ ન કહી શકાય એવી આ રચનામાં રમૂજ વણી લેવામાં આવી છે. ‘સુન ગોરી ખોલ જરા ઘુંઘટ કા ડોર, હોને ભી દે જરા અખિયાં ફોર (અંગ્રેજીમાં ફોર), યાદ હૈ તુઝે વો ચૌપાટી કા ફૂટપાથ, હુયી થી હમારી જહાં પહલી મુલાકાત...’ કમલ બારોટ અને મુહમ્મદ રફીએ ગાયેલા આ ગીતની તર્જ પણ શબ્દો જેવી જ હલકીફૂલ બની છે.

1963ના વર્ષમાં કલ્યાણજી આણંદજીની રજૂ થયેલી ચારેચાર ફિલ્મો સંગીતની દ્રષ્ટિએ જોરદાર રહી. આપણે હજુ બીજી બે ફિલ્મોનાં સંગીતની વાત કરવાની છે. ચારે ફિલ્મોનાં દરેક ગીતની કોઇ ને કોઇ ખૂબી સંગીત રસિકોને આકર્ષતી રહી. મૂકેશ જાણે આ બંને ભાઇઓના અનિવાર્ય સાથી બની રહ્યા. દરેક ફિલ્મમાં એકાદ બે યાદગાર ગીતો મૂકેશના મળતા રહ્યા.  


Comments

Post a Comment