પંઢરપુરનાં વિઠ્ઠલ રુક્માઇનો અષાઢી એકાદશીનો કુંભમેળો આ વર્ષેય નહીં

 


આજે અષાઢી એકાદશી. આજની એકાદશીને દેવશયની એકાદશી પણ કહે છે. આજથી શરૂ કરીને ચોમાસાના ચાર મહિના પ્રભુ આરામ કરે એવી એક પવિત્ર કલ્પના છે. દરિયા ખેડુઓ પણ આ ચાર માસ દરિયો ખેડે નહીં, હોડીઓ અને નૌકાઓ કાંઠે લાંગરીને પરિવાર સાથે સમય વ્યતીત કરે.

માત્ર વૈષ્ણવ ધર્મમાં નહીં. જૈન ધર્મમાં પણ પૂજ્ય સાધુ-સંતો ચાતુર્માસ નિમિત્તે જ્યાં હોય ત્યાં રોકાઇને પોતાની આરાધના-સાધના કરતા હોય છે. આજના દિવસે મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર જિલ્લામાં આવેલું એક નાનકડું ગામડું પંઢરપુર જરૂર યાદ આવે. આ ગામને દક્ષિણ કાશી તરીકે પણ ઓળખે છે. આ મહારાષ્ટ્રનું કાશી છે.

દર વરસે કાર્તિકી એકાદશીએ અને અષાઢી એકાદશીએ પંઢરપુરમાં સ્વયંભૂ લોકમેળો યોજાય. આસપાસથી માનવ મહેરામણ ઉમટી પડે. ભીમા (ઘુમાવદાર તેજ પ્રવાહના કારણે ચંદ્રભાગા પણ કહે છે) નદીના કાંઠે વસેલું આ ગામ અનેરો મહિમા ધરાવે છે. 

નદીની વચ્ચોવચ પણ એક મંદિર છે જે આ દિવસોમાં ઉપરવાસથી ધસમસતા આવતા જળપ્રવાહના કારણે લગભગ પૂરૂં ડૂબી ગયું હોય. નદીમાં અત્યંત વેગથી પ્રવાહ ધસમસતો હોવાથી લોકોને કાંઠે રોકી લેવામાં આવે છે. વધુ અંદર જતાં રોકવા પોલીસ બંદોબસ્ત કરવો પડે છે. 

સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ, સંત એકનાથ, સંત તુકારામ વગેરે અધ્યાત્મ પુરુષો-સિદ્ધો અહીં થઇ ગયેલા. અગાઉ એકવાર કથાની ઝલક આપેલી. યાદ કરાવી દઉં. પંઢરપુરમાં પુંડરિક નામનો એક યુવાન પોતાનાં બીમાર માતાપિતાની સેવા કરતો અને સતત પ્રભુ સ્મરણ કરતો. એકવાર પ્રભુ સજોડે એને દર્શન દેવા આવ્યાં. પુંડરિક માતાપિતાની સેવામાં વ્યસ્ત હતો. એને એમ કે કોઇ મહેમાન આવ્યા છે. એણે બાજુમાં પડેલી એક ઇંટ ફેંકી અને કહ્યું કે વીટે વર ઊભા... મરાઠી ભાષામાં વીટ એટલે ઇંટ. 



ભગવાન તો ભક્તના પ્રેમના દિવાના. એ તો ઇંટ પર ઊભા રહ્યા. શરીરની સમતુલા જાળવવા કમર પર બંને હાથ રાખ્યા. વીટે વર ઊભા તો વિઠ્ઠલ. પંઢરપુરમાં વિઠ્ઠલ અને રુક્માઇ (રૂક્ષ્મણી)નું મંદિર છે. 

અહીં વર્ષમાં બે વાર કુંભમેળા જેવો મેળાવડો થાય છે. સો દોઢસો માઇલ દૂરથી વારકરી ભજન મંડળીઓ ખાસ્સા વજનદાર પિત્તળનાં મંજિરાં વગાડતાં વગાડતાં અને ગાતાં ગાતાં પગે ચાલીને પંઢરપુર આવે. માર્ગમાં જે ગામડાં આવે ત્યાં રાતવાસો કરે અને જે તે ગામ વારકરી મંડળીઓની સેવા કરીને કૃતાર્થતા અનુભવે. 

2011ની વસતિગણતરી મુજબ આ ગામમાં ફક્ત 98 હજાર લોકો વસતા હતા. કાર્તિકી કે અષાઢી એકાદશીએ બહારથી ચાર પાંચ લાખ લોકો આવી જાય. હૈયે હૈયું દળાય એવી ભીડ થાય પરંતુ જરા પણ અરાજકતા કે અવ્યવસ્થા જોવા ન મળે. મોટે ભાગે ગામડાંનાં શ્રદ્ધાળુઓ, ખેડૂતો, ખેતમજૂરો અને બીજા શ્રમિકો અહીં અનેક અગવડ સગવડ વચ્ચે પણ ઉમટી પડે. યથાશક્તિ ભક્તિ કરે. સ્થાનિક પ્રજાને અને ખાસ તો વેપારી-વાણોતરોને બે પૈસા મળે.

છેલ્લાં દોઢ બે વરસથી દેશભરનાં ધર્મસ્થળોની જેમ મહારાષ્ટ્રના ધર્મસ્થળો પણ બંધ છે. ઉત્સવો ઊજવાતાં નથી, ભીડ થવા દેવાતી નથી. અગાઉ પુંડલિકપુર કહેવાતું આ ગામ આજે દુનિયાભરમાં પંઢરપુર તરીકે જાણીતું છે. 

મહારાષ્ટ્રના તમામ પક્ષોના નેતાઓ અને જે પક્ષની સરકાર હોય તેના ખુદ મુખ્ય પ્રધાન પંઢરપુર માથું નમાવવા આવે છે. આ વખતે સ્થાનિક પ્રજાએ રાજ્ય સરકારને વિનંતી કરેલી કે અષાઢી એકાદશીનો મેળો યોજવાની રજા આપો. પરંતુ કોરોનાની ત્રીજી લહેરના ડરે રાજ્ય સરકારે રજા આપી નથી. ભલે સાવ નાનકડો, પ્રતીક રૂપ મેળો તો યોજાઇ રહ્યો છે

Comments

Post a Comment