સિંધભૈરવી આધારિત એ ગીત આજે પણ સદાબહાર હોવાની અનુભૂતિ થાય છે... !

 


પ્યાસે પંછીની સાંગિતીક સફળતાના પગલે કલ્યાણજી આણંદજીએ વિજય ભટ્ટ સાથે વધુ એક ફિલ્મ કરી- હિમાલય કી ગોદ મેં. એ પહેલાં ઔર એેક સંગીતપ્રધાન ફિલ્મ આવી ગઇ. એની વાત પહેલાં કરી લઇએ. ફિલ્મ સર્જક સૂરજ પ્રકાશની એ સોશ્યલ ફિલ્મ એટલે મહેંદી લગી મેરે હાથ. 

રાજ કપૂર સાથે છલિયા કર્યા બાદ મહેંદી લગી મેરે હાથમાં શશી કપૂર જોડે આ બંધુ બેલડીએ કામ કર્યું. કેમ જાણે એક પછી એક ત્રણે કપૂર ભાઇઓ સાથે કામ કરવાના હોય એ રીતે ક્રમ જળવાયો હતો. મહેંદી લગી મેરે હાથમાં શશી કપૂર સાથે કામ કર્યું. એ પછી ટૂંક સમયમાં મનમોહન દેસાઇની બ્લફ માસ્ટરમાં શમ્મી કપૂર માટે સંગીત પીરસ્યું. 

મહેંદી લગી મેરે હાથ ફિલ્મમાં માતબર કલાકારો હતા. શશી કપૂર ઉપરાંત નંદા, અશોક કુમાર અને અચલા સચદેવ વગેરે હતાં. પાછળથી શશી કપૂર અને નંદા સાથે કલ્યાણજી આણંદજીએ એવરગ્રીન ફિલ્મ જબ જબ ફૂલ ખિલે આપી. આ ફિલ્મથી આનંદ બક્ષી કલ્યાણજી આણંદજી સાથે ગીતકાર તરીકે જોડાયા.




આ ફિલ્મના ત્રણેક ગીતની વાત ખાસ કરવી છે. એમાંય વિશેષ તો ફિલ્મનું ટાઇટલ ગીત ઉલ્લેખનીય છે. લતાના કંઠે રજૂ થયેલા આ ગીતનાં બે વર્ઝન છે. એક લગ્નોત્સુક યુવતીના હરખને વ્યક્ત કરે છે અને બીજું વર્ઝન એજ યુવતીના કલ્પાંત રૂપે રજૂ થયું છે. મુખડું છે- ‘મહેંદી લગી મેરે હાથ રે, કીમતવારે આયેંગે દ્વારે, લે કે સંગ બરાત રે...’ 

આ ગીત સમગ્ર કપૂર પરિવારની લાડકી સિંધભૈરવી રાગમાં છે. નાયિકા બે માટીનાં ઢીંગલા-ઢીંગલી સાથે રમતાં આ ગીત રજૂ કરે છે. ચાર માત્રાના (કેટલાકના મતે આઠ માત્રાના ) ફાસ્ટ કહેરવામાં આ ગીત નિબદ્ધ છે. લગ્નોત્સુક યુવતીના મનોભાવને રજૂ કરવા ગીતના ઇન્ટરલ્યૂડમાં શહનાઇના સૂર ગૂંજે છે. એમાં આનંદ સાથે કરુણતાની પણ ઝલક અનુભવાય છે, કેમ જાણે સૂચવતી હોય કે અકળ કારણસર લગ્ન અટકી પડશે....

બીજું ગીત પણ લતાના કંઠમાં છે. ‘કંકરિયા મારે કર કે ઇશારે બલમા બડા બેઇમાન...’ બે પ્રિય પાત્રો વચ્ચે મીઠ્ઠી ખેંચતાણ જેવી રચના છે. ખેમટા તાલમાં નિબદ્ધ આ રચનામાં નાયક નાયિકા ઉપરાંત થોડી ડાન્સર્સ પણ જોડાય છે. ઇન્ટરલ્યૂડમાં નૌબત નગારાની ત્રમઝટ સાંભળનારને પણ પગથી ઠેકો આપવાની પ્રેરણા આપે એવી છે.

‘આપ ને યૂં હી દિલ્લગી કી થી, હમ તો દિલ કી લગી સમજ બૈઠે, પને ભી હમેં ન સમજાયા, અપ ભી તો હંસી સમજ બૈઠે...’ શબ્દો પરથી સમજાય છે કે જેને પ્રેમ સમજી બેઠા હતા એે તો વહેમ હતો. 

મૂકેશના ખરજથી ઘુંટાયેલા દર્દભર્યા કંઠે છ માત્રાના દાદરા તાલમાં નિબદ્ધ આ ગીત ગઝલ જેવી છાપ પાડે છે. સાંભળનારને ગમગીન કરી દે એવી તર્જ ધરાવે છે.

અન્ય ત્રણ ગીતોમાં એક કવ્વાલી છે. મુહમ્મદ રફી અને કોરસના સ્વરોમાં રજૂ થઇ છે. ચાલુ કવ્વાલીએ નાયિકા આવે છે ત્યારે એને સંબોધીને એકાદ અંતરો નાયકના કંઠે રજૂ થાય છે. કલ્યાણજી આણંદજીની આ પહેલી કવ્વાલી છે. રંગ રાખે છે. મુખડું છે- ‘ના યે રંજો અલમ હોતા, ના યે જુલ્મો સિતમ હોતે, બડે ખુશહાલ હમ હોતે, મુહબ્બત અગર ન હોતી....’   

આ ફિલ્મથી કલ્યાણજી આણંદજીની ટીમમાં મહેન્દ્ર કપૂર પણ જોડાયા. આમ તો મહેન્દ્ર કપૂર આ બંને ભાઇઓના પાડોશી હતા. મુંબઇના પેડર રોડ પર જસલોક હોસ્પિટલની સામે આવેલા કલ્યાણજી આણંદજીના મ્યુઝિક રૂમ પરથી બૂમ પાડો તો મહેન્દ્રને સંભળાય એટલા નજીક મહેન્દ્ર કપૂર રહેતા હતા. હાર્ટ પ્રોબ્લેમ થયા પછી વાંદરા રહેવા ગયા.

મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકરના ભાગે જે ગીત આવ્યું છે એ આનંદ બક્ષીનું ન હોય એવું છે. શાબ્દિક જોડકણા જેવા શબ્દો છે. તમે જ વિચારો. મુખડું છે- ‘પંછી ઊડે ટોલી મેં, તુઝ કો મૈં લે જાઉંગા બૈઠા કે ડોલીમેં...’  

પંખીઓ સમૂહમાં ઊડે એને ડોલીમાં લઇ જવાતી નવવિવાહિતા સાથે શી લેવાદેવા એવો સવાલ જાગે. ખેર, નાયક-નાયિકા વચ્ચે મીઠ્ઠા કલહ જેવું આ ગીત છે. જો કે આ ફિલ્મનું સદાબહાર ગીત એટલે ટાઇટલ ગીત. એ વારંવાર સાંભળવું ગમે એવું છે.


Comments