ધીમી પણ મક્કમ ગતિથી બંને ભાઇઓ કારકિર્દીની સ્થિરતા ભણી આગળ વધતા રહ્યા

 



સંગીતકાર તરીકે કલ્યાણજી આણંદજીની 1960ના વર્ષની છેલ્લી ફિલ્મ દિલ્હી જંક્શન હતી. ડાયરેક્ટર મુહમ્મદ હુસૈનની આ ફિલ્મ મસાલા-એેક્શન જોનરની ફિલ્મ હતી. પાછળથી વિલન તરીકે વધુ સફળ થયેલો અભિનેતા અજિત આ ફિલ્મનો હીરો હતો. શકીલા અને નીશી બે અભિનેત્રી હતી. ખરું પૂછો તેા એક્શન ફિલ્મમાં સંગીતને ઝાઝો સ્કોપ મળે નહીં. પરંતુ કલ્યાણજી આણંદજીએ મધુર સંગીત પીરસવાની પોતાની પ્રણાલી જાળવી રાખી. 

ત્રણ ગીતકારો વચ્ચે છ ગીતો વહેંચાયેલાં હતાં. ગુલશન બાવરા, ફારુખ કૈસર અને ગાયક સંગીતકાર પ્રેમ ધવન. પ્રેમ ધવને તો સરસ ગીતો ગાયાં છે અને ફિલ્મોમાં મધુર સંગીત પણ પીરસ્યું છે. અહીં એ ફક્ત ગીતકાર તરીકે જોડાયેલા છે.

ચાર ગીતો લતાનાં સોલો અને બાકીનાં બેમાં મુહમ્મદ રફી અને ઉષા મંગેશકર જોડે યુગલગીત છે. આ ફિલ્મનાં બે ગીત વિશેષ ઉલ્લેખનીય છે. બંને લતાના સોલો છે.

એવું પહેલું ગીત એટલે લતાનાં યાદગાર ગીતોમાં મૂકાયેલું ‘જાલિમ જમાને ને ઇતના સતાયા હૈ, રોને લગી જિંદગી, ગમ મુસ્કુરાયા હૈ...’ છ માત્રાના દાદરા તાલમાં નિબદ્ધ આ રચના મધુર પણ સાંભળનારને ગમગીન કરી દે એવી છે. શબ્દોને અનુરૂપ તર્જ બની છે. બીજું ગીત અરબી શૈલીનું ડાન્સ સોંગ છે જે એ સમયની પ્રસિદ્ધ ડાન્સીંગ અભિનેત્રી કુક્કુ પર ફિલ્માવાયું છે. ‘નામ તેરા લેકે મોંહે છેડે હૈં જમાના, લૂટ ગઇ લૂટ ગઇ સૈયાંજી બચાના...’ આ બંને ગીતો ઘણા વાચકોને પોતાની કિશોરાવસ્થા યાદ કરાવી દેશે.

1961નું વર્ષ શરૂ થયું અને કાળ કરવટ બદલતો હોય એવાં સંજોગો સર્જાયા. રામરાજ્યથી માંડીને બૈજુ બાવરા સુધીની યાદગાર મજલ કાપી ચૂકેલા અને સુપરહિટ સંગીતની સૂઝબૂઝ ધરાવતા વિજય ભટ્ટ અને શંકર ભટ્ટે કલ્યાણજી આણંદજીને તક આપી. 

જો કે ભટ્ટ ભાઇઓની આ ફિલ્મ ક્વીકી અને ઓછા ખર્ચે ઓછા સમયમાં બનાવાયેલી હોવાની છાપ પડે છે. હીરો કરતાં વિલન તરીકે વધુ ગાજેલા કશ્મીરી મૂળના કલાકાર જીવન સાથે અભિનેત્રી અમિતા, કોમેડિયન આગા, ચરિત્ર અભિનેત્રી લીલા મિશ્રા, મહેમૂદ વગેરે કલાકારો હતાં. હરસુખ યજ્ઞેશ્વર ભટ્ટ નિર્દેશિત આ ફિલ્મ એટલે પ્યાસે પંછી.

શંકર જયકિસન સાથે હસરત જયપુરી અને શૈલેન્દ્ર હતા, નૌશાદ સાથે શકીલ બદાયૂની હતા અને મદન મોહન સાથે રાજા મહેંદી અલી ખાન હતા એમ કલ્યાણજી આણંદજી સાથે આ ફિલ્મથી ઇન્દિવર જોડાયા અને લાંબો સમય સાથે કામ કર્યું. જો કે પ્યાસે પંછીમાં કમર જલાલાબાદીનાં પણ ગીતો હતાં.

આ ફિલ્મમાં સંગીતકારોએ જૂની-નવી પેઢીનાં ગાયકોને અજમાવ્યાં. એક તરફ શમસાદ બેગમ, ગીતા દત્ત તો બીજી તરફ મન્ના ડે, મુહમ્મદ રફી, હેમંત કુમાર, મૂકેશ અને સુમન કલ્યાણપુર હતાં. પ્યાસે પંછીનાં બે ત્રણ ગીતોની વાત કરવી છે. ટાઇટલ ગીત ‘પ્યાસે પંછી નીલ ગગન મેં ગીત મિલન કે ગાયે..’ આજે પણ તાજગીપૂર્ણ લાગે છે.  



જે ગીતની ખાસ વાત કરવી છે એ રાગ કીરવાણી પર આધારિત છે. હેમંત કુમાર અને સુમન કલ્યાણપુરના કંઠે ગવાયેલું એ ગીત એટલે ‘તુમ્હીં મેરે મીત હો, તુમ્હી મેરી પ્રીત હો, તુમ્હીં મેરી આરઝૂ કા પહલા પહલા ગીત હો, તુમ્હીં મેરે મીત હો, તુમ્હીં મેરી પ્રીત હો, તુમ્હીં મેરી જિંદગી કી પહલી પહલી જીત હો...’ 

કલ્યાણજી આણંદજી માટે ઇન્દિવરે રચેલું પહેલું યાદગાર ગીત એટલે મૂકેશના કંઠે રજૂ થયેલું ‘બડા ખુશનસીબ હૈ જિસે તૂ નસીબ હૈ, ઉસે ઔર ચાહિયે ક્યા, જિસ કે તૂ કરીબ હૈ...’ 

ઉત્તમ સંગીત પીરસવાની પોતાની પરંપરા કલ્યાણજી આણંદજીએ સતત જાળવી રાખી. દિલ્હી જંક્શન અને પ્યાસે પંછી ફિલ્મોનાં કલાકારો અને કથાને ધ્યાનમાં રાખીને ગીતો માણો તો ખ્યાલ આવે કે સંગીતકારો માત્ર પોતાના કામને સમર્પિત રહ્યા અને સંગીતના જોરે કામિયાબી હાંસિલ કરતા રહ્યા. પરિણામે ટોચના અને બી ગ્રેડના એમ તમામ કલાકારો સાથે કલ્યાણજી આણંદજીના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા. સંબંધ જાળવવાની એ કળા આ કચ્છી બંધુ બેલડીને સમગ્ર કારકિર્દી દરમિયાન કામ આવી. 


Comments

Post a Comment