આત્મવિશ્વાસ અને શ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુ ગણીએ તો કશું ખોટું નહીં ગણાય




મહારાષ્ટ્ર જેવા એકાદ અપવાદને બાદ કરતાં લગભગ બધાં રાજ્યોમાં ધર્મસ્થળો હવે ખુલી ગયાં છે. ધર્મસ્થળોમાં ભીડ થતી અટકાવવા કોરોના કાળમાં ભગવાન તાળાબંધ હતા. ધર્મસ્થળો ખુલતાંજ શ્રદ્ધાળુઓનો ધસારો થયો.

કવિ સુંદરમનું એક સરસ કાવ્ય છે. ‘નમું તને, પથ્થરને, નહીં નહીં, શ્રદ્ધા તણા આસનને નમું હું નમું...’ નમન કરવા અંગે પૂજ્ય ભાગવતકાર ડોંગરેજી મહારાજ સરસ વાત કરતા. 

એ કહેતા, ‘માનતા ફળે એનું કારણ તમે ભગવાનને દસ નારિયેળ કે બીજું કંઇ ધરાવો એ નથી હોતું. વાસ્તવમાં પ્રભુના ચરણમાં તમે મસ્તક નમાવો ત્યારે અહં સમર્પો છો કે મારાથી બનતું બધું મેં કર્યું છે. પરંતુ હું સફળ થયો નથી. હવે બાજી તમારા હાથમાં છે. મને સહાય કરો... તમારો અહં વિસર્જિત થાય એ સાથે તમને ગેબી મદદ મળે છે.

બહુ સરસ વાત છે. એક નાનકડા દાખલાથી આગળ વધીએ. 1983માં મનમોહન દેસાઇની ફિલ્મ કૂલીના સેટ પર એક્શન દ્રશ્ય કરવા જતાં અમિતાભ બચ્ચનને ગંભીર ઇજા થઇ ત્યારે દુનિયાભરના ટોચના ડોક્ટરો સારવારમાં હાજર હતા. ત્યાના વડા પ્રધાન ઇંદિરા ગાંધી પોતે અમિતાભના ખબર અંતર પૂછવા આવ્યાં હતાં. 

એક તબક્કે સારવાર કરનારા ડોક્ટરોએ કહી દીધું કે અમારાથી થાય એટલું અમે કરી ચૂક્યા. હવે તમે પાર્થના કરો. અમિતાભના લાખ્ખો ચાહકોએ પોતાના માનીતા કલાકાર માટે પ્રાર્થના કરવા માંડી. સાજા થઇને અમિતાભ બહાર આવ્યા ત્યારે તેમણે પોતાના ચાહકો અને દેશની જનતાનો જાહેર આભાર માન્યો હતો કે તમારી પ્રાર્થનાએ મને નવું જીવન આપ્યું છે.

મહાનગર મુંબઇમાં દર વરસે લાલબાગ વિસ્તારમાં આદમકદની ગણેશ પ્રતિમા દસ દિવસ માટે સ્થપાય છે. વરસમાં ફક્ત એકવાર દસ દિવસ માટે આવતા વિઘ્નહર્તા ગણેશની આ પ્રતિમા સમક્ષ સેંકડો લોકો બાધા-માનતા લે છે અને એ બાધા-માનતા ફળે છે. 

એની પાછળ વ્યક્તિની શ્રદ્ધા અને અહંત્યાગ રહેલા છે. શ્રદ્ધા અને આત્મવિશ્વાસ બંને એક સિક્કાની બાજુ જેવા છે. ક્યારેક સંજોગવશ વ્યક્તિનો આત્મવિશ્વાસ જગાડવો પડે છે. સીતાની શોધમાં નીકળેલા વાનરો સમુદ્ર તટે પહોંચ્યા ત્યારે શરૂમાં મૂંઝાયેલા. જાંબુવાને પવનપુત્ર હનુમાનમાં રહેલા આત્મવિશ્વાસને જગાડ્યો અને હનુમાનજી સાગર પર કરી ગયા.

અત્યારે ધર્મસ્થળો છલકાવી રહેલા ભાવિકોએ આ વાત યાદ રાખવા જેવી છે. કોરોના કાળમાં ઊગરી ગયેલા અથવા રોગમુક્ત રહેલા લોકોએ આભારની પ્રાર્થના કરવી જોઇએ. 

ઓશો કહેતા કે પ્રાર્થના એટલે યાચના કે માગણી નહીં, જે કંઇ મળ્યું છે એ માટે આભાર માનવાની તક છે. કોઇ પણ કાર્ય સિદ્ધિ માટે પુરુષાર્થની સાથોસાથ આત્મવિશ્વાસ બુલંદ હોવો જરૂરી છે. 

એક જગવિખ્યાત વિજ્ઞાનીની વાત છે. અત્યારે એમનું નામ હૈયેથી હોઠે નથી આવતું. એ માણસે ત્રણસો વખત પ્રયોગો કરેલા અને એ બધા પ્રયોગો નિષ્ફળ નીવડતાં એના સાથીદારોએ વાત પડતી મૂકવાનું સૂચન કરેલું. 

વિજ્ઞાનીએ હસતાં હસતાં કહ્યું કે આપણે ત્રણસો વખત નિષ્ફળ નથી ગયા, દરેક ડગલે સફળતાની નજીક જઇ રહ્યા હતા. તમે વિચારવાની પદ્ધતિ બદલો. તમે સાથ આપો કે ન આપો, હું મારા પ્રયાસો ચાલુ રાખવાનો છું. સાથીઓએ મને-કમને સાથ આપ્યો અને એ પછીના પહેલાજ પ્રયોગમાં આ ટુકડી જ્વલંત સફળતાને વરી. 

કહેવાનું તાત્પર્ય એ કે પુરુષાર્થ અને આત્મવિશ્વાસ બંને સાથે જવા જોઇએ. કારમી હતાશાના સમયે પણ ઇશ શ્રદ્ધા અડીખમ હોય તો ગમે તેવી સમસ્યા હલ થઇ જાય. માનવ ઇતિહાસમાં એવા ઘણા દાખલા મળી આવે જ્યારે અમાસના ગાઢ અંધકારની એકાદ કોર પર આશાનું કિરણ ઝબૂક્યું હોય. એ એક કિરણના જોરે જે તે વ્યક્તિ કામિયાબ થઇ હોય.

અત્યારે આખા દેશ સમક્ષ વિકટ પરિસ્થિતિ છે. મંદિરો-દહેરાસરો, ગુરુદ્વારો છલકાય ત્યારે જરૂર એવો વિચાર આવે કે દરેકે પોતાની શ્રદ્ધા સુદ્રઢ રાખીને આ કટોકટી વિના વિલંબે પસાર થઇ જાય અને માનવ જીવન ફરી પાટે ચડી જાય એવી પ્રાર્થના કરવી જોઇએ. સામૂહિક પ્રાર્થનામાં અતૂટ બળ હોય છે. ગાંધીજી એટલેજ રોજ સવાર સાંજ આશ્રમમાં અચૂક પ્રાર્થના કરાવતા.

Comments