‘
સીમાડા સાચવતા ભારતીય લશ્કરના જવાનો માટે વિવિધભારતી પર ‘જયમાલા’ નામે વીક એન્ડમાં કાર્યક્રમ આવતો. તમે પણ એ કાર્યક્રમના કેટલાક એપિસોડ્સ માણ્યા હશે. એવા એક એપિસોડમાં ધર્મેન્દ્રે હાજરી આપેલી. એણે પોતાની કારકિર્દીના કેટલાક પ્રસંગો વર્ણવ્યા હતા. એમાંના એકથી આજના એપિસોડનો આરંભ કરીએ. ઓવર ટુ ધર્મેન્દ્ર... ‘ઘરેથી લાવેલી હાથખર્ચી પૂરી થવા આવેલી. મુંબઇમાં મને આવ્યાને ઠીક ઠીક સમય થઇ ગયો હતો. હતાશા ઘેરી વળે એ પહેલાં મને અર્જુન હિંગોરાણી તરફથી એક ફિલ્મની ઓફર મળી. મારી એ પહેલી ફિલ્મ. દિલ ભી તેરા હમ ભી તેરે. એ ફિલ્મના એક ગીતનું રેકોર્ડિંગ હતું. હું ઉત્સાહથી થનગતનો હતો. એ ગીત મૂકેશજી ગાવાના હતા.
‘કસરતથી કસેલી કાયા હતી. હું વાંદરામાં જ્યાં ઊતર્યો હતો ત્યાંથી વહેલી સવારે પદયાત્રા કરીને તારદેવ પર ફેમસ સિને લેબ પહોંચ્યો. ત્યાં પૂછપરછ કરી ત્યારે જાણ થઇ કે કોઇ કારણસર રેકોર્ડિંગ મોકુફ રહ્યું હતું. હું ભયંકર નિરાશ થયો. મૂકેશજીનું ઘર નજીક હતું. હું ત્યાં પહોંચ્યો અને મૂકેશજી પાસે મારી નિરાશા વ્યક્ત કરી. મારી આંખોના ખૂણા ભીના હતા. મારી વ્યથા મૂકેશજી બરાબર સમજી ગયા. તેમણે મને પ્રેમથી જમાડ્યો, હિંમત બંધાવી કે જો ભાઇ, અમે પણ મુંબઇમાં સંઘર્ષ કર્યો છે. તું તો બહાદૂર જાટનો દીકરો છો. પંજાબી છો. હું પણ પંજાબી છું. આમ હતાશ થયે ચાલે નહીં. આ ગીતનું રેકોર્ડિંગ થશે ત્યારે મારી ગાડી તને લેવા મોકલીશ. હું કલ્યાણજીભાઇની ગાડીમાં આવીશ.
‘શમીમ જયપુરી લિખિત આ ગીતના શબ્દો મારી મનોદશાને આબેહૂબ વર્ણવતા હતા. માતાપિતા, પરિવાર અને સ્નેહી સ્વજનોથી સેંકડો માઇલ દૂર મોહનગરી મુંબઇમાં હું એકલો હતો. કોઇને પિછાણતો નહોતો. એટલે આ ગીત મને બહુ વહાલું થઇ પડેલું. ગીતનું મુખડું હતું- ‘મુઝ કો ઇસ રાત કી તન્હાઇ મેં આવાઝ ન દો, જિસ કી આવાઝ રુલા દે મુઝે વો સાજ ન દો...’ સંગીતકાર કલ્યાણજીએ એની તર્જ પણ એવી બનાવેલી જાણે હૈયું આક્રંદ કરી રહ્યું હોય. મારી સંખ્યાબંધ ફિલ્મોનાં ગીતો હિટ થયાં. એ બધાંમાં આ ગીત મને આજે પણ વહાલું છે...’ એમ ધર્મેન્દ્રે કહેલું.
હા, દોસ્તો. આ ગીત ખરેખર અદ્ભુત બન્યું છે. અંગ્રેજીમાં જેને હોન્ટેડ (ભૂતિયું કે અશરીરી તત્ત્વ) વોઇસ કે સાઉન્ડ કહે છે એવું આ ગીતમાં અનુભવી શકાયું છે. સદા સુહાગિન ભૈરવીમાં છ માત્રાના દાદરા તાલમાં આ ગીતની બંદિશ એવી અલૌકિક બની છે કે વાત ન પૂછો. તમે ખપ પૂરતું સંગીત જાણતા હો અને હાર્મોનિયમ કે કી બોર્ડ વગાડી શકતા હો તો ટ્રાય કરજો.
મૂકેશજી ‘આવાઝ ન દો...’ રિપિટ કરે છે ત્યારે, કોમલ ધૈવત પરથી જે રીતે શુદ્ધ ગાંધાર પર જાય છે એ સ્વરો રૂંવાડાં ખડાં કરી દે એવી અનુભૂતિ થાય છે. આ ગીતની બંદિશ લતાજીને ગમી જતાં એમણે પણ આગ્રહ કરીને આ ગીત ગાયું. કલ્યાણજી આણંદજીએ ભૈરવીમાં આવા કેટલાક અદ્વિતીય પ્રયોગો કર્યા છે. આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ તમને ખ્યાલ આવશે કે ભૈરવી આધારિત કેટલાંક ગીતોમાં કલ્યાણજી આણંદજીએ ખૂબીપૂર્વક તીવ્ર મધ્યમનો પણ દિવ્ય ઉપયોગ કરીને ગીતને વધુ આસ્વાદ્ય બનાવ્યું છે.
દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મ અર્જુન હિંગોરાણીની ફિલ્મ સર્જક તરીકે પહેલી ફિલ્મ. હીરો તરીકે ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ. આ બંને પહેલી ફિલ્મનાં સંગીતથી વ્યાવસાયિક સ્થિરતા મેળવી શક્યા એમ કહી શકાય. દિલ ભી તેરા હમ ભી તેરેનાં બધાં ગીતો હિટ હતાં. લતા અને મૂકેશ વચ્ચે આ ગીતો વહેંચાઇ ગયાં હતાં. અત્રે એ યાદગાર સંગીતની માત્ર એક ઝલક આપી છે. દરેક ફિલ્મના દરેક ગીતની વાત આપણે કરવાના નથી, માત્ર હિટ સંગીતની ઝલક માણવાના છીએ.
Excellent & my most favorite song sung by Mukesh..
ReplyDeleteઅજિતભાઈ, keep it up. તમારા ઈતિહાસ ના જ્ઞાન નો લાભ અમને હમેંશા મળતો રહે.
ReplyDeleteExcellent
ReplyDelete