!
એક વક્તાએ નાનકડી પણ સરસ વાત કરેલી. એક મૃતાત્મા અને પ્રભુના પ્રતિનિધિ જેવા યમદૂતો વચ્ચે સંવાદ થાય છે. હજુ તો મારે ઘણું કરવાનું બાકી હતું, મને લઇ જવાની ઉતાવળ કાં કરો એવી દલીલના જવાબમાં યમદૂત કહે છે, અમે શું કરીએ, તારો સમય પૂરો થવા આવ્યો છે એટલે જવું તો પડશે...
જીવ જાતજાતના સવાલો પૂછે છે, જાતજાતની દલીલો કરે છે. જીવનભર કરેલો સંઘર્ષ, સંતાનો, વ્યાવસાયિક સિદ્ધિઓ, સંપત્તિ, સપનાં... યમદૂત એ બધી વાતનેા ટૂંકા જવાબો દ્વારા છેદ ઊડાડી દે છે.
આખરે જીવ પૂછે છે કે તો પછી માણસનું પોતાનું કહી શકાય એવું હોય છે શું ? યમદૂત માત્ર બે શબ્દોમાં જવાબ આપે છે- ‘વર્તમાન ક્ષણ’. ફિલ્મી ગીતકારે દાયકાઓ પહેલાં લખેલું, આગે ભી જાને ન તૂ, પીછે ભી જાને ન તૂ, જો ભી હૈ, બસ યહી એક પલ હૈ... માત્ર એક પળ, એક ક્ષણ. ગુજરાતી ભાષામાં એક સરસ રૂઢ પ્રયોગ છે- અણી ચૂક્યો સો વરસ જીવે... આ કઇ અણી છે ? એજ જેને ફિલસૂફો પળ કે ક્ષણ કહે છે. ઓશો બહુ સરસ રીતે સમજાવતા. વહેતી નદીમાં હાથ બોળો ત્યારે હાથ બોળવાની ક્ષણે જે જલબિંદુઓને તમે સ્પર્શ્યા એ તો ગાઉઓ દૂર નીકળી ચૂક્યું હોય છે. એકની એક નદીમાં તમે ક્યારેય ફરી હાથ બોળી શકતા નથી.
કોરોના કાળ દરમિયાન કદાચ દરેક વ્યક્તિએ પોતાના હાથમાં રહેલી ક્ષણને જીવી લેવાના પ્રયાસ કર્યા હશે. એમાંના કોઇને કદાચ જીવાઇ રહેલી ક્ષણનો મહિમા સમજાયો હશે, કોઇને નહીં સમજાયો હોય. કોઇએ પેઇન્ટિંગ કર્યું, કોઇએ દર્દીઓને ટિફિન મોકલ્યાં, કોઇએ નવી ગઝલો રચી, કોઇએ સતત ભયભીત રહીને પ્રભુ સ્મરણ કર્યું. દરેકના મનમાં એક તરફ પોતે કોરોના મુક્ત રહી શક્યા છે એનો એક તરફ હાશકારો અને બીજી તરફ વધુ પડતી સાવચેતી અને ભય રહ્યા કર્યા હશે. માસ્ક, સેનિટાઇઝર, આર્સેનિક આલ્બ જેવી હોમિયોપથીની દવા કે બીજા ઇમ્યુનિટી બૂસ્ટર્સ લીધાં હશે.
છેલ્લાં પચાસ સાઠ વરસમાં આવો સમય કોઇએ કદી કલ્પ્યો નહીં હોય. માણસ હજુ વર્તમાન ક્ષણને ઓળખતો થયો નથી. વર્તમાન ક્ષણનું મૂલ્ય સમજતો થયો નથી. અખબારો 1918-19ની મહામારીની વાતો પ્રગટ કરે છે પરંતુ એવી વાતો વાંચવાથી એ સમયની વાસ્તવિકતાનો ખ્યાલ ન આવે. કોરોના કાળ દરમિયાન સતત દસ બાર મહિના ઘરમાં રહેલા માણસને સમયનું મૂલ્ય સમજાયું હોય તો ખરેખર કોરોના વાઇરસનો આભાર માનવો જોઇએ.
કબીરના નામે ચડેલું એક ભજન છે- દન તો ઘડી એક પલ કો, સાયાજી અમને ડર તો લાગ્યો છે જો ને પલ કો... બીમારી કે મૃત્યુના ભયથી સતત થથરતો માણસ ક્ષણનો મહિમા સમજી જાય તો એનું સમૂળું જીવન બદલાઇ જાય. નાસ્તિક હોય તો આસ્તિક થઇ જાય અને ક્યારેક આસ્તિક માણસ નાસ્તિક થઇ જાય. મોટા ભાગના ધર્મસ્થળો બંધ હતા. હળવી ભાષામાં કહીએ તો કોરોના પોતાના ઘરમાં ઘુસી ન જાય એ માટે દેવદેવીઓ પણ પોતપોતાના દરવાજા બંધ કરીને બેઠાં હતાં.
આપણે રોજબરોજની વાતચીતમાં જેને લાઇફસ્ટાઇલ કહીએ છીએ એ કોરોના કાળમાં સદંતર બદલાઇ ગઇ. સતત પ્રવૃત્તિશીલ રહેતા લોકો માટે તો ઘરમાં બેસીને સમય શી રીતે પસાર કરવો એ એક વિકટ સમસ્યા થઇ ગઇ હશે. પ્રત્યેક ક્ષણ ચટકા ભરતી હશે. એ દરમિયાન વીતી રહેલી ક્ષણને સમજી શક્યા હોય તો તો બહુ સારું ! વીતી ગયેલી ક્ષણ પાછી આવવાની નથી, તો આ ક્ષણને કાં પૂરેપૂરી જીવી ન લેવી !
Comments
Post a Comment