સમ્રાટ ચંદ્રગુપ્તથી શરૂ થયેલી કલ્યાણજી વીરજીની કારકિર્દી શરૂ થઇ. શરૂઆતનાં વરસો સંગીતકારની ધીરજની કસોટી કરે એવાં હતાં. આવું જો કે ઘણા કલાકારો સાથે થયું છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પણ શરૂઆતની ફિલ્મો ફ્લોપ નહોતી નીવડી ? સંગીતકારોની કારકિર્દી પર ઊડતી નજર નાખતાં ખ્યાલ આવે છે કે કલ્યાણજી અને આણંદજી બંનેમાં અખૂટ ધીરજ હતી. શિરડીના સાંઇબાબાના શબ્દોમાં કહીએ તો શ્રદ્ધા અને સબૂરી બંને ભારોભાર હતાં.
શરૂઆતની ફિલ્મો ફ્લોપ નીવડી પરંતુ આ ફિલ્મોનું સંગીત હિટ નીવડતાં કારકિર્દી સડસડાટ ચાલી નીકળી. એક બાજુ સુભાષ દેસાઇ સાથેનો અગિયાર ફીલ્મોનો કોન્ટ્રેક્ટ હતો, બીજી બાજુ સમ્રાટ ચંદ્રગુપ્તનું સંગીત હિટ નીવડતાં આવતી બીજી ઓફર્સ હતી.
ગુજરાતી ફિલ્મોના ચાહકો જેસલ તોરલથી જેમને વધુ ઓળખે છે એવા રવીન્દ્ર દવેએ 1958-59માં એક થ્રીલર બનાવવાનો પ્રયાસ કરેલો. એ થ્રીલર સફળ ન થઇ એ જુદી વાત છે. પ્યારે લાલ (પી એલ) સંતોષીની પટકથા-સંવાદ અને ગીતોથી ભરેલી એ ફિલ્મ એટલે પોસ્ટ બોક્સ નંબર 999.
સુનીલ દત્ત અને શકીલાએ એમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુનીલ દત્ત સાથેના કલ્યાણજી આણંદજીના મૈત્રી સંબંધો આ ફિલ્મથી સ્થપાયા. સુનીલ દત્તની કારકિર્દીનો પણ એ સંઘર્ષનો તબક્કો હતો. એમની કારકિર્દીને મધર ઇન્ડિયા હિટ નીવડ્યા પછી થોડો વેગ મળ્યો હતો.
આ ફિલ્મમાં આમ તો સાત ગીતો હતાં. એક ગીત સૌથી વધુ જામ્યું. કલ્યાણજીએ નાગિન ફિલ્મમાં ક્લેવોયલિન વગાડવાની તક આપનારા પોતાના ગુરુ સમાન ગાયક-સંગીતકાર હેમંત કુમારના કંઠનો ઉપયોગ એમાં લતા સાથે કર્યો હતો. બીજી ખૂબી એ હતી કે આ ગીતને કલ્યાણજીએ રાગ કીરવાણીમાં સ્વરબદ્ધ કર્યું હતું.
લતા અને હેમંત કુમારના કંઠે રજૂ થયેલું એ ડ્યુએટ એટલે આ ફિલ્મનું સૌથી વધુ વખણાયેલું ગીત -‘નીંદ ન મુઝ કો આયે, દિલ મેરા ઘબરાયે, ચૂપકે ચૂપકે, કોઇ આ કે સોયા પ્યાર જગાયે...’ આ ગીત બિનાકા ગીતમાલામાં ખૂબ ગાજ્યું. ખૂબ વખણાયું. મેંડોલીનનો સરસ રણકાર ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.
એક અનોખો પ્રયોગ કલ્યાણજીએ અન્ય ગીતમાં કર્યો છે. આમ તો આ ડાન્સ ગીત છે પરંતુ એનાં તર્જ અને લય બંને અનોખી છટા ધરાવે છે. વિલનના અડ્ડા સમી હોટલમાં નાયિકા ચોક્કસ કારણથી ગઇ છે અને શરાબના નશામાં ચુર થઇને ગાતી હોય એવું ફિલ્માંકન છે- ‘અ ર ર ર.. મૈં તો ગીરી રે ગીરી, મુઝે કોઇ સમ્હાલો, અર્જ હૈ હુજૂર સે, દૂર સે હી દૂર સે, પીને કા મજા લે લો, જીને કા મજા લે લો...’ લતાએ ગીરી રે ગીરી શબ્દોને સરસ લાડ લડાવ્યા છે.
આ ફિલ્મમાં પણ બે ગીત ભૈરવી પર આધારિત છે. એક ગીત અભિનેત્રી પૂર્ણિમા પર ફિલ્માવાયું છે. લતાના કંઠે રજૂ થતું આ ગીત હૈયાના વલવલાટને વાચા આપે છે- ‘કોઇ આ જાયે, બિગડી તકદીર બના જાયે, ઊજડા સંસાર બસા જાયે...’
બીજું ભૈરવી ગીત મન્ના ડેના કંઠે ગવાયેલું એક ભજન છે. ‘જોગી આયા લે કે સંદેશા ભગવાન કા...’ આ ગીત દ્વારા પણ એક શ્રીમંત વ્યક્તિના બંગલામાં છૂપાયેલા રહસ્યને પામવાનો નાયકનો પ્રયાસ છે.
દત્તુ ઠેકા તરીકે ઓળખાવાયેલા ખાસ વજનવાળા કહેરવા તાલમાં એેક મધુર યુગલગીત છે. કલ્યાણજીએ અહીં નાયક માટે એકવાર હેમંત કુમાર અને બીજીવાર મન્ના ડેનો કંઠ વાપર્યો છે. બીજા યુગલગીતમાં મન્ના ડે અને લતા છે. ગીત ગણગણવાનું મન થાય એવી બંદિશ છે- ‘મેરે દિલ મેં હૈ એક બાત, કહ દો તો ભલા ક્યા હૈ...’ આ ગીતમાં પણ મેંડોલીનના સરસ ટુકડા છે.
આ ફિલ્મનું આજે તો કોઇને નામ સુદ્ધાં યાદ નહીં હોય, પણ એનું સંગીત સારું એવું ગાજ્યું હતું.
વાહ અજિતભાઈ, ખૂબ જ સુંદર. આવા જ રસપ્રદ લેખો આપતા રહેજો.
ReplyDeleteVery good infermation
ReplyDelete