મહામારીએ ખોખરા કરી નાખેલા અર્થતંત્રને ફરી સદ્ધર કરવાનો રામબાણ કીમિયો... !



લગભગ 2020ના આરંભથી દુનિયાભરને ભરડો નાખીને પડેલી કોરોના મહામારીએ માનવ જીવનના લગભગ તમામ ક્ષેત્રોમાં ભયાનક મંદી સર્જી છે. ભારત પૂરતી વાત મર્યાદિત રાખીએ તો લાખ્ખો શ્રમિકો મરવાને વાંકે જીવી રહ્યા છે. અર્થતંત્ર ખોખરું થઇ ગયું છે અને નીત નવી સમસ્યા સર્જાતી જોવા મળે છે. 

એવા સમયે કેટલાક અનામી સમજુ નાગરિકોએ એક સચોટ સૂચન કર્યું છે. એનો અમલ કરવામાં આવે તો અર્થતંત્ર ભરી ચેતનવંતું બની શકે છે. એ સૂચન અત્રે વિનમ્રભાવે પ્રસ્તુત છે. ધ્યાનથી વાંચજો અને વિચારજો.

આપણે ત્યાં લોકસભાના 545 સંસદ સભ્યો છે. રાજ્યસભાના બીજા 245 સંસદ સભ્યો છે. દેશભરમાં કુલ 4120 ધારાસભ્યો છે. 

આમાંના મોટા ભાગના નેતાઓ કરોડોપતિ છે. આમ છતાં એમને નાગરિકોના હિસાબે ને જોખમે આલીશાન રહેઠાણ, વીજળી, પાણી, ટેલિફોન, વાહન માટે પેટ્રોલ-ડિઝલ વગેરે મફત મળે છે. તગડો પગાર તો છોગામાં. 

સાઇકલ પર આવતા ધારાસભ્ય કે સંસદ સભ્ય એકજ મુદત પછી મર્સિડિઝ ફેરવતાં જોવા મળે છે. ચૂંટણી જીતવા માટે આ લોકો લાખ્ખો રૂપિયા પાણીની જેમ ખર્ચે છે. જેટલા રૂપિયા ખર્ચ્યા હોય એના કરતાં અનેકગણું વળતર એક જ મુદતમાં મેળવી લે છે. 

માત્ર એક મુદત પૂરી કરનારા ધારાસભ્ય કે સંસદ સભ્ય જીવે ત્યાં સુધી મબલખ પેન્શન મેળવે છે.

નેતાઓએ પોતાને મળતી આવી બાદશાહી સગવડોનું વળતર નાગરિકોને આપવાની એક તક અત્યારે ઊભી થઇ છે. દરેક સંસદ સભ્ય અને દરેક ધારાસભ્ય માત્ર એકવાર પાંચ પાંચ લાખ રૂપિયા આપે. 


આમ થાય તો બે અબજ 45 કરોડ પચાસ લાખ રૂપિયા એકઠા થાય. ભારતીય અર્થતંત્રને જબરો ટેકો મળી જાય અને અર્થતંત્ર ફરી ચેતનવંતું બની જાય. 

જે સમજુ નાગરિકોએ આ સૂચન કર્યું છે એમને ધન્યવાદ ઘટે છે. કોઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ સૂચન પહોંચાડવું જોઇએ. જ્યારે જ્યારે પગારવધારાની દરખાસ્ત આવે ત્યારે તરત બધા રાજકીય પક્ષો એક થઇ જાય છે જાણે તેમની વચ્ચે કોઇ મતભેદ જ નથી. 

તો આવા પ્રસંગે એ લોકો ખભેખભા મિલાવીને પાંચ પાંચ લાખ રૂપિયા જરૂર આપી શકે. તેમને માટે તો આ રકમ મુખવાસ એટલે કે પાનસોપારી જેટલી છે.

ખાટલે મોટી ખોડ એ કે પોતાને લોકસેવક ગણાવતા કેટલા નેતાઓ આ માટે તૈયાર થાય ? પોતાની સાત પેઢી ખાય એટલા પૈસા ભેગા કરીને ટેક્સ ફ્રી હોય એવી વિદેશી બેંકોમાં જમા કરાવતા આ નેતાઓ ધારે તો આંખના પલકારામાં આટલી રકમ આપી શકે અને ખાડે જઇ રહેલા અર્થતંત્રને બેઠું કરી શકે. 

નેતાઓ પોતે સ્વેચ્છાએ આ પગલું લેવા તૈયાર ન હોય તો નાગરિકોએ અદાલતોની મદદથી તેમને આ પગલું લેવાની ફરજ પાડવી જોઇએ. આ તો સમગ્ર રાષ્ટ્રના અર્થતંત્રનો સવાલ છે, લાખ્ખો શ્રમિકોનાં બાલબચ્ચાંનો સવાલ છે. જરૂર છે માત્ર પહેલ કરવાની. 

કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી આજ સુધીમાં એક પણ રાજકીય પક્ષ કે નેતાએ પોતાના તરફથી પ્રજાલક્ષી કોઇ પગલું ભર્યાનું સાંભળ્યું નથી. તાજેતરના વાવાઝોડા પછી પણ કોઇ પક્ષ કે નેતાએ પોતાના ગજવામાંથી એક ફદિયુંય ફાળવ્યું નથી. અત્યારે અર્થતંત્રને બેઠું કરવાનો રાષ્ટ્રીય પ્રાણપ્રશ્ન છે. ત્યારે એમને સાચી દેશસેવા કરવાની આ એક તક છે. છે કોઇ માઇનો લાલ આ દરખાસ્ત લેનાર ?

Comments