કલ્યાણજી આનંદજીનો સખાવતી સ્વભાવ માતાપિતાનો માનવતાવાદી વારસો છે...

 



એક તરફ નર્ગિસ-સુનીલ દત્ત સાથે સીમાડા સાચવતા ભારતીય લશ્કરના જવાનો માટે કરેલા ખાસ સ્ટેજ પ્રોગ્રામ્સ અને બીજી તરફ પૂર, ધરતીકંપ અને બીજી કુદરતી આફતો વખતે દેશને સહાય કરવા કરેલા પાંચ હજાર ચેરિટી શો- સતત બીઝી રહેવા છતાં સંગીતકાર કલ્યાણજી આનંદજીએ આવાં કાર્યો કરતા રહ્યા. 

ઠીક ઠીક સોંઘવારી કહેવાય એવા એ સમયગાળામાં પચીસ કરોડ રૂપિયા ભેગા કરી આપ્યા. આવો બીજો દાખલો ફિલ્મ સંગીતમાં શોધ્યો જડે એેમ નથી. સખાવત અને સમાજસેવાની એ ભાવના કેવી રીતે કેળવાઇ ? એ સવાલનો જવાબ આનંદજીભાઇના મોઢે સાંભળો.

‘એકવાર મારા પિતા સાથે અમે દેવલાલી ગયેલા. થોડા દિવસ ત્યાં રહેવાની યોજના હતી. દેવલાલીમાં મારા પિતાનો પરિચય એક અંધ લાગે એવી વ્યક્તિ સાથે થયો. પેલા સાથેની વાતચીત દરમિયાન બાપુજીએ જાણી લીધું કે એ જન્મથી અંધ નથી. એ તો સાઇકલ રિપેર કરવાની દુકાન ચલાવતો હતો. કોઇ દુર્ઘટનામાં એણે દ્રષ્ટિ ગુમાવી અને એના પરિવારને બે ટંક ભોજનના સાંસા પડવા માંડ્યા.

‘અમારા ઉતારે આવીને બાપુજી મને કહે, ચાલો, આપણે મુંબઇ જવું છે. હું તો વિચારમાં પડી ગયો કે હજુ તો થોડા કલાકો પહેલાં અમે દેવલાલી આવ્યા, એટલામાં બાપુજી પાછાં જવાનું કેમ કહે છે. મેં પૂછપરછ કરી ત્યારે બાપુજીએ પેલા સાઇકલવાળાની વાત કરી. મેં કહ્યું કે આપણે આઠ દસ દિવસ રોકાઇને પાછાં જઇએ ત્ચારે એને સાથે લેતાં જઇશું. બાપુજી કહે કે એમ નહીં, અત્યારેજ લઇ જવાનો છે. એની આંખનો ઇલાજ કરાવવાનો છે... એનાં બાલબચ્ચાં ભૂખે મરે છે.



‘બાપુજીનો આદેશ ફાઇનલ હતો. અમે તરત એ ભાઇને લઇને મુંબઇ પાછાં ફર્યા. બાપુજીએ મુંબઇના બેસ્ટ કહેવાય એવા આંખના ડોક્ટર પાસે પેલાનો ઇલાજ કરાવ્યો. હવે એની દ્રષ્ટિ જરૂર પાછી ફરશે એવી ડોક્ટરની ગેરંટી પછી બાપુજીને સંતોષ થયો ત્યારે અમે એ ભાઇને લઇને પાછાં દેવલાલી ગયા. બાપુજીએ પેલાની દુકાન ચાલુ કરાવી આપી. પછી અમારી ખરી પિકનીક શરૂ થઇ... આવી એમના સ્વભાવની વિશેષતા હતી....’

આમ વાત છે. માતાપિતાની સેવાભાવના આ બંને ભાઇઓમાં સાંગોપાંગ ઊતરી હતી. અરે, એકવાર રાત્રે કોઇ ગીતનું રેકોર્ડિંગ પતાવીને થાક્યા-પાક્યા આવ્યા ત્યારે એક તબલચી એમની વાટ જોતો બેઠો હતો. કલ્યાણજીભાઇને કહે, મેરા તબલાવાદન સુનિયે. 

આંખનો પલકારોય માર્યા વિના કલ્યાણજીભાઇએ હા પાડી. એક કલાક પેલો તબલાં વગાડતો રહ્યો. સાવ સામાન્ય કહેવાય એવું તબલાંવાદન હતું. પેલાએ વગાડવાનું બંધ કર્યું ત્યારે કલ્યાણજીભાઇએ એને એક હજાર રૂપિયા બક્ષિસ આપીને વિદાય કર્યો.

એક મિત્ર હાજર હતા. એ કહે કલ્યાણજીભાઇ, આ તો સાવ સામાન્ય વાદક હતો. કલ્યાણજીભાઇએ કહ્યું કે એ જરૂર કોઇ મુશ્કેલીમાં હશે એટલે આશાભર્યો આવેલો. હું એના ચહેરા પરથી સમજી ગયેલો કે એ તકલીફમાં છે. એટલે એને વગાડવા દીધું. એના હાથમાં પૈસા મૂક્યા ત્યારે એના ચહેરા પર પ્રગટેલો આનંદ તમે જોયો હોત તો તમે આવું ન કહેત. આ હતા કલ્યાણજી આનંદજી. ફિલ્મ લાઇનમાં રહેવા છતાં શરાબ, શબાબ કે સિગારેટ-માંસાહારથી દૂર રહ્યા એ પણ બહુ મોટી વાત કહેવાય. આવતા સપ્તાહથી એમના સંગીતનો આસ્વાદ લેવાનું શરૂ કરીશું.


Comments

Post a Comment