કોરોના મહામારીએ થોડોક પોઝિટિવ જાદુ પણ કર્યો ... કોમી એખલાસના દાખલા પણ સર્જ્યા છે....!

 



‘હેવર ત હી સેવા વડી ચોવાજે... આંઇ હેડો ક્યોતા ત અંસી એતરો ત કૈયું...’ (અત્યારે તો આ જ મોટી સેવા છે... તમે આટલું બધું કરો છો તો અમે આટલું તો કરીએ )... ધીંગી ધરા ગણાયેલા કચ્છના ભુજ તાલુકામાં બનેલી ઘટના છે. કેટલીક એનજીઓ કોરોનાથી મરણ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરે છે. 


એક સાથે પાંચ પંદર મૃતદેહો આવી પડે ત્યારે અંતિમ સંસ્કારની જરૂરી સામગ્રીની ખેંચ પડી જાય. એક મુસ્લિમ બિરાદરે સામેથી કહ્યું કે મારી વખારમાં લાકડાનો ઘણો વેસ્ટ પડ્યો છે. તમે જોઇએ તેટલો વાપરો. હું મોકલી આપું છું. એ લાકડું કાપવા માટે અન્ય એક મુ્સ્લિમ બિરાદરે તૈયારી દાખવી અને એ પણ અડધા મહેનતાણે. એ પોતાનું કટિંગ મશીન લઇને આવ્યા... લેખની શરૂઆતમાં જે શબ્દો મૂક્યા એ આ કટિંગ માસ્ટરે ઉચ્ચાર્યા હતા....

ભુજની જ અન્ય એક ઘટના છે. સંખ્યાબંધ માટલીની જરૂર હતી. પ્રજાપતિનો સંપર્ક સાધ્યો ત્યારે એ ભાઇએ પણ બજાર કરતાં ઓછા પૈસે આપવાની તૈયારી દાખવી. 

તમે કેમ સસ્તી આપો છો એવા સવાલના જવાબમાં ત્યાં બેઠેલાં એ પ્રજાપતિ ભાઇના વૃદ્ધ માતા બોલ્યા- ‘સે ભા, મથેવારે કે ઘરે આંકે ને અસાંકે બોય કે હસાબ ડીણો પોંધો કે ન ? (તે ભાઇ, ઉપરવાળાને ત્યાં તમારે અને અમારે બંનેએ હિસાબ તો આપવો પડશે ને ) ? ને ડબલ રૂપિયા ગનીને રખણા પણ કેડા ? (અને વધુ રૂપિયા લઇને રાખવા પણ ક્યાં ? ) હી મડે વનેતા સે કુરો મથે ખણી વનેતા ? ( અને આ બધા જાય છે તે શું ઉપર પૈસા લઇને જાય છે ? ) અસાંકે વધુ ન ખપે ભા... (અમને વઘુ નહીં જોઇએ ભાઇ...)...’

-ફરી ફરીને વાંચવાની ઇચ્છા જાગે એવો સંવાદ છે આ. કોરોનાની સારવાર માટે રેમડેસિવર ઇંજેક્શન અને બીજી ચીજોનાં કાળાંબજાર કરનારા પણ આપણી વચ્ચે રહે છે. અંતિમ સંસ્કાર માટે લાકડું અને માટલી આપનારા પણ આપણી વચ્ચે રહે છે. અનેક નેગેટિવ સમાચારો વચ્ચે કેટલાક એવા સમાચાર પણ પ્રગટ થતા રહ્યા છે જે આપણે હૈયે ટાઢક પ્રસરાવે. અમદાવાદના કેટલાક મુસ્લિમ બિરાદરોએ ઓક્સિજન રિફિલની સગવડ રાતોરાત ઊભી કરી દીધી. 


ક્યાંક એવી ઘટના બની છે જ્યાં હિન્દુ મૃતદેહોના અંતિમ સંસ્કાર મુસ્લિમોએ કર્યા હોય અને ક્યાંક મુસ્લિમ મૃતદેહને હિન્દુ યુવાનોએ અવ્વલ મંજિલે પહોંચાડ્યા હોય. લગભગ રોજ કોઇ ને કોઇ સંસ્થાના અહેવાલ પ્રગટ થાય છે જે કોરોનાના પેશન્ટોને ટિફિન પહોંચાડતી હોય. એક સંસ્થાએ માત્ર દસ રૂપિયામાં પાંચ રોટલી અને શાકની સગવડ શરૂ કરી તો કોઇએ તદ્દન ફ્રી ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા કરી. આ નાની સૂની વાત નથી. એક ટંક લિમિટેડ ભોજનના આજે સવાસોથી દોઢસો રૂપિયા બોલાતા હોય ત્યારે એક સાથે પાંચ પચીસ જણને ઘેર બેઠાં ભરપેટ ભોજન પહોંચાડવું એ ઘણી મોટી વાત છે.

સંત પુનિત મહારાજનું એક ભજન છે- ‘રામે દીધો છે રૂડો રોટલો રે કોઇને ખવરાવીને ખાવ, તમે દઇને રાજી થાવ, રામે દીધો છે રૂડો રોટલો...’ આભ ફાટ્યું હોય ત્યારે થીંગડાં દેવાનું કામ સ્વર્ગમાંથી ગંગા લાવનારા ભગીરથને પણ અકળાવી મૂકે.  એવા આ કપરા સમયમાં સમાજમાં સકારાત્મક (પોઝિટિવ) કામ કરનારાની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે એ હકીકત હૈયું ઠારનારી છે. તમામ ધર્મસ્થાનો બંધ છે ત્યારે માનવ ધર્મ ઠેર ઠેર પ્રગટ્યો છે. કેટલીક એનજીઓએ સંખ્યાબંધ વેન્ટિલેટર દાનમાં આપ્યા છે તો કેટલાક લોકોએ પોતાનાં મકાનોમાં કોવિડની હોસ્પિટલો ઊભી કરી દીધી. મુંબઇના કાંદિવલી ઉપનગરમાં ભૂરાભાઇ આરોગ્ય ભવનમાં રાતોરાત હોસ્પિટલ ઊભી થઇ ગઇ.

બજારો બંધ છે, લાખો શ્રમિકોની આવક અટકી છે ત્યારે સમાજમાં આપોઆપ સમજદારી પ્રગટી છે એ કોરોનાની કમાલ છે. રોજે રોજ કોરોનાના કેટલા કેસ થયા અને કેટલાં મરણ થયાં એવા બિહામણા સમાચારો વચ્ચે સેવાની સરવાણી જેવા આ સમાચાર તરફ વધુ ધ્યાન આપીએ તો કોરોનાનો ડર થોડો ઓછો થઇ જાય. ગામ હોય ત્યાં ઉકરડો તો હોવાનો. સંજોગોનો ગેરલાભ લેનારા પરિબળો પણ હોવાના. એ બધાંની વચ્ચે તદ્દન નિઃસ્વાર્થપણે સેવા કરનારા ડોક્ટરો અને નર્સો જેવીજ સેવા અત્યારે સમાજનાં અન્ય લોકો કરી રહ્યા છે.

સૌથી મોટી વાત એ છે કે કોરોના તો આજે નહીં તો કાલે અદ્રશ્ય થશે. આ માનવતા અને માનવ ધર્મ ટકી રહે તો કોરોના વાઇરસનો પણ આભાર. આ કોમી એખલાસ અને ભાઇચારો કાયમ થઇ જાય તો સત્તાભૂખ્યા રાજકીય પક્ષો અને કહેવાતા નેતાઓના દાવપેચ હવે પછી નહીં ચાલે એ ચોક્કસ વાત છે. કોરોનાએ આપેલો આ એક આશીર્વાદ છે.

Comments