તમે હોલિવૂડની મૂગી કોમેડી ફિલ્મો જોઇ હોય તો તમને લોરેલ-હાર્ડી યાદ હશે. એક કલાકાર પાતળો અને ઊંચો, બીજો સહેજ ભરાવદાર શરીરનો અને થોડો બેઠી દડીનો. કલ્યાણજીભાઇ અમિતાભ બચ્ચન જેવા ખાસ્સી ઊંચાઇ ધરાવનારા, જ્યારે આનંદજી એ રીતે જુઓ તો ઓછી ઊંચાઇ ધરાવનારા. જો કે બંને ભાઇઓ હાજરજવાબી અને શબ્દે શબ્દે ખડખડાટ હસાવનારા. માતા અને દાદીમાનો સંગીતનો વારસો તો બંને ભાઇઓને સરખો મળેલો.
લગભગ 1944-45ની આસપાસ બંને ભાઇઓ અન્ય સંગીતકારો માટે જુદાં જુદાં વાજિંત્રો વગાડતા થઇ ગયેલા. એ એમના ઘડતરનો સમયગાળો કહી શકાય. સંઘર્ષનો સમય પણ કહી શકો. એ દિવસોમાં પણ સગા ભાઇઓની એક જોડી હતી- હુશ્નલાલ ભગતરામ. કલ્યાણજીભાઇ શરૂથી સંગીતકાર બનવાનાં સ્વપ્નો સેવતાં હતા. આનંદજીની વાત જુદી છે.
દેશના બીજા લાખ્ખો યુવાનોની જેમ આનંદજીને અભિનેતા બનવાની ઉત્કટ ઇચ્છા હતી. આજે તો તમે કદાચ માની નહીં શકો પરંતુ આનંદજીએ કેટલીક ફિલ્મોમાં નાના નાના રોલ પણ કરેલા. લિવિંગ લેજન્ડ જેવી સૌંદર્યમૂર્તિ બોમ્બે ટોકિઝની દેવિકા રાણીની મેઘદૂત જેવી થોડીક ફિલ્મો આનંદજીએ અભિનેતા તરીકે કરેલી.
પછી એમના જ શબ્દોમાં કહીએ તો ‘મારા પિતાએ મને સમજાવ્યો કે તારું કાઠું હીરો બનવા જેવું નથી એટલે તું ખોટી દોડાદોડ ન કર. એના કરતાં તારા મોટાભાઇ સાથે હાથ મિલાવી લે અથવા તને ગમે તે બીજો કોઇ વ્યવસાય કર... પિતાની આ વાત મને ગળે ઊતરી એટલે મેં પછી ફિલ્મોમાં રોલ શોધવાના બંધ કર્યા અને સંગીત પાછળ ધ્યાન આપવા માંડ્યું...’
તો યહ બાત હૈ. કલ્યાણજી વીરજી શાહ તરીકે થોડીક ફિલ્મો રજૂ થયા પછી કલ્યાણજી આનંદજી નામ પ્રગટ થયું. હુશ્નલાલ ભગતરામ પછી આ બીજી બંધુબેલડી આવી. પાછળથી તો જો કે બાબલા અને વીજુ કલ્યાણજી તેમજ દીપક આનંદજી પણ સંગીત ક્ષેત્રે આવ્યા.
આ બંને કચ્છીમાડુ સંગીતકારોના સર્જનની વાત કરવા પહેલાં ઔર એક મુદ્દો સમજી લેવા જેવો છે. શંકર જયકિસનની સર્જનકલાનો સઘન અભ્યાસ કલ્યાણજીભાઇએ મૂગે મોઢે કરી લીધેલો. એટલેજ પાછળથી કલ્યાણજી આનંદજીએ ભૈરવી અને શિવરંજની રાગિણીઓમાં જે ગીતો આપ્યાં એમાં ઘણાને શંકર જયકિસનની શૈલીનો અહેસાસ થયો હતો. ખુદ જયકિસને એક અનૌપચારિક મુલાકાતમાં કહેલું કે કલ્યાણજી આનંદજીએ મૂકેશના કંઠે અમારા કરતાં પણ સરસ ગીતો આપ્યાં છે.
કોઇ પણ સંગીતકાર સાથે સ્પર્ધાની કે ઇર્ષાની ભાવના રાખ્યા વિના આ બંને ભાઇઓએ માતબર કામ કર્યું. શંકર જયકિસને આશરે 180 ફિલ્મો કરી તો આ બંનેએ લગભગ અઢીસો ફિલ્મોમાં સંગીત પીરસ્યું. એમાં ડઝનબંધ ફિલ્મોએ સુવર્ણ જયંતી (પચાસ સપ્તાહ) ઊજવી અને આશરે પચીસ-ત્રીસ ફિલ્મોએ રજત જયંતી (પચીસ સપ્તાહ) ઊજવી.
કેટલાય ફિલ્મ સર્જકોએ પોતાની પહેલી હિટ ફિલ્મ કલ્યાણજી આનંદજીના સંગીતથી આપી, કેટલાય ગાયકોએ પોતાની કારકિર્દી આ બંને ભાઇઓથી શરૂ કરી. એક જ નાનકડો દાખલો લઇએ તો છેક કોલકાતામાં એક છોકરીને ગાતાં સાંભળીને આ બંનેએ એને મુંબઇ આવવાની સલાહ આપી અને મુંબઇમાં પોતાની ફિલ્મમાં ગાવાની તક સુદ્ધાં આપી. એ યુવતીને આપણે અલકા યાજ્ઞિક તરીકે ઓળખીએ છીએ. આવાં બીજાં ઘણાં નામ આપી શકાય.
ફિલ્મોમાં સંગીત આપવા ઉપરાંત આ બંનેએ માતબર સામાજિક કાર્યો કર્યાં. નરગિસ અને સુનીલ દત્ત સાથે સરહદો સાચવતા જવાનો માટે અઢળક કાર્યક્રમો કર્યા તો પૂર, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ કે હોસ્પિટલ યા સ્કૂલ કોલેજ બનાવવા માટે પાંચ હજાર જેટલા ચેરિટી શો કર્યા. ઠીક ઠીક સોંઘવારી કહી શકાય એવા એ દિવસોમાં આ બંને રૂપિયા પચીસ કરોડ ભેગા કરી આપ્યા હતા. આ સખાવતી સ્વભાવ કઇ રીતે તેમનામાં કેળવાયો એની વાત આવતા શુક્રવારે કરીને પછી સંગીતનો આસ્વાદ શરૂ કરીશું.
તમારા દરેક સીનેમેજીક લેખની અમે આતુરતા થી રાહ જોતા હોઈએ છીએ. ખુબ મજા પડે છે અને ઉત્તમ માહિતી મળે છે. આપ આ કાર્ય આવુંજ કરતા રહો તે માટે પરમકૃપાળુ પરમેશ્વર આપને દીર્ઘાયુ અને સુંદર સ્વાસ્થ્ય આપે એવી પ્રાર્થના સહ આપને ખુબ ખુબ અભિનંદન 🙏🙏
ReplyDeleteખૂબ જ સરસ..
ReplyDelete