કદાચ 2008-09ની વાત છે. પ્રખર મંત્રવિદ્ એક જૈન મહારાજ સાહેબે અસહ્ય તાપ અને બફારા સામે રક્ષણ રૂપે એક બીજ મંત્રની ભલામણ કરી હતી. વધુ પડતી ગરમી સામે ઓમ્ વં (વમ્) મંત્રથી રાહત મળે છે અને થોડીવાર આ મંત્રનો જપ કરવાથી ટાઢક અનુભવાય છે એમ આ મહારાજ સાહેબે કહેલું. શિયાળામાં અગ્નિનો બીજમંત્ર ઓમ્ રં (રમ્) જપવો. એ ટાઢ સામે રાહત આપે છે અને વાયુનો બીજ મંત્ર ઓમ્ વં (વમ્) ગરમી સામે રાહત આપે છે.
અત્યારે કોરોનાની બીજી લહેરના લાખો કેસ છે અને હજુ એ બધાની સારવાર ચાલુ છે ત્યારે અભ્યાસીઓએ કોરોનાની ત્રીજી લહેરની દહેશત વ્યક્ત કરીને ભયનું વાતાવરણ સર્જ્યું છે ત્યારે એક જુદો વિચાર આવ્યો છે. આધુનિક એલોપથી સાડા ત્રણસો ચારસો વર્ષ જૂની છે. એલોપથી પ્રત્યેના પૂરેપૂરા આદર સહિત એક પ્રશ્ન પૂછવો છે. એલોપથી નહોતી ત્યારે લોકો શી રીતે સાજાસારા રહેતા હતા ? આરંભે જે જૈન મહારાજ સાહેબની વાત કરી એમણે સરસ જવાબ આપેલો.
મહારાજ સાહેબે કહ્યું, ‘મંત્રોપચાર, યજ્ઞ-હવન અને મુદ્રા વિજ્ઞાનથી લોકો વિના ઔષધે સાજા-સારા રહેતા હતા. અત્યારે પણ મંત્રોચ્ચાર અને મુદ્રા વિજ્ઞાનનો પ્રયોગ થોડી સબૂરી તથા શ્રદ્ધાપૂર્વક કરી શકાય છે....’ આપણે કહીએ છીએ કે ફલાણાનો દેહ પંચ મહાભૂતમાં મળી ગયો. પ્રાચીન મુદ્રા વિજ્ઞાન પણ આ વાત કરે છે. દરેક વ્યક્તિના શરીરમાં પંચ મહાભૂત સમાવિષ્ટ છે. હાથ પગના અંગુઠામાં અગ્નિ, તર્જનીમાં વાયુ, મધ્યમામાં આકાશ, અનામિકામાં પૃથ્વી અને કનિષ્ઠામાં જળ. પ્રાચીન ઋષિ-મુનિઓ અને જૈન તીર્થંકરોના આસનને આધારે કેટલીક મુદ્રા નક્કી કરાઇ છે. તો બીજી કેટલીક મુદ્રા પતંજલિ યોગસૂત્રના આધારે નક્કી થઇ છે.
અંતરિયાળ ગ્રામ વિસ્તારોમાં આજે પણ સાબર મંત્રોની બોલબાલા છે. આ સાબર મંત્રો સાવ સહેલાઇથી સિદ્ધ થઇ શકે છે. માત્ર એકવાર નાહી ધોઇને એક અગરબત્તી પ્રગટાવીને સંબંધિત મંત્રની માત્ર એક માળા વિશ્વાસપૂર્વક કરવાથી સાબર મંત્ર સિદ્ધ થાય છે. ગુજરાત ના ઘણા વિસ્તારોમાં ખેડૂતો સાબર મંત્રો સિદ્ધ કરીને ખેતીવાડી કરતા રહ્યા છે.
મુદ્રા નિષ્ણાતોના મતે મુદ્રામાં યોગ, એક્યુપ્રેસર અને નિસર્ગોપચારનો ત્રિવેણી સંગમ છે. એની સાથે મંત્રોપચાર કરવાથી પણ રોગમાં રાહત મળે છે. વડોદરામાં મીરાં ઇન્ટરનેશનલ હોલિસ્ટીક થેરપિસ્ટ સોસાયટીના મંત્રવિદો મંત્ર દ્વારા રોગ નિવારણના સફળ પ્રયોગો કરતા રહ્યા છે. અહીં વાત મુદ્રા વિજ્ઞાનની કરીએ છીએ. એક અભિપ્રાય મુજબ મૂળ ચોવીસ મુદ્રા છે. એમાંની બે મુદ્રા અત્યારના કોરોના કાળમાં ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે.
એક છે આદિ મુદ્રા. બંને હાથના અંગુઠા વાળીને મૂઠ્ઠી બંધ કરીએ એ થઇ આદિ મુદ્રા. રોજ દિવસમાં ત્રણેક વાર દસથી પંદર મિનિટ આ મુદ્રા કરવાથી શરીરમાં ઓક્સિજનની સમતુલા જળવાઇ રહે છે. બીજી છે વાયુ ઉડાન મુદ્રા. કેટલાક લોકો ઉડાન વાયુ મુદ્રા એવો ઉચ્ચાર કરે છે. વાત એકજ છે. આ મુદ્રામાં ટચલી આંગળી આકાશ તરફ અને બાકીની ત્રણ આંગળી અંગુઠાને સ્પર્શે એ રીતે રાખીને શાંતિથી બેસવાનું છે. આ મુદ્રા પણ શરીરમાં ઓક્સિજનની સમતુલા જાળવવામાં અને મગજ સુધી ઓક્સિજન પહોંચાડવામાં સહાય કરે છે એવું મુદ્રા વિજ્ઞાનના અભ્યાસીઓ કહે છે.
Comments
Post a Comment