ઉત્તમ સંગીતકાર, ઉમદા માનવી, અધ્યાત્મના સાચા જિજ્ઞાસુ, સાહિત્યપ્રેમી, સખાવતી..... !

 

કલ્યાણજી આનંદજીના સંગીતની વાત શરૂ કરવા પહેલાં કલ્યાણજી નામના માણસને પિછાણવો જરૂરી છે. કલ્યાણજીભાઇ ખરા અર્થમાં બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. આલા દરજ્જાના સંગીતકાર તો હતા જ. એ એમનું બાહ્ય વ્યક્તિત્વ હતું. ભીતરથી તો એ અધ્યાત્મ અને ભક્તિરસના જિજ્ઞાસુ હતા. 


ભાવનગરમાં રહેતા અને આવરદાના આઠેક દાયકા વટાવી ચૂકેલા વડીલોને જરૂર યાદ હશે. મસ્તરામ બાપાની જેમ ભાવનગરમાં જીવાબાપા નામે એક સિદ્ધ પુરુષ હતા. કિશોર વયના કલ્યાણજીને જોઇને એમણે ભવિષ્ય ભાખેલું કે આ છોકરો લલિત કલા ક્ષેત્રે અને અધ્યાત્મમાં ઘણો આગળ વધશે અને જબરદસ્ત નામના કમાશે.


મુંબઇમાં આવનારા મોટા ભાગના સાધુસંતો, કવિ-સાહિત્યકારો, સંગીતકારો, અધ્યાત્મવાદીઓ સૌથી પહેલાં કલ્યાણજીભાઇના મ્યુઝિક રૂમ પર પહોંચતા. અધ્યાત્મના એવાં બે ત્રણ મોટા ગજાનાં નામ એટલે આચાર્ય રજનીશ ( જે પાછળથી ભગવાન અને ઓશો તરીકે ઓળખાતા થયા), કાનજી સ્વામી, (મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે જેવું માનવતાસભર ભક્તિગીત આપનારા) ચિત્રભાનુજી વગેરે લગભગ રોજ સાંજે અચૂક કલ્યાણજીભાઇના મ્યુઝિક રૂમ પર હોય. મુંબઇના પોશ વિસ્તાર પેડર રોડ પર જસલોક હોસ્પિટલની સામે વિમલા મહાલમાં પહેલા માળે કલ્યાણજીભાઇનો મ્યુઝિક રૂમ.


તમે મ્યુઝિક રૂમમાં દાખલ થાઓ એટલે પેડર રોડ તરફ ખુલતી બારી નજીક સફેદ ગાદલામાં તેર સ્કેલના હાર્મોનિયમ પર કલ્યાણજીભાઇ બેઠેલા દેખાય. એમની બેઠકની બરાબર સામે ફ્લોરથી ચારેક ફૂટ ઉપર રામદેવજી પીરનો અખંડ દીવો પ્રગટેલો દેખાય. આખાય ઓરડામાં ગાદલા ઢાળેલા જોવા મળે. 


ભલભલા મહાનુભાવો આવે અને આ ગાદીઓ પર ભારતીય શૈલીથી બેસે. આજના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સંઘર્ષના દિવસોમાં રોજ સાંજે અહીં બેઠેલા દેખાતા. અહીં કવિ હરીન્દ્ર દવે પણ હોય અને સુરેશ દલાલ પણ હોય. હાસ્યકવિ શૈલ ચતુર્વેદી પણ હોય અને કાકા હાથરસી પણ હોય. કલ્યાણજીભાઇ ખરા અર્થમાં મહેફિલના માણસ હતા.




રોજ સાંજે મહેફિલ જામે. કલાકો સુધી સંગીતની અને સાહિત્યની રસલ્હાણ થાય. આ લેખકડા જેવા પત્રકારોને સામેથી બોલાવે. સાંજે પાંચેક વાગ્યે સંગીતની બારીકીની ચર્ચા શરૂ થાય તે છેક બીજા દિવસે મળસ્કે સાડા ચાર પાંચ વાગ્યે પૂરી થાય. નીત નવા પ્રયોગો કરવાનું એમને ગમે. 


મુંબઇમાં 1940-50ના દાયકામાં સૂર સિંગાર સંસદ અને સાજન મિલાપ જેવી સંસ્થાઓ ત્રણ ચાર રાત્રિની સંગીત પરિષદો યોજતી- સ્વામી હરિદાસ સંગીત સંમેલન. એમાં કલ્યાણજીભાઇની હાજરી અચૂક હોય. ઉસ્તાદી સંગીત સાંભળે. ધુરંધર કલાકારોની પોતાને રસ પડે એવી ખૂબી આત્મસાત કરી લે, મનગમતા રાગ મનોમન નોંધી લે અને ખપ પડે ત્યારે એની અજમાયેશ કરે.


સૌથી મોટી વાત તો એ કે કલ્યાણજી અજાતશત્રુ હતા. ફિલ્મોદ્યોગમાં એમને બધાની સાથે ફાવે. ત્રણ પેઢીના ફિલ્મ સર્જકો અને ગીતકારો સાથે તેમણે હસતાં હસતાં કામ કર્યું. એ સમયના ત્રણ ધુરંધર કલાકારો દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદ સાથે જેટલી સહજતાથી કામ કર્યું એટલીજ સહજતાથી પછીની પેઢીના ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, મનોજ કુમાર અને ફિરોઝ ખાન માટે કામ કર્યું, તો બોલિવૂડના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન માટે પણ હિટ સંગીત પીરસ્યું. 


જીવન સંધ્યાએ લિટર સ્ટાર નામે બાળકોની સંસ્થા શરૂ કરી અને પ્રતિભાવાન બાળકોને તૈયાર કર્યા. જાવેદ અલી, સાધના સરગમ, સોનાલી બાજપેયી, નિશા ઉપાધ્યાય (હવે કાપડિયા), જ્હોની લીવર... વગેરે કલ્યાણજીભાઇના નેજા તળે તૈયાર થયા. આ વાત થઇ કલ્યાણજીભાઇની. થોડોક પરિચય આનંદજીનો પણ લેવો જરૂરી છે. ત્યારબાદ આ બંનેના સંગીતનો આસ્વાદ લઇશું.


Comments

  1. સરસ . અજિત ભાઈ, કેમ છો ? સુરત થી પિયુષ મહેતા નાં નમસ્કાર. શ્રી ચંદ્ર ભાઈ બારોટ નાં સંદેશ થી આ લેખ મારા સુધી પહોંચ્યો. તેમને પણ ધન્યવાદ.

    ReplyDelete
  2. કલ્યાણજીભાઈ,પ્રવિણભાઈ જોશી, મહેષ-નરેશ,જાદૂગર કે. લાલ,મોહનભાઇ જૂનિયર (હારમોનિયમ -દેશી નાટક સમાજ,ભાંગવાડી)મારા પિતાશ્રી ઇબ્રાહીમ ભાઇ તથા મારા મોટા કાકા સ્વ.અબ્દુલભાઇ ઉમરભાઇ (કલેરીયોનેટ)
    આ બધાની એક ટીમ હતી.
    કલ્યાણજીભાઈ મારા કાકા સ્વ. અબ્દુલભાઇ પાસે કલેરીયોનેટ શીખતા.
    (OLD) નાખીને ની ધૂન વિષે પણ રસપ્રદ માહિતી છે.

    ReplyDelete
  3. I M JUNIOR BABLA FROM NAVSARI. (GUJARAT)
    MY CONTACT & WHATSAPP NUMBER IS :
    7016180212

    ReplyDelete

Post a Comment