પૂર્વજન્મના ઋણાનુબંધે ઉત્તર-દક્ષિણ જેવા પરસ્પર વિરોધી લાગતા બે સ્વરનિયોજકોને એક કર્યા..

 .


નાટ્યકાર-ફિલ્મ નિર્માતા ચંદ્રવદન ભટ્ટની ઓફિસમાં બે અજાણ્યા યુવાનો મળ્યા અને પ્રથમ પરિચયે દોસ્ત બની રહ્યા એ વાત આપણે શરૂઆતના એપિસોડ્સમાં કરી. વિધાતાના રચેલા સંબંધો વિસ્મયજનક હોય છે. ક્યાં દક્ષિણ ભારતનું હૈદરાબાદ અને ક્યાં દક્ષિણ ગુજરાતનું વાંસદા ગામડું ! 

શંકર રઘુવંશી અને જયકિસન પંચાલ બંને કામની શોધમાં મુંબઇમાં આવ્યા હતા. શંકરને પૃથ્વી થિયેટર્સમાં કામ મળી ગયેલું અને જયકિસન કામની શોધમાં હતો. વિધાતાએ બંનેને ભેગા કર્યા અને એક ઇતિહાસ રચાયો. આ બંનેએ ફિલ્મ સંગીતમાં આમૂલ પરિવર્તન કર્યું, કહો કે ક્રાન્તિ કરી. એ પણ એક વિસ્મયજનક ઘટના હતી. કારણ ?

તટસ્થ રીતે વિચારીએ તો બંનેના વ્યક્તિત્ત્વ અલગ હતા. જયકિસન બહિર્મુખી, મિલનસાર અને હસમુખો માણસ હતો. ખાવા-પીવાનો, સારાં કપડાં પહેરવાનો અને મુક્ત જીવન જીવવાનો શોખીન હતો. સવારે બોમ્બેલી અને સાંજે ગેલોર્ડ રેસ્ટોરાંમાં અચૂક જવાની એની આદત હતી. 



મુંબઇના ચર્ચગેટ વિસ્તારમાં આવેલી ગેલોર્ડ રેસ્ટોરાંની સામેની ફૂટપાથ પર સ્કૂલમાં ભણતા અમારા જેવા સંગીતઘેલા ટાબરિયા બપોર પછી ચાર સાડા ચાર વાગ્યાની આસપાસ ગોઠવાઇ જતા. 

પાંચેક વાગ્યે એની કાર આવતી અને એમાંથી હેન્ડસમ જયકિસન ઊતરે એટલે તરત કોલેજિયન યુવક-યુવતીઓ એને ઘેરી લેતાં. કુદરતી રીતે વાંકડિયા વાળનો એક ગુચ્છો એના કપાળ પર ઢળી આવતો. સફેદ પેન્ટ, સફેદ ટી શર્ટ, ગળામાં જાડ્ડી સોનાની ચેન, હાથમાં વીંટી અને મોંઘી રિસ્ટવોચ... 


જયકિસન સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહેતો. એને સારી તક મળી હોત તો એ પણ ટોચનો અભિનેતા બની ગયો હોત. એવું થયું હોત તો આપણે એક ઉત્તમ સંગીતકાર ગુમાવ્યો હોત. લોકોને હળવા મળવાનું એને ગમતું. પાર્ટીઓ માણવામાં એને આનંદ આવતો. પત્રકારો સાથે પણ મોટે ભાગે એ જ વાત કરતો. 

બીજી બાજુ શંકર અંતર્મુખ સ્વભાવનો, ઓછાબોલો અને કેટલેક અંશે રિઝર્વ કહેવાય એવા મિજાજનો માણસ. નિયમિત અખાડામાં જવાનું અને કાયાને ચુસ્ત રાખવાની. રોજ સવાર પડ્યે ફેમસ સ્ટુડિયોમાં આવેલા મ્યુઝિક રૂમ પર પહોંચી જવાનું અને કંઇક નવું કામ શરૂ કરી દેવાનું. 

મિડિયા સાથે  વાતો કરવાની ઝાઝી ફાવટ નહીં. એ જ રીતે કામ કરવાની બંનેની પદ્ધતિ પણ જુદી હતી. લોકો સાથે હળવા મળવાનું ઓછું.


જયકિસનને પડકારો ગમતા. એ નીત નવાં ગીતો વિવિધ લયમાં સ્વરબદ્ધ કરવા થનગનતો. ગીતકાર જે કંઇ પોતાની સામે લાવે એને ડાયરેક્ટરની કલ્પના મુજબ સંગીતથી સજાવી દેવામાં એને આનંદ આવતો. એ રોમાન્ટિક તર્જો આપવા માટે પંકાયેલો હતો. 

શંકરની કામ કરવાની સ્ટાઇલ જુદી હતી. એના સુપર કોમ્પ્યુટર જેવા દિમાગમાં અઢળક તર્જોનો ખજાનો હતો. એને સોંગ બેંક કહી શકાય. પોતે જે તર્જ આપે એ તર્જમાં ફિટ બેસે એ રીતે ગીતકારે એને ગીત આપવાનું એવી શંકરની  અપેક્ષા રહેતી. 



ફિલ્મના પાર્શ્વસંગીતની બાબતમાં પણ બંનેની સિસ્ટમ અલગ હતી. જયકિસન એક વાર દ્રશ્ય જોઇ લીધા આંખના પલકારામાં બેકગ્રાઉન્ડ તૈયાર કરી નાખતો. કોઇ સ્ટોપ વોચ કે ઘડિયાળની મદદ વિના દ્રશ્યમાં અચૂક ફિટ થાય એ રીતે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જયકિસન તૈયાર કરી શકતો. એ કામ કરવાની એની ઝડપ કાબિલ-એ-દાદ હતી. 

જયકિસનની અકાળ વિદાય પછી એ ઝડપે શંકરજી કામ કરી શક્યા નહોતા. કલ આજ ઔર કલનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કરતી વખતે રાજ કપૂર એ મર્યાદા જોઇ શક્યો હતો. 

એક અહેવાલ મુજબ આ ફિલ્મનું પાર્શ્વ સંગીત રાજ કપૂરે પોતાના સ્ટુડિયોની મ્યુઝિક બેંકમાંથી સામગ્રી લઇને પોતે જાતે તૈયાર કર્યું હતું. કલ આજ ઔર કલ રાજ કપૂર અને શંકરનું છેલ્લું સહિયારું સર્જન હતું. એ પછી રાજ કપૂરે સંગીતકાર બદલી નાખ્યા. પછી કદી રાજ કપૂરે શંકરનો સંપર્ક સાધ્યો નહીં. 

આમ બે તદ્દન અલગ સ્વભાવ અને વ્યક્તિત્વ ધરાવતા આ બે જણે રાજ કપૂરની બરસાતથી તે છેક સંન્યાસી સુધી અસંખ્ય યાદગાર ગીતો આપ્યાં. વચ્ચે થોડો સમય પરસ્પર ગેરસમજ થઇ છતાં બંનેએ શંકર જયકિસન નામ ચલણમાં રાખ્યું અને કામ કરતા રહ્યા. સમકાલીન સંગીતકારો સાથે સુમેળ સાધી રાખ્યો. કોઇની સફળતાથી અંજાયા નહીં કે અદેખાઇ અનુભવી નહીં. કોઇ ફિલ્મ સર્જકના કામમાં લેશમાત્ર વેઠ ઊતારી નહીં. એ રીતે આ બંને સદા યાદ રહેશે.


Comments