ભૈરવીથી સૂરીલી કારકિર્દીના શ્રી ગણેશ અને એજ ‘સર્વદા સુખદાયિની’ ભૈરવીથી સમાપન પણ.... !

 



ઇતિહાસમાં ‘જો’ અને ‘તો’ હોતાં નથી એેમ કહેવાય છે. રાજ કપૂરના મૂળ સંગીતકાર રામ ગાંગુલી બરસાત ફિલ્મના સંગીત સર્જનની સાથોસાથ બીજી ફિલ્મના કામમાં વ્યસ્ત ન રહ્યા હોત તો ! કદાચ શંકર જયકિસનનો સૂર્યોદય ન થયો હોત...! એમ તો  નૂરજહાં પાકિસ્તાન ચાલી ન ગઇ હોત તો લતાજીની કારકિર્દીને વેગ ન મળ્યો હોત... 

આવા જો અને તો ઘણા નોંધી શકાય. એટલે જ ચિંતકો કહે છે કે જ્યારે જે થવાનું હોય છે એ થઇને રહે છે. રાજ કપૂર પૃથ્વી થિયેટર સાથે સંકળાયેલા શંકર જયકિસન નામના બે સાજિંદાનું હીર પારખી શકેલો. રામ ગાંગુલીને પડતાં મૂકીના આ બંનેને બરસાતથી પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપી. ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના ઇતિહાસનું આ એક સોનેરી પ્રકરણ હતું.

કપૂર ખાનદાનના ભૈરવી પ્રત્યેના અખૂટ પ્રેમને શંકર જયકિસન જોઇ શક્યા હતા. એેટલે બરસાતનું સંગીત તૈયાર કરવાની તક મળી એટલે ભૈરવીને આત્મસાત કરી લીધી. બરસાતનાં 11 માંથી સાત ગીતો ભૈરવીમાં સર્જ્યાં. સાતે ગીતોમાં સાત અલગ અલગ સંવેદન પ્રગટ થયાં હતાં. જો કે બરસાતનાં તો બધાં ગીતો લોકપ્રિય નીવડ્યાં હતાં. અખબારી ભાષામાં કહીએ તો બરસાતના સંગીતે તહલકો મચાવી દીધો હતો. ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. સંગીત નહીં સમજનારા આમ આદમીને પણ આ ગીતોએ ઘેલું લગાડ્યું હતું.

યોગાનુયોગ કહો કે અકસ્માત ગણો, શંકર જયકિસન પણ ભૈરવીમાં રહેલા આમ આદમીને આકર્ષવાના ગુણને ઓળખી ગયા હતા. કદાચ એટલેજ, જ્યારે જ્યાં તક મળી ત્યારે ભૈરવી દ્વારા લક્ષ્યવેધ કરતા રહ્યા. પાંડવો-કૌરવોમાં માત્ર અર્જુને પક્ષીની આંખ વીંધેલી એમ આ બંને ભૈરવી દ્વારા ફિલ્મ રસિકોને ડોલાવતા રહ્યા. જયકિસને તો પોતાની પુત્રીનું નામ પણ ભૈરવી પાડ્યું.


ફિલ્મ રાજ કપૂરની હોય કે બીજા કોઇની, આ બંને ભૈરવીને પોતાની રીતે અજમાવતા રહ્યા. ભૈરવી એમને કામિયાબી બક્ષતી રહી. ભગવાનદાસ વર્માની ફિલ્મ ઔરત (1952-53)નાં  નવમાંથી સાત ગીતો ભૈરવીમાં હતાં અને એ બધાં હિટ નીવડ્યાં હતાં.  એ જ રીતે બી કે વર્માની રૂષિકેશ મુખર્જી નિર્દેશિત ફિલ્મ આશિકનાં પણ મોટા ભાગનાં ગીતો ભૈરવીમાં હતાં. 

એેમ તો આ બંનેએ સેંકડો ગીતો ભૈરવીમાં આપ્યાં. ભાગ્યની દેવી એમની સાથે સતત હતી. ભૈરવીનું લગભગ દરેક ગીત હિટ નીવડતું હતું. ભૈરવીની મદદથી આ બંનેએ વિવિધ લાગણીઓ-સંવેદનો પ્રગટાવ્યાં. આનંદનાં-ગમગીનીનાં, મિલન-વિરહનાં, જન્મદિવસની શુભેચ્છાનાં અને રંગ બદલતી દુનિયા સામે પરમાત્માને ફરિયાદ કરવાના (દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં સમાયી...) આમ અનેકવિધ ભાવ ભૈરવીમાં પ્રગટાવતા રહ્યા.


યોગાનુયોગ કેવો ! 1971ના સપ્ટેંબરમાં જયકિસનની અકાળ વિદાય પછી પણ શંકરે ભૈરવીનો પ્રેમ તજ્યો નહીં. એ તો પોતાને ફાળે આવેલી ફિલ્મોનાં સંગીતમાં પણ જ્યારે જ્યાં તક મળી ત્યાં ભૈરવી અજમાવતા રહ્યા. સંજોગો પારખીને સામા પૂરે તરી રહેલા શંકરે કારકિર્દીના સૂર્યાસ્ત સમયે મળેલી છેલ્લી થોડીક કહી શકાય એવી ફિલ્મોમાં પણ ભૈરવી પ્રત્યેનો પ્રેમ અકબંધ રાખ્યો. એનો સૌથી જાણીતો દાખલો ફિલ્મ સંન્યાસી હતી. સોહનલાલ કંવરની બોક્સ ઓફિસ પર ઠીક ઠીક સફળ કહી શકાય એવી ફિલ્મ સંન્યાસીમાં પણ મોટા ભાગનાં ગીતો ભૈરવીમાં આપ્યાં.  

શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં ભૈરવીથી કાર્યક્રમનું સમાપન થતું હોય છે. શંકર જયકિસને પણ જાણ્યે અજાણ્યે પોતાની સતત સફળ રહેલી કારકિર્દીનો ઉદય અને અસ્ત પણ ભૈરવીથી કર્યો એમ કહીએ તો ચાલે. 1948-49થી 1987 આશરે ત્રણ દાયકાની આ કારકિર્દી સતત ઝળહળતી રહી. 

ટ્રેજેડી એ હતી કે જયકિસનની વિદાય ટાણે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ હાજર હતો, શંકર ગયા ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો હાજર હતા. રાજ કપૂર જેવાને પણ શંકરના અવસાનની જાણ ચોવીસ કલાક પછી થઇ એવા અહેવાલો હતા. કોઇએ સાચું કહ્યુ છે, સફળતાના સૌ સગાં, નિષ્ફળતા સદૈવ એકલી ! (શંકર જયકિસન લેખમાળા સમાપ્ત.)


Comments

Post a Comment