સુવર્ણયુગના લગભગ બધા સંગીતકારોમાં ભૈરવી આટલી બધી લાડકી કેમ હતી ?

 


સંગીત પ્રેમીઓ અને રસિકો 1946-47થી 1970 વચ્ચેના ફિલ્મ સંગીતને સુવર્ણયુગ ગણે છે. અર્થસભર ગીતો અને સદા સાંભળવા ગમે એવી મધુરતાથી ભરેલાં એ ગીતો આબાલવૃદ્ધ સૌને રીઝવતાં રહ્યાં છે. એ સમયના સંગીતકારોએ મહેફિલના ગણાતા રાગો ઉપરાંત ભૈરવી રાગિણીમાં કેટલીક સદાબહાર રચનાઓ આપી છે. 

શંકર જયકિસન અને નૌશાદ તો એમની ભૈરવી માટે ખૂબ વખણાયા પણ છે. જો કે ભૈરવી મોટા ભાગના સંગીતકારોની લાડકી બની રહી. લગભગ બધા સંગીતકારોને એ કેમ વહાલી હતી એ વિશે ભારતીય ભાષાઓમાં અગાઉ કશું લખાયાનું ધ્યાનમાં આવ્યું નથી.  આ મુદ્દો થોડોક ટેક્નિકલ થઇ જવાનો ભય છે છતાં એ સમજવો જરૂરી બની રહે છે.

પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ સેંકડો રાગરાગિણીઓનું વર્ગીકરણ થાટ પદ્ધતિના આધારે કરેલું.  આ થાટ પદ્ધતિ ખૂબ ઉપયોગી હોવા છતાં એની કેટલીક મર્યાદાઓ હતી. આપણે દક્ષિણ ભારતના કેટલાક રાગો પણ અપનાવ્યા છે. દક્ષિણ ભારતના જે રાગો આપણે અપનાવ્યા એ આ થાટ પદ્ધતિમાં કોઇ રીતે ફિટ બેસતા નથી. 



માત્ર બે દાખલા આપું. શંકર જયકિસને રાગ કીરવાણીમાં ફિલ્મ દિલ એક મંદિરમાં યાદ ન જાયે બીતે દિનોં કી અને લવ મેરેજમાં ચાહે ઝૂમ ઝૂમ રાત યે... જેવાં યાદગાર ગીતો આપ્યાં.  કીરવાણી રાગમાં ગ અને ધ (ગંધાર અને ધૈવત ) કોમળ સ્વરો આવે છે. બાકીના સ્વરો શુદ્ધ. આપણી થાટ પદ્ધતિમાં આ રાગ ક્યાંય ફિટ બેસે નહીં. 

એજ રીતે શંકર જયકિસનનાં સૌથી યાદગાર ગીતોમાં ફિલ્મ આરઝૂનું બેદર્દી બાલમા ગીત આવે છે. આ ગીત રાગ ચારુકેશીમાં છે. એ પણ કર્ણાટક સંગીતનો રાગ છે અને એેમાં ધૈવત અને નિષાદ ( ધ અને ની) કોમળ છે. બીજા બધા સ્વરો શુદ્ધ. એ પણ આપણી થાટ પદ્ધતિમાં ક્યાંય ફિટ બેસે નહીં. 

પંડિત ભાતખંડેજીની થાટ પદ્ધતિમાં આવતા રાગરાગિણીના ચોક્કસ નિયમો છે, બાંધેલું વ્યાકરણ છે. જેમ કે ભૈરવ થાટમાં રિષભ અને ધૈવત કોમળ આવે, કાફી થાટમાં ગંધાર અને નિષાદ કોમળ આવે. ફિલ્મ સંગીત તો કોમન મેન માટે છે, આમ આદમી માટે છે. એટલે સંગીતકારો જરૂર પડ્યે છૂટ લઇને ગીતની તર્જ બાંધતા રહ્યા.



આ બધી દ્રષ્ટિએ વિચાર કરીએ ત્યારે ભૈરવી નજર સામે આવે. ભૈરવી એક એવી રાગિણી છે જેમાં સપ્તકના બારેબાર સ્વરો યથેચ્છ વાપરી શકાય. અહીં યથેચ્છ શબ્દ મહત્ત્વનો છે. કુશળ સંગીતકાર તીવ્ર મધ્યમનો પણ ખૂબીપૂર્વક ઉપયોગ કરતા રહ્યા છે. 

ભૈરવી એક માત્ર એવી રાગિણી છે જેમાં નોર્થ ઇન્ડિયન અને કર્ણાટક સંગીત બંનેના રાગોનો સહેલાઇથી સમાવેશ થઇ શકે છે. ભૈરવી રાગિણી બંને રાગ પદ્ધતિના અર્ક જેવી છે. વિદ્વાનોએ કદાચ એ અર્થમાં જ એને ભૈરવી સર્વદા સુખદાયિની કહી હશે. ફિલ્મ સંગીતકારોને એટલેજ ભૈરવી વહાલી હશે.

ભૈરવી અષ્ટપ્રહરમાં એટલે કે ચોવીસ કલાકમાં ગમે ત્યારે સાંભળો તો તમને આનંદ જ આપશે. આપણે અગાઉ વાત કરેલી કે ભૈરવીમાં વિવિધ સંવેદનો અને ભાવપ્રાગટ્ય પણ સહેલાઇથી થાય છે. બરસાત મેં હમ સે મિલે તુમ... ગીતમાં આનંદનો ભાવ છે તો છોડ ગયે બાલમમાં વિરહનો ભાવ છે. 

આમ ભૈરવી બધી રીતે ફ્લેક્સિબલ (સ્થિતિસ્થાપક) રાગિણી છે.  એને સંગીતના વ્યાકરણના બહુ બધા નિયમો બાંધી લેતા નથી. એ હિમાલય પરથી ધસમસતી આવતી ગંગા જેવી અને મેદાની પ્રદેશોમાં રેવાળ ચાલે વહેતી ગંગા જેવી છે. 

શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં તો કાર્યક્રમની પરાકાષ્ઠા રૂપે અંતે  ભૈરવી છેડે છે. એટલે સંગીત રસિક ઘેર જવા નીકળે ત્યારે મનમાં ભૈરવીના સૂરો રમતાં હોય. સુવર્ણયુગના મોટાભાગના સંગીતકારોએ ભૈરવીને ખૂબ લાડ કર્યા અને આપણને સદાબહાર ગીતો આપ્યાં.

Comments

  1. Enjoyed reading this.There is a song from old film Daag sung by Talat Mehmud " Aye mere dil kahin aur chal..." This is in raga Bhairavi?
    This song was the first song to use counter melody.True?

    ReplyDelete

Post a Comment