દરેક વ્યક્તિની જેમ સંગીતકાર ઓપીમાં રહેલા નટખટ બાળકે ફિલ્મ હમ સબ ચોર હૈના એક ગીતમાં શંકર જયકિસન પર કટાક્ષ કર્યો એેવી અફવા કોઇ સાજિંદાએ ફેલાવી. કદાચ આ ગીતના રેકોર્ડિંગ વખતે ઓપી મજાકમાં કંઇક બોલ્યા પણ હોઇ શકે.
તમને યાદ હોય તો મોટા ભાગના સાજિંદા એક કરતાં વધુ સંગીતકારો માટે સાજ વગાડતા. સાચું પૂછો તો હમ કો હંસતે દેખ જમાના જલતા હૈ..માં શંકર જયકિસન તો ઠીક, બીજા કોઇ સંગીતકારની મજાક નથી. વાસ્તવમાં એવો એકરાર છે કે હમ સબ ચોર હૈં...
પરંતુ બની શકે કે કોઇ સાજિંદાએ શંકર જયકિસનના રેકોર્ડિંગમાં આ વાતને તોડી મરોડીને રજૂ કરી હશે. આખરે તો શંકર જયકિસન પણ માણસ હતા. એમને આ નટખટ અટકચાળાનો જવાબ આપવાની ખંજવાળ આવી હશે. વાસ્તવમાં આ આખી ય વાત હળવી છે. કોઇએ કોઇને ખતમ કરવાનો સવાલ જ નહોતો. ખતમ કરવાનો વિચાર ગોસિપ કોલમિસ્ટોના ભેજાની ઉપજ છે.
એના પુરાવા રૂપે તમને એક ઓછી જાણીતી વાત કહું. ઓપી નય્યરના સંગીતથી સજેલી ફિલ્મ ફિર વો હી દિલ લાયા હું... નું સંગીત સાંભળ્યા પછી શંકરે ઓપીને સામેથી ફોન કરીને બિરદાવેલા કે તમારું આ ફિલ્મનું સંગીત ખરેખર સરસ છે, અભિનંદન !
પરંતુ ગમ્મત આગળ વધારીએ. દેવ આનંદ અને માલા સિંહાને ચમકાવતી ફિલ્મ લવ મેરેજમાં શૈલેન્દ્રે એક ગીત રચ્યું-‘ટીન કનશ્તર (મૂળ અંગ્રેજી શબ્દ કેનિસ્ટર એટલે મોટા અવાજવાળું ડ્રમ) પીટ પીટ કર, ગલા ફાડ કર ચિલ્લાના, યાર મેરે મત બૂરા માન યહ ગાના હૈ ન બજાના હૈ...’
અહીં ઔર એક વાત વિચારવા જેવી છે. સરળ હૃદયના અને સાત્ત્વિક વિચારો ધરાવતા શૈલેન્દ્ર અન્ય કોઇ સંગીતકાર માટે કટાક્ષમાં ગીત રચે એ શક્ય નથી.
ઓ પી નય્યરે સદૈવ અમને પોતાના સંતાનો જેટલો પ્રેમ કર્યો. સતત વહાલ કર્યું.
---------------------------------------------------------------------------------------------------------------
ઔર એક વાત. હમ સબ ચોર હૈ... ફિલ્મ આવી 1956માં. લવ મેરેજ આવી 1959માં. ઓપીએ 1956માં અટકચાળું કર્યું હોય તો છેક ત્રણ વર્ષ પછી 1959માં શંકર જયકિસન એનો જવાબ આપે એ પણ ગળે ઊતરે એવી વાત નથી. અલબત્ત, શૈલેન્દ્રની રચનામાં જનોઇવઢ ઘા છે. એકાદ અંતરો જોતાં એ વાત સ્પષ્ટ થશે.
એક અંતરામાં શૈલેન્દ્રે લખ્યું છે ‘ઉધર સે લે કર, ઇધર જમા કર, કબ તક કામ ચલાઓગે, કિસ કા રહા જમાના, એક દિન મહફિલ સે ઊઠ જાઓગે, નકલ કા ધંધા ચલ નહીં સકતા, એક દિન તો પછતાના હૈ, યાર મેરે મત બૂરા માન, યહ ગાના હૈ ન બજાના હૈ...’
1950ના દાયકામાં સંગીતકારો વચ્ચે કેવી આત્મીયતા હતી એની એક ઝલક આ તસવીરમાં જોઇ શકાય છે. નીચે ભોંય પર ઊઘાડા પગે બેઠેલા જયકિસન, સી રામચંદ્ર અને મલકતા મોઢે મદન મોહન. પાછલી હરોળમાં રોશન, અનિલ વિશ્વાસ, હેમંત કુમાર, મુહમ્મદ શફી અને નૌશાદ સાહેબ. નૌશાદ કહે છે કે કોઇની પ્રતિભાને તમે ખતમ કરી શકો નહીં.
---------------------------------------------------------------------------------------------------------
સંગીતકારોની એક સંસ્થા હતી- સિને મ્યુઝિક ડાયરેક્ટર્સ એસોસિયેશન. સાજિંદાઓની બીજી સંસ્થા હતી- સિને મ્યુઝિશિયન્સ એસોસિયેશન. નૌશાદ મ્યુઝિક ડાયરેક્ટર્સ સંઘના પ્રમુખ હતા ત્યારની આ વાત છે. નૌશાદ સાહેબને આ વિવાદ વિશે પૂછ્યું ત્યારે ખડખડાટ હસી પડ્યા. એ કહે, ‘દોનોં મૌશિકાર અપની અપની જગહ આલા દરજ્જે કે થે. કોઇ કિસી કી ટેલેન્ટ કો ખતમ નહીં કર સકતા. એસોસિયેશન કી બૈઠક મેં સભી મૌશિકાર ઐસી બાતોં પર હંસતે થે... ઐસી વૈસી ગોસિપ સે મૌશિકારોં કી દોસ્તી મેં દરાર નહીં પડતી થી, ઇતના આપ જરૂર લિખિયેગા....’
આજે ન તો નૌશાદ હાજર છે,. ન તો ઓપી કે શંકર જયકિસન આપણી વચ્ચે છે. ગોસિપ કટાર લેખકોના મર્કટવેડાને ખુલ્લા પાડવા આ બે ગીતોની વાત અહીં કરી. મૈહર ઘરાનાના અજોડ સૂરબહારવાદક અન્નપૂર્ણા દેવીને અહીં યાદ કરીએ. એ કહેતા કે જેની રગેરગમાં સંગીત દોડતું હોય એે ક્યારેય કોઇને ખતમ કરવાના વિચાર સુદ્ધાં ન કરે. સંગીત ઇશ્વરે આપેલું દિવ્ય વરદાન છે ! અન્નપૂર્ણા દેવીના આ વિધાનને સાર્થક કરતું એક દ્રશ્ય તમને યાદ કરાવી દઉં.
વિજય ભટ્ટની ફિલ્મ બૈજુ બાવરામાં તાનસેન (અભિનેતા સુરેન્દ્ર) રાગ દરબારીનો આલાપ કરે છે ત્યારે તલવાર લઇને બૈજુ આવી ચડે છે. તાનસેન એને કહે છે, તું મને મારીને મારા સંગીતને નહીં મારી શકે. મને મારવો હોય તો સંગીતથી મારી શકાશે...(શબ્દોમાં સહેજ આઘાપાછી હોઇ શકે છે.)
हम इंतज़ार कर रहे हैं कि कब इनका हिंदी मे अनुवाद हो...
ReplyDelete