જયકિસનની વિદાય પછી યુવાન સંગીતકારોની બોલબાલા વચ્ચે સામા પૂરે તરી રહેલા સંગીતકાર શંકરના પુરુષાર્થના છેલ્લા મણકામાં આજે શંકરે કરેલા એકાદ બે પ્રયોગોની વાત કરી લઇએ. એમણે રચેલાં ગીતોનાં કેટલાંક મુખડાં લેવા પહેલાં બે’ક પ્રયોગની વાત જરૂરી જણાય છે.
શંકરની છેલ્લી છેલ્લી ફિલ્મોમાં એક ફિલ્મ હતી કાંચ કી દીવાર. 1985-86ની આસપાસ આ ફિલ્મ રજૂ થઇ હતી. 1987માં શંકરનું નિધન થયું. કાંચ કી દીવાર ફિલ્મમાં સંજીવ કુમાર અને સ્મિતા પાટિલ મુખ્ય કલાકારો હતાં.
આ ફિલ્મના એક ખાસ ગીતની વાત અહીં કરવી છે. આ ફિલ્મમાં શંકરે એક વિશિષ્ટ પ્રયોગ કરેલો. ‘એરી ઓ સખી, બતા તો સહી, તેરા મહેબૂબ કૈસા હૈ...’ તમને યાદ હોય તો આવા જ ભાવાર્થનું એક ગીત ફિલ્મ મેરે મહેબૂબમાં હતું. એમાં વાતને જૂદી રીતે રજૂ કરાઇ હતી. એનું મુખડું હતું, ‘મેરે મહેબૂબ મેં ક્યા નહીં ક્યા નહીં....’ અહીં સરખે સરખી વયની યુવતીઓ પિકનિક પર ગઇ હોય અને એક બગીચામાં મોજમસ્તી કરતાં ગાતી હોય એવું ગીત હતું.
હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં કદાચ (યસ, કદાચ. બીજો આવો પ્રયોગ હોય તો આ લખનારના ધ્યાનમાં નથી.) શંકરે અહીં એક લાજવાબ પ્રયોગ કર્યો છે. આ ગીતમાં એક બે નહીં, પાંચ પાંચ ગાયિકાનો કંઠ વાપર્યો છે. અનુરાધા પૌડવાલ, અલકા યાજ્ઞિક, ચંદ્રાણી મુખરજી, દિલરાજ કૌર અને શારદા એમ પાંચ પાંચ ગાયિકાએ આ ગીત ગાયું છે. આ ગીત કાફિલ આઝરે રચ્યું હતું.
આ ઉપરાંત દામન ઔર આગ (1974), નારી (1981), ગરમ ખૂન (1982), ઇંટ કા જવાબ પથ્થર સે વગેરે ફિલ્મોનું સંગીત પણ સારું હતું. ઇન્તકામ કી આગ (1986)માં તો કયામત કિસ કો કહતે હૈં... કવ્વાલી સર્જી હતી જે મુહમ્મદ રફી, આશા ભોંસલે અને મન્નાડેએ ગાઇ હતી. એજ રીતે કિશોર કુમારના ઓછાં જાણીતાં ગીતોમાં દુનિયા ક્યા જાનેનું એક ગીત છે. એ પણ શંકરે સ્વરબદ્ધ કર્યું હોવાનું કહેવાય છે. આ ગીત એટલે ઝૂમ ઝૂમ નાચ રહી, બરખા બહાર હૈ, બૂંદ બૂંદ છેડ રહી, મન કી સિતાર હૈ... (ગીતકાર રાજેન્દ્ર કૃ્ષ્ણ)
જયકિસનની વિદાય પછી કેટલાક ફિલ્મ સર્જકોએ ભલે શંકરને એકસો સાજિંદા વાપરવાની રજા ન આપી. કેટલાક ફિલ્મ સર્જકોનું એવું બજેટ નહીં હોય, કેટલાક ફિલ્મ સર્જકો એવું જોખમ લેવા નહીં માગતા હોય. આમ છતાં શંકરે પોતાના કામમાં જરાય કચાશ રાખી નહીં.
એમની ખૂબી કહો કે ખામી કહો, એ એક જ હતી. એ તૈયાર તર્જ પર ગીતના શબ્દો બેસાડવાનો આગ્રહ રાખતા. બધા ગીતકારોને એ પદ્ધતિ ફાવે નહીં. ગીતકારને એવું પણ લાગે કે આમાં મારી કલ્પના રુંધાઇ જાય છે. છતાં શંકરે પોતાની શૈલીથી ગીતકારોને સમજાવી પટાવીને કામ કરવાનું ચાલુ રાખેલું.
સામાન્ય સંજોગોમાં માણસ હતાશામાં સરકી પડે. ખાસ કરીને જેણે લોકપ્રિયતાનાં શિખરો સર કર્યાં હોય, સુપરહિટ સંગીતકાર તરીકે જેમને દેશવિદેશમાં બિરદાવાયા હોય એવી વ્યક્તિ સામા પૂરે તરતી વખતે ક્યારેક ડિપ્રેશનમાં સરકી પડે, ક્યારેક શરાબને શરણે જઇ પડે... પણ શંકર જરાય અસ્વસ્થ થયા વિના ટકી રહ્યા.
શારદા પ્રત્યેની કૂણી લાગણી જતી કરી હોત તો કદાચ લતાજીનો પણ સાથ-સહકાર મળી ગયો હોત. પરંતુ શંકર પોતાનાં રસરુચિને અનુરૂપ કામ કરતા રહ્યા. યુવાન સંગીતકારોની સફળતાની એમને ક્યારેય અદેખાઇ આવી નહીં. એ પૂરેપૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરતા રહ્યા. એકાંત એમને પજવી શક્યું નહીં. હતાશાની ગર્તામાં એ કદી સરક્યા નહીં.
Comments
Post a Comment