સૌથી વધુ દુઃખી દેશોમાં ભારતનો સમાવેશ, તો સુખની વ્યાખ્યા તમે કયા માપદંડથી કરો છો ?



જૂની રંગભૂમિના એક નાનકડા ગીતથી આજની વાતનો આરંભ કરવો છે. પહેલાં ગીત માણો. પછી મુખ્ય વાત કરીએ. ‘ઘડી બે ઘડી સુખની છાયા, દુઃખ સનાતન છે, પળે પળે પલટાતું આજે માનવ જીવન છે... સુખી નથી કોઇ સંસારી એવી છે આ દુનિયાદારી, સુખ કહો કે દુઃખ કહો એ બંને બંધન છે, દુઃખ સનાતન છે... સુખ દુઃખને સરખાં માની, દશા હોય એ ભોગવવવાની, એ ઇશ્વરની લીલા એને લાખ્ખો વંદન છે...’ યુનોના વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં 149 દેશોને સમાવી લેવાયા, એમાં ભારતને 139મો ક્રમ મળ્યો એટલે કે ભારત સૌથી વધુ દુઃખી દેશોમાં મોખરે છે. ઓક્કે ફાઇન.

વસતિ ઓછી હોય ત્યારે નાનાંમોટાં બધાં રોજિંદાં કાર્યો મશીનથી થતાં હોય એવી ભૌતિક સંપત્તિથી લથબથ દેશોની દ્રષ્ટિએ ભારત દુઃખી હોઇ શકે છે. અમેરિકા યૂરોપના દેશોની સુખની વ્યાખ્યા ભારત જેવા વિકાસશીલ દેશો કરતાં જુદી હોય એ સમજી શકાય એવી વાત છે. 

વૈશાખ મહિનાના ધોમધખતા તડકામાં એક માણસ ત્રણ ચાર કિલોમીટર દૂરથી ચાલીને આવે ત્યારે એણે પહેરેલાં કપડાં પરસેવાને કારણે શરીર સાથે ચોંટી ગયાં હોય, એના ગળામાં શોષ પડતો હોય. એ થોડોક હાંફી રહ્યો હોય. તમે એને માટલાનું એક ગ્લાસ શીતળ જળ આપો ત્યારે એને જે હા...શ થાય એ ક્ષણને શબ્દોમાં વર્ણવી શકાય નહીં. એ ક્ષણ સૌથી સુખી ક્ષણ હોય છે. 



પરંતુ તમે એને એમ કહો કે આ માટલાનું બધું પાણી તારે પી જવાનું છે તો એ દુઃખી થઇ જશે. આંખના પલકારામાં એની સુખની લાગણી અલોપ થઇ જશે. વિશ્વ વિજેતા સિકંદરને લગતી એક લોકવાયકા છે. ઘણું કરીને ડાયોજિનસ સાથે બનેલી. ભૂલચૂક લેવી દેવી. સિકંદરે ડાયોજિનસને કંઇક માગવાનું કહ્યું ત્યારે ડાયોજિનસે એને કહ્યું કે તું થોડો આઘો જા. મારા પર આવી રહેલા સૂર્યપ્રકાશને અને પવનને તું અટકાવી રહ્યો છે. 

સિકંદર અવાક્ થઇ ગયો. ડાયોજિનસની સુખની વ્યાખ્યા જુદી હતી. વિશ્વ વિજેતા થઇનેય સિકંદર સુખી થયો નહોતો. એણે પોતાની નનામિમાં બંને હાથ બહાર રાખવાની સૂચના આપેલી. કેમ, તો કહે, દુનિયા જુએ કે વિશ્વ વિજેતા થયા પછી પણ હું ખાલી હાથે જઇ રહ્યો છું. વિશ્વ વિજેતા થયા પછી પણ એને સુખ સાંપડ્યું નહોતું.

ઓશો બીજી રીતે આ વાત કરતા. એ કહેતા કે કોઇની પણ પાસે અપેક્ષા નહીં રાખો. અપેક્ષા રાખો અને ન સંતોષાય તો તમે અપસેટ થઇ જશો. તમને દુઃખની લાગણી જાગશે. એના કરતાં નિરપેક્ષ થઇ જાઓ. સર્વ દુઃખોનું મૂળ અપેક્ષા છે. શ્રીમદ્ રાજચંદ્ર તો એથી પણ આગળ વધીને કહેતાં કે જે થાય તે થવા દેવું. પરમાત્મા પાસે ન કોઇ ફરિયાદ કરવી કે ન તો ઘાંઘા થઇ જવું. સદા સુખી રહેવાનો આ હાથવગો ઉપાય છે. 

ભારતને દુઃખી દેશ ગણાવનારા યૂરોપ અમેરિકાના દેશોમાં પણ હજારો લોકો પોતાને દુઃખી માનતા હશે. વાસ્તવમાં સુખ અને દુઃખ બંને સાપેક્ષ છે. આ બંને લાગણીની વચ્ચે સેતુરૂપ વધુ એક લાગણી છે જેને સંતોષ કહેવામાં આવે છે. વડીલો કહે છે કે સંતોષી નર સદા સુખી. માત્ર બે ચોપડી ભણેલી એક માતા કહેતી, તને જ્યારે કોઇ વાતનું ઓછું આવે ત્યારે તારા કરતા ઓછો પગાર હોય એવા કર્મચારીને જોજે. તારું દુઃખ તું ભૂલી જઇશ. આ માતાએ પોતાના સંતાનોને જીવન જીવવાની જડીબુટ્ટી આપી દીધી એમ કહીએ ચાલે. કોઇ વાતે અસંતોષ થાય ત્યારે આ સલાહ યાદ રાખવા જેવી છે. 


Comments