હી મેન ગણાતા જાટ હીરો ધર્મેન્દ્ર અને સાયરા બાનુને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી કાલિદાસની મસાલા મનોરંજક ફિલ્મમાં ખરું પૂછો તો મેલોડીને ઓછો અવકાશ હતો. વાર્તાની ગૂંથણી એવી હતી કે સંગીતકારને ઝાઝો સ્કોપ ન મળે. અભિનેતા ફિલ્મ સર્જક ફિરોઝ ખાનની અપરાધ ફિલ્મની જેમ આ ફિલ્મમાં ધર્મેન્દ્રે કાર રેસરનો રોલ કરેલો. અથવા એમ કહો કે કાર રેસર હોવાનો ડોળ ઘાલ્યો હતો.
ખરેખર તો એ એક અન્ડર કવર એજન્ટ એટલે કે જાસૂસ હતો. વોંગ (મદનપુરી)ની સોનાની દાણચોરીનું રેકેટ પકડવા મથી રહ્યો હતો. સાયરાબાનુ એક બ્યૂટી ક્વીનના રોલમાં હતી. એક જહાજમાં સોનાની દાણચોરીનો માલ જઇ રહ્યો હતો. આવી કથામાં અર્થસભર ગીતો કે મેલોડીને અવકાશ કેટલો એ વિચારો. આમ છતાં શંકરે સરસ સંગીત પીરસ્યું હતું.
હસરત જયપુરીનાં ગીતો હતાં. શંકર રઘુવંશીએ સ્વરબદ્ધ કર્યાં. અહીં ન તો મુહમ્મદ રફી છે, ન મૂકેશ કે કિશોર કુમાર છે. એક ગીતમાં શંકરે શારદાને લીધી છે એટલે લતાજી પણ નથી. આમ છતાં શંકર સરસ સંગીત પીરસી શક્યા છે એ સ્વીકારવું રહ્યું. પાંચમાંનાં જે ત્રણેક ગીતો નોંધનીય છે એની વાત કરીએ. સુમન કલ્યાણપુર અને મહેન્દ્ર કપૂરના કંઠે એક સરસ રોમાન્ટિક ગીત છે. ધરમ અને સાયરા બાઇક પર લટાર મારતાં મારતાં ગીત છેડે છે. પાશ્ચાત્ય ઢબના દાદરા તાલમાં ગવાતા આ ગીતના શબ્દો છે- ‘વો બડે ખુશનસીબ હોતે હૈં, આપ જિન કે કરીબ હોતે હૈં...’
બીજા ગીતમાં હસરતે નાયિકાના મનની વાત જરા જુદી રીતે કરી છે. ‘ન તખ્ત ચાહિયે, ન તાજ ચાહિયે, તેરા પ્યાર ચાહિયે, હર વક્ત ચાહિયે...’ આ ગીતના અંતરામાં નાયિકા જાણે નાયકને ટોન્ટ મારી રહી છે, ‘દિલ પે હાથ રખ, દિલ મેં દર્દ હૈ, આંખ તો મિલા, કૈસા મર્દ હૈ...’
પછી નાયકને ઉત્તજિત કરવા કહે છે, ‘કાંપને લગી થામ લે મુઝે, દેખ યે હવા કિતની સર્દ હૈ... ’ આ તર્જમાં પણ એક પ્રકારનો ઊછાળો છે. શંકર જયકિસનના માનીતા ખેમટા તાલમાં ગીત સાંભળનારને ડોલાવે છે. આ ગીત આશા ભોંસલેના કંઠમાં છે.
દાણચોરીનું સોનું જેમાં જઇ રહ્યું છે એ જહાજના ડેક પર કોમેડિયન રાજેન્દ્રનાથ ચાર પાંચ રૂપાંગનાઓ વચ્ચે ઘેરાઇને એક કોમેડી ગીત છેડે છે ‘તુઝે હમને ચાહા અપના સમજ કે, મગર તુને મારા તબલા સમજ કે, કોઇ બાત નહીં કોઇ બાત નહીં, હમ તો લેંગે સબકી બલાયેં બલાયેં, હમ તો દેંગે સબકી દુઆએં દુઆએં.....’ આ ગીત અને એનું ફિલ્માંકન બંને મજેદાર છે. શંકરે લીધેલી મહેનત અહીં ઊગી નીકળી છે.
ભલે બોક્સ ઑફિસ પર આ ફિલ્મે ટંકશાળ સર્જી નહોતી. પરંતુ ફિલ્મની પાછળ રોકેલાં નાણાં ફિલ્મ સર્જકને સહેલાઇથી પાછાં મળી ગયાં હતાં. ધર્મેન્દ્ર એ દિવસોમાં મોસ્ટ સેલેબલ કલાકારોમાં એક હતો.
છેલ્લા સવા દોઢ વર્ષથી આપણે શંકર જયકિસનનાં સંગીતનો આસ્વાદ માણી રહ્યા છીએ. હવે શંકરે આપેલાં હિટ ગીતોનાં માત્ર મુખડાં લઇને આગળ વધીશું. આપણામાં કહે છે કે દીવો રામ થવાનો હોય ત્યારે વધુ ઉજાસ પાથરે છે. કારકિર્દી અને જીવન બંને પરાકાષ્ઠા તરફ જઇ રહ્યાં હતાં, શંકર સાવએકલા અટુલા પડી રહ્યા હતા એવા સમયે પણ એમનામાં રહેલો સંગીતકાર પોતાના કામને સમર્પિત હતો. એ હકીકત ગીતોના આ મુખડાં પરથી તમને ખ્યાલ આવશે. નાહિંમત થયા વિના શંકરજી સંજોગો સામે ઝઝૂમતા રહ્યા.
આ એવો સમયગાળો હતો જ્યારે એક તરફ શંકરજી, કલ્યાણજી આનંદજી, આર ડી બર્મન વગેરે ઝઝૂમી રહ્યા હતા ત્યારે બીજી બાજુ નવી પેઢીના યુવાન સંગીતકારો ભાપ્પી લાહિરી, અનુ મલિક, ચિત્રગુપ્તના પુત્રો આનંદ મિલિન્દ, રોશનના પુત્ર રાજેશ રોશન અને નદીમ શ્રવણ સિનિયરોને ટક્કર આપી રહ્યા હતા. સામા પૂરમાં તરવા જેવી સ્થિતિમાં પણ શંકર ટકી ગયા એ હકીકતની નોંધ લેવી રહી.
Comments
Post a Comment