ઘાટ ઘડિયાં પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોય.... વિચારોત્તેજક વાત ...

લગભગ છેલ્લા એક વર્ષથી દુનિયાભરને સતાવતા કોરોનાને હંફાવવા ઠેર ઠેર રસીકરણ શરૂ થયું. ભારતમાં પણ કરોડો લોકો રસી લેતા થયા. ખુદ વડા પ્રધાને જાતે રસી લઇને દાખલો બેસાડ્યો. કદાચ એ પછી જ રસી લેવા ધસારો શરૂ થયો. સારી વાત છે. કોરોનાએ દેશ અને દુનિયામાં અસંખ્ય લોકોનો જીવ લીધો. 

સાથોસાથ એક હકીકત એ પણ દ્રષ્ટિ સમક્ષ આવી કે કેટલાક લોકો શાંતિપૂર્ણ રીતે અને નિર્ભયતાથી જીવતા રહ્યા. તેમને ન તો કોરોના થયો કે ન તો તેમને કોરોનાનો ડર હૈયે વસ્યો. કારણ ? સાદગીભર્યું જીવન, સરળ રહેણીકરણી. અંતરિયાળ વિસ્તારો અને આદિવાસી વિસ્તારો જ્યાં માઇલોના માઇલો સુધી ડોક્ટર, વૈદ, હકીમ કે દવાખાનાં નથી, ત્યાં કોરોના પણ પહોંચ્યો નથી.  

તાજેતરમાં એક સરસ તિબેટિયન લોકોક્તિ વાંચવામાં આવી- ‘ધ સિક્રેટ ટુ લિવિંગ વેલ એન્ડ લોંગર ઇઝ - ઇટ હાફ, વોક ડબલ, લાફ ટ્રિપલ એન્ડ લવ વિધાઊટ મેઝર...’ કમ ખાઓ, જ્યાદા ચલો, બહુત હંસતે રહો ઔર પ્યાર કરતે રહો...આ લોકોક્તિ વાંચી કે તરત જૈન ધર્મની કેટલીક વાતો સાંભરી આવી. 

જૈન ધર્મમાં અત્યંત લાઘવથી બહુ મોટી વાત કરી દેવામાં આવી છે. એક શબ્દ છે- ‘ઊણોદરી.’ ઊણું એટલે ખાલી અને ઉદર એટલે પેટ. ભોજન કરતી વેળા ઠાંસીને ખાવું નહીં. પેટમાં થોડી જગ્યા ખાલી રાખવી. એ થયું ઊણોદરી. જો કે આ શબ્દ ન સમજે એમને માટે કાવ્યમય સંદેશો છે- આંખે ત્રિફળા, દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ... 

સરળ વાત છે. સમજાઇ જાય એવી છે. આપણા સૌની એક તકલીફ છે, આપત્તિ આવે ત્યારે ઘાંઘા થઇ જઇએ છીએ, સામાન્ય સંજોગોમાં બેફિકર થઇને મોજ કરવા માંડીએ છીએ. આયુર્વેદના ઉપાસકો અને નિસર્ગોપચારકો (કુદરતી ઉપચારમાં માનનારા) જુદી રીતે આ વાત કરે છે. એ કહે છે- ‘ભૂખ લાગે ત્યારે ખાવું.’ 

જૂની બાળપોથીમાં એક સરસ બાળવાર્તા આવતી. એક યુવાન અકાળે મૃત્યુ પામ્યો. છ સાત વર્ષનો પુત્ર અને એની માતા નિરાધાર થયાં. છોકરો રાતોરાત થોડો સમજુ થઇ ગયો. માને કહે, હું જંગલમાં જઇને લાકડાં કાપી આવું. એ બજારમાં વેચીને આપણે પેટ પૂરતું મેળવી લેશું. માએ એને એક રોટલો ઘડી આપ્યો અને સૂચક રીતે સલાહ આપી- ‘મીઠો લાગે ત્યારે ખાજે.’ 

છોકરો નાનકડી કુહાડી લઇને ગયો. પહેલાં જમીન પર પડેલાં ડાળી-ડાખળાં ભેગાં કર્યાં. પછી યથાશક્તિ લાકડાં કાપવા માંડ્યો. થોડી થોડીવારે રોટલો ચાખી જુએ. મીઠો થયો કે ? ના, હજુ મીઠો નથી થયો. ખૂબ પરિશ્રમ કર્યો. પરસેવે રેબઝેબ થયો ત્યારે કકડીને ભૂખ લાગી. સીધોસાદો રોટલો મીઠો લાગ્યો. પરિશ્રમનું મૂલ્ય સમજાયું. મીઠો રોટલો એટલે શું એ પણ સમજ્યો. 

કોરોનાનો પ્રસાર થયો ત્યારે ડોક્ટરોએ સલાહ આપેલી કે બહારની વાનગીઓ ખાવાનું ટાળજો. મોટા ભાગની ખાઉ ગલીઓ સૂમસામ થઇ ગયેલી. હવે ફરી ધમધમતી થઇ.  ઠેર ઠેર પ્રસંગોપાત્ ભીડ જામવા લાગી. બરાબર એજ સમયે કોરોનાનો બીજો તબક્કો શરૂ થયો. મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે સ્થળોએ ફરી કોરોનાના કેસ વધતા ચાલ્યા. એ માટે જવાબદાર કોણ ? હૈયે હાથ રાખીને જવાબ આપજો. આપણે સૌ એ માટે જવાબદાર છીએ. હજુ સાવધ રહેવાની તાતી જરૂર છે.

જાપાનમાં એક ‘અજાયબ પ્રાણીઘર’ છે. વિશ્વના સૌથી ખૂંખાર જાનવરો અહીં પિંજરામાં પૂરાયેલાં છે. દરેક પિંજરાની બહાર જે તે જાનવર વિશે સરળ ભાષામાં માહિતી છે. બધાં પાંજરાં પૂરાં થાય ત્યારે એક પિંજરું આવે. એના પર પાટિયું મારેલું છે- ‘મોસ્ટ ડેન્જરસ એનીમલ ઓફ ધ વર્લ્ડ.’ અંદર જાઓ. ત્રણે બાજુ દર્પણ લગાડેલાં છે. એમાં વિશ્વના સૌથી જોખમી પ્રાણીને જોઇને તમે ચોંકી જાઓ છો. સૌથી હિંસક અને સૌથી જોખમી જાનવર માણસ પોતે છે. સમજુને ઇશારો પૂરતો છે...

Comments