ચોરી ચોરી (1973)માં શંકર રઘુવંશીએ મૂકેશના કંઠે દીપી ઊઠે એવાં બે ત્રણ સરસ ગીતો આપ્યાં...

 


રાજ કપૂર અને નરગિસને ચમકાવતી 1956ની ફિલ્મ ચોરી ચોરીનાં ગીતો સાચા અર્થમાં સુપરહિટ નીવડ્યાં હતાં. એ ગીતોએ સંગીત નહીં જાણતા આમ આદમીને ડોલાવ્યા હતા. આ ફિલ્મ રજૂ થયાના લગભગ સવા બે દાયકા પછી કેવલ કશ્યપે 1973માં એક કોમેડી ફિલ્મ આ જ ટાઇટલ ચોરી ચોરી રાખીને બનાવેલી. એમાં અડધો ડઝન તો મહેમાન કલાકાર હતા જેમાં શશી કપૂર, શત્રુઘ્ન સિંહા, જિતેન્દ્ર, સીમી ગરેવાલ, કોમેડિયન જગદીપ, મોહન ચોટી, મારુતિ, પેઇન્ટલ વગેરેનો સમાવેશ હતો.

મુખ્ય કલાકારો હતાં સંજય ખાન, રાધા સલુજા, બિન્દુ અને ગજાનન જાગીરદાર. આજે આ ફિલ્મ કોઇને યાદ નહીં હોય. બોક્સ ઓફિસ પર પણ આ ફિલ્મે કંઇ ઝાઝું ઉકાળ્યું નહોતું. ફિલ્મનાં ગીતો ગુલશન બાવરાનાં હતાં અને સંગીત શંકર રઘુવંશીએ આપેલું. શંકરે ઓછામાં ઓછાં ત્રણ ગીતો સરસ બનાવ્યાં હતાં. ખાસ કરીને મૂકેશના ચાહકો માટે આ ગીતો ખરા અર્થમાં ગમે એવાં બન્યાં હતાં. એ ગીતોની વાત આજે કરીએ.

ભારતીય સંગીતમાં રાગ બિહાગ રોમાન્ટિક રાગ ગણાય છે. અગાઉ આપણને કેટલાંક સરસ ગીતો આ રાગમાં મળ્યાં છે. તેરે સૂર ઔર મેરે ગીત (ફિલ્મ ગૂંજ ઊઠી શહનાઇ), તેરે પ્યાર મેં દિલદાર (ફિલ્મ મેરે મહેબૂબ), ચલેંગે તીર જબ દિલ પર (ફિલ્મ કોહિનૂર) વગેરે.  આ રાગની સાવ આછેરી ઝલક લઇને શંકરે એક સરસ રોમાન્ટિંક ગીત રચ્યું છે. 

મૂકેશ અને સુમન કલ્યાણપુરના કંઠે રજૂ થયેલું ગીત આ રહ્યું- ‘દિલબર આ જા લગા લું તુઝે મૈં ગલે..’ જવાબમાં નાયિકા કહે છે, ‘બહકિયે ના જી વર્ના હમ તો ચલે...’ આ સંવાદ સૂરીલી તર્જ સાથે આગળ વધે છે. એની ઝલક પણ માણવા જેવી છે. અંતરામાં નાયક કહે છે, ‘આજ મૌસમ બહકને કા હૈ જાને જાં, કલ તલક મૈંને કબ કી થી ગુસ્તાખિયાં..’ તરત નાયિકા કહે છે, ‘કલ તલક આપ જૈસે થે વૈસે રહે, વર્ના ક્યા ક્યા બનાયેગા બાતેં જહાં...’ બંનેના પ્રણયરંગી સંવાદને સંગીતકારે ઠીક ઠીકઝડપી કહેરવામાં રજૂ કર્યો છે.   

શંકર જયકિસન માટે લતાજી એવી મીઠ્ઠી ફરિયાદ કરતાં કે તમે બહુ ઊંચા સૂરમાં ગવડાવો છો. અહીં એક ગીત મૂકેશ પાસે શંકરે હાઇ પીચમાં ગવડાવ્યું છે. નાયકના હૈયાનો વલવલાટ એ ગીતમાં રજૂ કર્યો છે. છૂટાં પડેલાં પ્રણયીઓ પાછાં મળે ત્યારે નાયકના મનની પીડા આ ગીતમાં પ્રગટ થઇ છે. મૂકેશના કંઠે આ પીડા વ્યક્ત થઇ છે. ‘વાસ્તા હી ના જબ રહા તુમ સે, ફિર જફાઓં કા ક્યા ગીલા તુમસે, તુમ કિસી ગૈર કી અમાનત હો, કૈસા શિકવા-ગીલા ભલા તુમ સે...’ આ ગીતના ઇન્ટરલ્યૂડમાં કોરસનો સરસ ઉપયોગ કરાયો છે. ધીમી લયના કહેરવામાં ગીત જમાવટ કરે છે.

એક રચના ભોજપુરી બોલી ટાઇપની છે. ઉત્તર ભારતના લોકગીત ટાઇપનું આ ગીત પણ મૂકેશના કંઠમાં છે. ‘તોરે જૈસી છોરી હોતી કોઇ ગાંવ માં હમારે, તો શહર હમ નહીં આતે, મિલ જાતા કહીં ગાંવ માં ઇ રંગ ભરા પ્યાર તો શહર હમ નહીં આતે...’ રમતિયાળ શબ્દોને એવીજ નટખટ તર્જ શંકર આપી શક્યા છે. 

કાશ, આ કોમેડી ફિલ્મ બોક્સ ઑફિસર પર ચાલી હોત ! ન ચાલી, એંગ્રી યંગ મેન યુગે ભલભલી રોમાન્ટિક ફિલ્મોને ધરાશાયી કરી દીધી હતી. અમિતાભ બચ્ચને તો એક્શનની સાથોસાથ પોતે કોમેડી કરીને કોમેડિયનોને હંફાવી દીધેલા. આ ફિલ્મ પીટાઇ ગઇ અને ગીતો પણ વિસરાઇ ગયાં. જો કે મૂકેશના હાર્ડકોર ચાહકો પાસે કદાચ આ ગીતો મળી આવે ખરાં.

Comments