નિહાળો આ ત્રણ દાદુ સંગીતકારોને. પછી વિચારો કે કોઇને ખતમ કરવા જેવું લાગે છે ખરું ?
----------------------------------------------------------------------------------------------------------
જયકિસનની વિદાય પછી સંગીતકાર શંકરનો ધબડકો વળી ગયો એવું લખનારા ગોસિપ શોખીનોએ એવીજ એક બીજી ગોસિપ ચગાવી હતી. આ 'વિદ્વાન' (ફન અભિપ્રેત છે માટે અવતરણ ચિહ્ન મૂક્યું) લેખકોએ લખ્યું કે શંકર જયકિસને સંગીતકાર ઓપી નય્યરને ખતમ કરી નાખવા ઘણા પ્રયત્નો કર્યા હતા.
આ ગોસિપ અત્યંત હાસ્યાસ્પદ છે. એ વિશે વાત કરવા અગાઉ 1950 અને '60ના દાયકાના વાતાવરણને માણીએ. કેવો હતો એ સમય ?
એસ. ડી. બર્મનના એક ગીતના રેકોર્ડિંગમાં અચાનક સી રામચંદ્ર જઇ ચડ્યા. અન્નાસાહેબ તરીકે ઓળખાતા સી રામચંદ્રે બર્મનદાદાના ગીતના રેકોર્ડિંગમાં પોતાનું ગીત રેકોર્ડ થતું હોય એવી લાગણીથી મદદ કરી.
શંકર જયકિસન ફિલ્મ જિસ દેશ મેં ગંગા બહતી હૈ ના એક ગીતનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા ત્યારે રાજ કપૂર પણ હાજર હતા. સી. રામચંદ્રે આ રેકોર્ડિંગમાં પણ એક મહત્ત્વપૂર્ણ સૂચન કર્યું જે રાજ કપૂર અને શંકર જયકિસન, ત્રણેને ગમ્યું હતું. વાયોલિન્સના પીસને બદલે ત્યાં લતાજીનો આલાપ લીધો હતો.
લક્ષ્મીકાંત પ્યારેલાલની ફિલ્મ દોસ્તીમાં રાહુલ દેવ બર્મન-પંચમે માઉથ ઓર્ગન વગાડ્યું હતું અને એક રૂપિયો પણ મહેનતાણાં તરીકે લેવાની ચોખ્ખી ના પાડી હતી. આ જ પંચમને ફિલ્મ તીસરી મંજિલ મળે એ માટે સી રામચંદ્રે શમ્મી કપૂરને સમજાવ્યા હતા.
ઓ પી નય્યરે અમને પણ ખૂબ પ્રેમ કર્યો. અમને પોતાના સંતાનની જેમ ચાહતા.
----------------------------------------
જગવિખ્યાત સરોદ વાદક ઉસ્તાદ અલી અકબર ખાન સાહેબે શંકર જયકિસન માટે ફિલ્મ સીમામાં સરોદ વગાડી હતી. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ સમયગાળો એવો હતો જ્યારે સંગીતકારો વચ્ચે સાચી ભાઇબંધી હતી.
આ વિશે સંગીતકાર કલ્યાણજીભાઇ સાથે વાત થઇ ત્યારે તેમણે સરસ શબ્દોમાં સમજાવ્યું. એમણે કહ્યું, 'ગાયકો અને સંગીતકારો સ્વભાવે નાના બાળક જેવા હોય છે. નાની નાની વાતમાં રીસાઇ પણ જાય અને રીઝે પણ ખરા. તમે નોંધ કરી હશે, અમારી સાથે કિશોર કુમાર સો ટકા સહકારથી વર્તે છે. એનું કારણ સ્પષ્ટ છે. એના તમામ અટકચાળાંને અમે ચૂપચાપ સહી લઇએ છીએ. પણ પછી એ અમને બેસ્ટ આઉટપુટ આપે છે....' તો યહ બાત હૈ.
ઔર એક દાખલો આપું. તમે રામ જેઠમલાની અને પ્રશાંત ભૂષણ જેવા દાદુ વકીલોને કોર્ટમાં સામસામી દલીલો કરતાં સાંભળો. તમને એમ લાગે કે હમણાં બાથંબાથી પર આવી જશે. મારામારી થઇ જશે. પરંતુ જેવી સુનાવણી પૂરી થાય કે આ બંને જણ બહાર જઇને એક ટેબલ પર બેસીને સાથે ચા પીતાં દેખાય. 1950 અને '60ના દાયકામાં સંગીતકારો અને ગાયકો વચ્ચે એક પરિવાર જેવી આત્મીયતા હતી.
વરિષ્ઠ સમીક્ષકોને પૂછો તો કહેશે, કારકિર્દીના આરંભે એક સમયે ઓ. પી. નય્યર પણ મુંબઇના ચર્ચગેટ સ્ટેશન સામે આવેલી ગેલોર્ડ રેસ્ટોરાંમાં બેસતા. જયકિસન પણ સવારે વાંદરામાં આવેલી બોમ્બેલી અને સાંજે ગેલોર્ડ રેસ્ટોરાંમાં બેસતો. બંને વચ્ચે સારી દોસ્તી હતી. એ દોસ્તીને દર્શાવતો એક ફોટોગ્રાફ પણ આ લેખક પાસે છે.
આટલી પૂર્વભૂમિકા પછી હવે ઓ. પી. નય્યર અને શંકર જયકિસન વચ્ચેના કહેવાતા મતભેદની વાત કરીએ. બંને સંગીતકારોને એમના ફિલ્મ સર્જકો જે તે વિદેશી ગાયક-સંગીતકારોની રેકર્ડ લાવી આપતા અને કહેતાં કે ઐસા કુછ બનાઓ. નૌશાદ અને ખય્યામ જેવા એકાદ બે સંગીતકારને બાદ કરતાં લગભગ બધા સંગીતકારો સાથે આવું થતું. એટલે દરેક સંગીતકાર જાણતો હતો કે વિદેશી ફિલ્મ સંગીતની હિટ તર્જોનું ભારતીયકરણ કરીને હિન્દી ફિલ્મોમાં વાપરવાની પરંપરા છે. આમ છતાં એક કોમેડી ફિલ્મ 'હમ સબ ચોર હૈ' ના સંગીતમાં ઓપીએ બાળસુલભ અટકચાળું કર્યું.
ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ એક ગીત રચ્યું. ઓપીએ એની તર્જ બનાવી. એમના કોઇ સાજિંદાએ આ ગીત વિશે ખરીખોટી અફવા ફેલાવી કે આ ગીત ઓપીએ શંકર જયકિસન પર કટાક્ષ રૂપે બનાવ્યું છે. એાપીએ બનાવેલું એ ગીત એટલે આ- 'હમ કો હંસતે દેખ જમાના જલતા હૈ, ચોર બનો યા મોર યહાં સબ ચલતા હૈ... ' આ ગીતના એક અંતરામાં કહ્યું છે, ‘અરે ચોર સારી દુનિયા, હમ કો મત ઘેર જરા, યહાં સબ ચોર હૈ, સમજ કા હૈ ફેર જરા...’ (આવતા શુક્રવારે પૂરું.)
Comments
Post a Comment