સંગીતકાર શંકર જયકિસનની જોડી ખંડિત થયા બાદ એકલે હાથે શંકરે પચાસથી વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું. સમય અને સંજોગોએ એના પુરુષાર્થને યોગ્ય સાથ ન આપ્યો એની વાત આપણે કરી રહ્યા છીએ. ૧૯૭૨માં રજૂ થયેલી ફિલ્મ જાને અન્જાનેના 'જિયા મેં લાગા મોરે બાણ પ્રીત કા, ઘાયલ હૈ અરમાન પ્રીત કા... ગીતની વાત અધૂરી રહી હતી.
છેક સામવેદના કાળથી ચાલ્યા આવતા ભારતીય સંગીતના ઘણા રાગ-રાગિણીનાં મૂળ સ્વરુપ બદલાઇ ગયાં છે એવી વાત આપણે કરતા હતા. જિયા મેં લાગા બાણ પ્રીત કા...ગીત મન્ના ડેના કંઠમાં હતું અને રાગ દીપક પર આધારિત હતું. શાસ્ત્રીય સંગીતના વિદ્યાર્થી હોય એવા રસિકોને મોજ પડે એવું હતું.
આ ગીત ચરિત્રનટ ઓમ પ્રકાશ પર ફિલ્માવાયું હતું. ઓમપ્રકાશ ભારતીય સંગીતના ચાહક અને રસિક શ્રોતા હતા. તેમનો પોતાનો કંઠ ખરજનો ઘુંટેલો હતો એટલે એમનો અભિનય પણ સરસ હતો. અંગત દોસ્તો સામે ઓમપ્રકાશ ગીતો ગાતાં પણ ખરા. તમને યાદ હશે, અગાઉ ઓમપ્રકાશે ફિલ્મ બુઢ્ઢા મિલ ગયામાં આર ડી બર્મનના સંગીતમાં મન્ના ડેએ ગાયેલા રાગ ખમાજ આધારિત ગીત આયો કહાં સે ઘનશ્યામ..માં એટલોજ વાસ્તવિક અભિનય કર્યો હતો.
ફિલ્મ અર્ચનામાં જ ઔૈર એક રાગ આધારિત ગીત હતું. દિવસના બીજા પ્રહરે ગવાતા રાગ જૌનપુરી પર આધારિત આ ગીત મુહમ્મદ રફીના કંઠમાં હતું. આશાવરી અને જૌનપુરીના સ્વરો સમાન છે. ગ, ધ, ની કોમળ અને આરોહમાં રે વર્જિત.
હસરત જયપુરીએ રચેલા આ ગીતનું ફિલ્માંકન કથાનાયક સંજીવ કુમાર પર થયું હતું. આ ગીત એટલે 'જાને કિસ રુપ કી જાદુ ભરી પરછાંયી હો, લોગ તો લોગ રહે, અપને સે શરમાયી હો...' અત્યંત સંવેદનશીલ શબ્દોને મળેલી તર્જ અત્યંત મધુર હતી.
લગભગ આ જ સમયગાળામાં એટલે કે ૧૯૭૨-૭૩માં શશી કપૂર,મૌસમી ચેટર્જી અને રાજશ્રીને ચમકાવતી ફિલ્મ બાબુભાઇ શાહની ફિલ્મ નૈના આવેલી. પ્રિયપાત્રના અકાળ નિધનથી શરાબી બની ગયેલા એક કવિને નાયિકા પોતાના પ્રેમથી નોર્મલ કરે છે એવી કથા હતી. આ ફિલ્મમાં હસરત જયપુરીએ લખેલા એક ગીતને મુહમ્મદ રફીનો કંઠ સાંપડયો હતો.
કથાનાયક પર ફિલ્માવાયેલા આ ગીતની સૂરાવલિ બાંધવામાં શંકરે રાગ દરબારીનો આધાર લીધો હતો. એ ગીત આ રહ્યું- 'હમ કો તો જાન સે પ્યારી હૈ તુમ્હારી આંખેં, હાય કાજલભરી મદહોશ યે પ્યારી આંખેં...' દરબારી જેવા ધીરગંભીર રાગમાં આ રોમાન્ટિક ગીત અનેરી છટા સર્જે છે.
આ ફિલ્મમાં ઔર એક સરસ ગીત 'મન કે પંછી કહીં દૂર ચલ, દૂર ચલ, ઇસ ચમન મેં અપના તો ગુજારા નહીં, બેર કી હૈ ડગર બેર કા હૈ નગર, સાંસ લેને કા અબ સહારા નહીં...' તમે શારદાના કંઠના ચાહકો હો આ ગીત જરુર ગમે. આ ગીતમાં શંકરે બોલિવૂડના લાડકા રાગ પહાડીનો આધાર લીધો છે. શંકરના બીજાં રાગ આધારિત ગીતોની વાતો પણ કરી શકાય. આ તો મોટા ભાગના લેખકોએ શંકરને અજાણતાંમાં કરેલા અન્યાયને વિસારે પાડવા થોડીક ઝલક આપી.
કોઇ પ્રકારના પૂર્વગ્રહ વિના વિચારો તો એક્શન ફિલ્મોના યુગમાં મેલોડી વિસરાઇ રહી હતી એવા યુગમાં સામા પૂરે તરવાનો પુરુષાર્થ શંકરે કર્યો છે. એની નિષ્ઠામાં કે સર્જનશીલતામાં ક્યાંય ઓટ નથી. સંજોગોની સામે લડતાં શંકર થાકતાં નથી એ મહત્ત્વની વાત છે. બાકી સંજોગો સરસ હતા ત્યારે પણ જયકિસન, મદન મોહન વગેરે જાણ્યે અજાણ્યે સુરાપાનના રવાડે ચડી ગયા હતા.
એક વાત ફિલ્મ સંગીતના અભ્યાસી શાર્દુલ મઝુમદારે સરસ કરી. શંકર અંતર્મુખ સ્વભાવના હતા. પોતાના માર્કેટિંગમાં એમને બહુ રસ નહોતો અથવા એમ કહો કે પોતાના માર્કેટિંગમાં યા પોતાની પબ્લિસિટી કરવાની એમનામાં ઝાઝી આવડત નહોતી. શંકર જયકિસનમાં મિડિયા સાથે વાત મોટે ભાગે જયકિસન કરતા. શંકર એ બાબતમાં કેટલેક અંશે ઉદાસીન હતા એટલે એમના કામની પૂરતી નોંધ એમની હયાતીમાં લેવાઇ નહીં એવું આ લખનાર માને છે.
Comments
Post a Comment