જપમાળા પૂરતી વાત મર્યાદિત રાખીએ તો દુનિયાના તમામ ધર્મોમાં જપમાળા છે અને એ તમામ જપમાળામાં એકસો આઠ મણકા હોય છે. જો કે સાધક કેવા પ્રકારની સાધના કરવા માગે છે એના આધારે કયા પદાર્થની માળા વાપરવી એ નક્કી થાય છે. ઉનાળામાં ઘણા લોકો સ્ફટિકની માળાથી જપ કરે છે. એની પાછળ એવી માન્યતા છે કે એનાથી માળા કરનારને ઠંડક મળે.
તાજેતરમાં ત્રિપુરસુંદરીનો મહિમા વર્ણવતું ‘લઘુસ્તવ રહસ્ય’ (સંપાદક ભાણદેવજી) પુસ્તક હાથમાં આવ્યું. અગાઉ સાંઇ મકરંદ દવેએ આ સ્તવનનો મહિમા દર્શાવતું સંકલન રજૂ કરેલું. હાલ એ મળતું નથી. લઘુસ્તવ રહસ્ય વાંચતાં એક નવી વાત જાણવા-સમજવા મળી.
અધ્યાત્મની ઉપાસના કરનાર માટે નવ જેટલો જ મહિમા ત્રણના આંકડાનો પણ છે. લઘુસ્તવના સોળમા શ્લોકમાં લઘુ મુનિએ ત્રણનો મહિમા કર્યો છે. આપણે થોડાક ત્રણ વિશે જાણીએ છીએ. જેમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવ. એમાં મહેશ એટલે કે કૈલાસવાસી મહાદેવ ત્રિ-શૂળ વાપરે છે. એ ત્રિશૂળનું પણ કોઇ વિદ્વાને પૃથક્કરણ કરવું જોઇએ. આ શસ્ત્રમાં ત્રણ પાંખ શા માટે એ વિચારવા જેવું છે.
સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણ, ઇચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ એ ત્રણ શક્તિઓ. પહેલાં માણસમાં ઇચ્છા પ્રગટે. ઇચ્છાની પ્રેરણાથી એ કાર્ય કરે અને કાર્ય વડે જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ રીતે આવે ત્રણ સ્વરો- હૃસ્વ, દીર્ઘ અને પ્લુત. બીજા શબ્દોમાં કહીએ તો ઊંચા, નીચા અને સમધારણ સ્વરો. એવા જ છે ત્રણ વર્ણ- અ ઉ અને મ જેમાંથી ઓમ્ (પ્રણવનાદ) પ્રગટ્યો.
પછી આવે ત્રણ લોક- સ્વર્ગલોક, મૃત્યુ (પૃથ્વી)લોક અને પાતાળલોક. એ જ રીતે ત્રિપાદ જેમ કે ગાયત્રી મંત્ર. એમાં ત્રણ પદો છે. ત્રણ તીર્થો જેમાં મણીપુર ચક્ર (નાભિકમળ), અનાહત ચક્ર (હૃદયકમળ) અને સહસ્રાર ચક્ર (બ્રહ્મકમળ). યજ્ઞ કરતા હો તો ત્રણ પ્રકારના અગ્નિ આવે. ત્રણ મહાદેવી છે- મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી.
ત્રણ વર્ગ આવે જેમ કે સર્જન, પાલન અને વિસર્જન અથવા સ્થિતિ, વૃદ્ધિ અને ક્ષય. અહીં એક રસપ્રદ વાત યાદ આવી. કોઇએ અંગ્રેજી શબ્દ ગોડને આપણા બ્રહ્મા વિષ્ણુ મહેશ જોડે મૂક્યો હતો. જી એટલો જનરેટર (બ્રહ્મા) ઓ એટલે ઓપરેટર (વિષ્ણુ) અને ડી એટલો ડિસ્ટ્રક્ટર (મહેશ).
ઓશો એથી પણ આગળ વધ્યા હતા. તેમણે ઇસાઇ ધર્મનો ઊંડો અભ્યાસ કર્યા બાદ કહેલું કે ઇસાઇ ધર્મમાં પણ ત્રણનો મહિમા છે- આત્મા, પરમાત્મા અને હોલી ઘોસ્ટ.
વાસ્તવમાં ત્રણના આ મહિમા વિશે ચિંતન અને મનોમંથન કરીને દળદાર ગ્રંથ લખી શકાય એટલું બધું એના ગૂઢ અર્થમાં સમાયેલું છે. અધ્યાત્મના સર્વોચ્ચ શિખર પર બિરાજેલા ઋષિ-મુનિઓના કહેવા પ્રમાણે સમગ્ર સૃષ્ટિ ત્રિગુણાત્મિકા છે.
આટલું વાંચીને ન માનતા હો તો હવે તો આધુનિક વિજ્ઞાન પણ ત્રણમાં માને છે. અણુનું પૃથક્કરણ કરનારા વિજ્ઞાનીઓ કહે છે કે અણુ ન્યૂટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. એકજ વિદ્યુત ત્રણ સ્વરૂપમાં વિભાજિત થઇને સૃષ્ટિનું નિર્માણ કરે છે. આપણે એટલે જ સત્યમ્ શિવમ્ સુંદરમ્ કહીએ છીએ.
आपकी पोस्ट very good लोगों के लिए हेल्प करेगी। बहुत-बहुत धन्यवाद Very good informationGlobal warming in hindi
ReplyDelete