દોસ્તીની વ્યાખ્યા કરતાં કોઇએ સરસ કહ્યું છે- સતત તમારા વખાણ કે ખુશામત કરે એને સાચો દોસ્ત નહીં ગણતા. જે તમારી ભૂલો સૌજન્યપૂર્વક દેખાડે એ તમારો સાચો હિતેચ્છુ દોસ્ત હોય છે.
રામાનંદ સાગરની ફિલ્મ આરઝૂની સંગીતકાર શંકર રઘુવંશીએ તૈયાર કરેલી કવ્વાલીની વાત ગયા શુક્રવારે કરેલી. જબ ઇશ્ક કહીં હો જાતા હૈ તબ ઐસી હાલત હોતી હૈ...
તરત શંકર જયકિસન ફાઉન્ડેશનના ચિરાગભાઇ પટેલ અને ઇસરોના ડૉક્ટર પદ્મનાભ જોશીનો સંદેશો આવ્યો- લેખકડા તું ભૂલ્યો... અત્યાર સુધી રાગદારી આધારિત અને અન્ય વિશિષ્ટ ગીતોની વાતોમાં કવ્વાલી વિસરાઇ ગઇ. વાસ્તવમાં શંકર જયકિસને પોતાની કારકિર્દી દરમિયાન સાત-આઠ કવ્વાલી આપેલી.
યસ, સાવ સાચ્ચી વાત. એ સાત કવ્વાલીની વાત આજે કરી લઇએ. પહેલી કવ્વાલી રાજેન્દ્ર કુમારને હીરો તરીકે ચમકાવતી આસ કા પંછી ફિલ્મ( 1961)માં હતી. હસરત જયપુરીના શબ્દોને મુહમ્મદ રફી અને કોરસે ગાઇ હતી- અબ ચાર દિનોં કી છૂટ્ટી હૈ ઔર ઉન સે જાકર મિલના હૈ... કોલેજના વિદ્યાર્થીઓની ભાવના રજૂ કરતી આ કવ્વાલી દાદરા તાલમાં ઉપડી હતી.
આરઝૂની કવ્વાલી વિશે તો આપણે વાત કરી. રાજ કપૂરની સૌથી મહત્ત્વાકાંક્ષી અને સૌથી વધુ ફ્લોપ નીવડેલી ફિલ્મ મેરા નામ જોકરમાં પણ એક ગીત કવ્વાલી ટાઇપનું હતું. આશા ભોંસલે અને મૂકેશે ગાયેલું આ ગીત પણ હસરતની રચના હતી. એ કવ્વાલી એટલે આ- દાગ ન લગ જાયે હાય દાગ ન લગ જાયે, પ્યાર કિયા તો કર કે નિભાના, દાગ ન લગ જાયે...
મેરા નામ જોકરની પહેલાં 1967માં જિતેન્દ્ર, રાજશ્રી, મહેમૂદ અને જીવનને ચમકાવતી ફિલ્મ ગુનાહોં કા દેવતા આવેલી. કવ્વાલીનુમા એક ગીત ફિલ્મ ગુનાહોં કા દેવતામાં પણ હતું.
આ ગીત આસિત સેન, મહેમૂદ વગેરે પર ફિલ્માવાયું હતું. મુહમ્મદ રફી અને મન્ના ડેના કંઠમાં ગૂંજેલું એ ગીત આ રહ્યું- મહફિલ મેં શમા ચમકી, પરવાને ચલે આયે, અબ તો નજર ઝુકા લો, મહફિલ મેં શમા ચમકી...
પ્લેબેક સિંગર્સ સાથે શાસ્ત્રીય સંગીતના ધુરંધરોને ચમકાવતી કવ્વાલી 1971માં ફિલ્મ દુનિયાદારીમાં હતી. ઉસ્તાદ અનવર હુસૈન ખાન, ઠુમરીક્વીન શોભા ગુર્ટુ, મુહમ્મદ રફી અને નસીમ ચોપરાએ ગાયેલી એ કવ્વાલી આ રહી- ઇશ્ક મેં તેરે હુએ શરાબી, બિન પીયે ના શામ કટે, પ્યાસ કે મારે હમ ભી તડપે, મહફિલ મહફિલ જામ બટે, પ્યાલા હોઠોં તક પહુંચા તો...
આ કવ્વાલીનો કહરવાનો જે ઠેકો છે એ બરસાત કી રાતના ના તો કારવાં કી તલાશ હૈ કવ્વાલીના જલંધરી કહેરવા ઠેકાને યાદ કરાવી દે એવો બળકટ છે.
ઔર એક કવ્વાલીનુમા ગીત દો જૂઠ ફિલ્મ(1975) નું છે. એમ જી હસ્મતની રચનાને મહેન્દ્ર કપૂર, મન્ના ડે અને ઉષા મંગેશકરનો કંઠ સાંપડ્યો છે. સાડા આઠ મિનિટના આ ગીતનું મુખડું છે મુહબ્બત ને અય દિલ કહાં લા કે મારા...
અને છેલ્લી પણ મજેદાર કવ્વાલી એટલે ફિલ્મ ઇન્તેકામ કી આગ (1986)નું આ ગીત- સંભલ જાઓ બઢે આતે હૈં મંડરાતે હુએ સાયે... આશા ભોંસલે અને મુહમ્મદ રફીએ ગાયેલી આ કવ્વાલીના શબ્દો ઇન્દિવરના છે.
એમ કહી શકાય કે શંકર જયકિસનના સંગીતને પસંદ કરતા ફિલ્મ સર્જક સોહનલાલ કંવરે જયકિસનની ચિરવિદાય પછી પણ લગભગ છેલ્લે સુધી શંકરને સાથ આપ્યો. સાતમાંથી ચારેક કવ્વાલી શંકરે એકલે હાથે આપી. ત્રણમાં શંકર જયકિસન બંનેએ સહિયારું સર્જન કર્યું હતું.
Comments
Post a Comment