સાહિત્ય, વિદ્યાસાધના, સંગીત, યૌવન, અત્ર તત્ર સર્વત્ર કરવા ઘટે વસંતનાં વધામણાં.... !

 


આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઇ નથી, પગલાં વસંતનાં, મલયાનિલોની પીંછી ને રંગો ફૂલના લઇ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના...’  મનોજ ખંડેરિયાની એક વાસંતી ગઝલના આ શબ્દો છે. 

મૂર્ધન્ય કવિ ઉમાશંકરે પોતાની આગવી રીતે કહ્યું, ‘કોકિલ, પંચમ બોલ બોલો કે પંચમી આવી વસંતની, મંજરી મત્ત થઇ ડોલો કે પંચમી આવી વસંતની, આતમ અંતરપટ ખોલો કે પંચમી આવી વસંતની...!’ હિન્દુ પંચાંગ મુજબ આજે મહા શુક્લ પાંચમ. હજારો વરસથી આજનો દિવસ વસંત પંચમી તરીકે ઊજવાતો રહ્યો છે. 

પ્રાચીન કાળમાં ગુરુકૂળોમાં આજથી વિદ્યાસત્ર શરૂ થતું. પુસ્તકો, એક્સેસાઇઝ બુક્સ કે ઇન્ટરનેટ જેવું કશું નહોતું. ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે એમ કહેવાતું. ગુરુના ચરણ પાસે બેસીને બાળકો ભણતા. ઉપનિષદ શબ્દનો અર્થ જ આ છે, ગુરુની પાસે કે ગુરુના ચરણમાં બેસીને વિદ્યા પ્રાપ્ત કરવી એટલે ઉપનિષદ. 

એ બધી વાતો વિસરાતી ચાલી છે. ઔદ્યોગિક અને આર્થિક પ્રગતિના નામે વૃક્ષો કપાઇ રહ્યાં છે, ગામડાં ભાંગી રહ્યાં છે અને રોજી રોટી માટે ગ્રામજનોની મહાનગરો તરફની દોટ બેફામ બની છે ત્યારે કોયલના ટહૂકા ક્યાં સાંભળવા મળે ? એવા વિચારે જ કદાચ, અન્ય એક કવિજને પ્રશ્ન પૂછ્યો છે, ‘કહેવું પડે કવિ કોકિલાએ કે પંચમી આવી વસંતની ?’

ભારતીય સંગીતમાં તો વસંત નામનો એક ઋતુપ્રધાન રાગ પણ છે. પંડિત ભીમસેન જોશી કે પંડિત જસરાજ જેવાના ઘુંટાયેલા કંઠે સાંભળો તો દંગ થઇ જાઓ. ‘ફગવા બ્રિજ દેખન કો ચલો રી, ફગવે મેં મિલેંગે કુંવર ક્હાન...’  



કોઇએ યુવાનીને વસંત સાથે સરખાવી છે. વસંત એટલે નવરંગી નયનરમ્ય સૃષ્ટિ ! વસંત એટલે નવસર્જન. ગીતકાર ભરત વ્યાસે યહ કૌન ચિત્રકાર હૈ ગીતમાં સરસ કલ્પના કરી છે ! ‘દિશાયેં દેખો રંગ ભરી, ચમક રહી ઉમંગ ભરી, યે કિસને ફૂલ ફૂલ સે કિયા શૃંગાર હૈ, યહ કૌન ચિત્રકાર હૈ...’ 

કોઇ બગીચામાં જઇને ઊભા રહો તો સુગંધની કોકટેલ જેવો અનુભવ થાય. વિવિધ ફૂલોના રંગ અને સુગંધ તમને વીંટળાઇ વળે.

કોરોનાના પગલે શાળાઓ અને કોલેજો બંધ હતી. ધીમે ધીમે ઊઘડી રહી છે. વિદેશોમાં જાન્યુઆરીથી નવું શિક્ષણ સત્ર શરૂ થાય છે. આપણે ત્યાં જૂનથી શિક્ષણ સત્ર શરૂ થતું હતું. કોરોનાએ સમયપત્રકને ઊલટસુલટ કરી નાખ્યું. 

આજે વસંત પંચમીના દિને પ્રાચીન પરંપરા મુજબ વિદ્યાસત્રનો આરંભ થાય એથી રૂ઼ડું બીજું શું હોઇ શકે ? વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા-આરાધનાનો આજથી શુભારંભ થવો ઘટે. આપણે એક અર્થમાં ખરેખર ખુશનસીબ છીએ કે છ છ ઋતુઓની ભેટ આપણને મળી છે. 

વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં કાં તો બારેમાસ બરફ છવાયેલો રહે છે અને કાં તો શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણ ઋતુ હોય છે. આપણે ત્યાં છ ઋતુ છે અને એમાં વસંતનો મહિમા અનેરો છે. 

એમાંય પંચમીનું આગવું મહત્ત્વ છે. કારતક સુદ પાંચમને લાભ પાંચમ કે જ્ઞાન પંચમી તરીકે ઊજવવાની પરંપરા છે, શ્રાવણમાં નાગ પંચમી આવે તો ભાદરવામાં ઋષિપંચમી કે સામા પાંચમ આવે. 

આમ ભારતીય પરંપરામાં પાંચમનો ખાસ મહિમા છે. સરખે સરખી વયના અને સમાન વિચારો ધરાવતા દોસ્તો મળે ત્યારે મનપાંચમનો મેળો કહેવાય છે. 

ઊગતી પેઢીને આ બધી વાતો કહેનારા દાદા-દાદી હવે વૃદ્ધાશ્રમમાં વસે છે એટલે આજનાં બાળકો આવી બધી રસપ્રદ વાતોથી વંચિત રહી જાય છે. એવો વિચાર કોઇ આધુનિક ગિજુભાઇ બધેકા-મૂછાળી મા જેવા શિક્ષકો કરે તો સારું.


Comments