સમગ્ર કારકિર્દીની એક માત્ર કવ્વાલી સંગીતકાર શંકર રઘુવંશીના નામે બોલે છે, સાહેબ !


ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના પ્રણેતા અને હરફન મૌલા સંગીતકાર ગણાતા શંકર જયકિસનની આશરે ત્રણ દાયકાની કારકિર્દીનીં ઊડતી ઝલક મેળવવાના પ્રયાસમાં એક હકીકત ઊડીને આંખે વળગે છે. કેટલાક સંગીત રસિકોએ પણ એ વિશે પૃચ્છા કરેલી.


આ રસિકોને એ વાતનું કુતૂહલ હતું કે ૧૯૪૭થી ૧૯૮૭નાં વર્ષો દરમિયાન શંકર જયકિસને ફિલ્મ સંગીતમાં જબરદસ્ત વૈવિધ્ય આપ્યું- રોમાન્ટિક ગીતો, ડાન્સ ગીતો, ભક્તિગીતો, ગઝલો, લગ્નગીતો, રાખડી જેવા પારિવારિક ગીતો, પ્રાસંગિક ગીતો, પાશ્ચાત્ય શૈલીનાં ગીતો, રાગદારી આધારિત ગીતો.... વગેરે. આમ છતાં એક ગાયન પ્રકાર વણખેડાયેલો રહ્યો. આ ગાયન પ્રકાર કવ્વાલી તરીકે ઓળખાય છે.


કવ્વાલી વિશે પૃચ્છા કરનારા રસિકોની વાત આ લેખકની દ્રષ્ટિએ અર્ધી સાચી હતી. એમ કહેવા પાછળ ચોક્કસ કારણ છે. સંગીતકાર સર્વશ્રી નૌશાદ, રોશન, રવિ, લક્ષ્મીકાંત પ્યારેલાલ અને બીજા એકાદ બે સંગીતકારો સિવાય કવ્વાલી સ્વરબદ્ધ કરવાની તક બહુ ઓછા સંગીતકારોને મળી. મોટા ભાગના સંગીતકારો કવ્વાલી સર્જી શક્યા નથી. કવ્વાલી જેવું સ્વરાંકન કદાચ કર્યું હશે. 


કવ્વાલી મોટે ભાગે મુસ્લિમ સોશ્યલ ફિલ્મોમાં જોવા-સાંભળવા મળે. મસાલા ફિલ્મમાં કવ્વાલી અલગ પ્રકારના સિચ્યુએશનમાં ઉમેરી દેવામાં આવે. જેમ કે મનમોહન દેસાઇની અમર અકબર એન્થનીમાં અકબર (રિશિ કપૂર)ના ફાળે બે કવ્વાલી આવેલી. પરદા હૈ પરદા હૈ અને શિરડીવાલે સાંઇબાબા...એજ રીતે ફિલ્મ ફૂલ ઔર પથ્થરમાં ફિલ્મ સર્જક ઓ પી રાલ્હન પર ફિલ્માવાયેલી કવ્વાલી મેરે દિલ કે અંદર ચલાતી હૈ ખંજર...


કવ્વાલી સર્જવાની સૌથી વધુ તક સંગીતકાર રોશન અને નૌશાદને મળી એમ કહી શકાય. રોશનને કવ્વાલી પર આધારિત લવ સ્ટોરી ધરાવતી આખી ફિલ્મ બરસાત કી રાત મળી. નૌશાદે મુઘલે આઝમ (૧૯૬૦) અને પાલકી (૧૯૬૬)માં કવ્વાલી આપી. જો કે એચ એસ રવૈલની મેરે મહેબૂબ મુસ્લિમ સોશ્યલ ફિલ્મ હોવા છતાં એમાં કવ્વાલી નહોતી. એક ગીત મેરે મહેબૂબ મેં ક્યા નહીં ક્યા નહીં... કવ્વાલીની શૈલીનું ડાન્સ ગીત હતું.  


શંકર જયકિસનને એેવી સિચ્યુએશન્સ જ મળી નહીં જ્યાં એ કવ્વાલી પીરસી શકે. સમગ્ર કારકિર્દીમાં આ બંને સંગીતકારોએ ખરા અર્થમાં માત્ર એક કવ્વાલી આપી. ગોસિપ કટારલેખકોની વાત સાચી માનીએ તો આ કવ્વાલીની તક આવી ત્યારે શંકર જયકિસનના સંબંધોમાં તિરાડ પડી ચૂકી હતી કારણ કે જયકિસને અજાણતાંમાં કયું ગીત બેમાંથી કોણે કમ્પોઝ કર્યું એની વિગત જાહેર કરી દીધી. એટલે શંકર નારાજ થયા. બંને વચ્ચે વણલખી શરત હતી કે કયા ગીતની બંદિશ બેમાંથી કેાણે બાંધી એ વિગત કદી ક્યાંય જાહેર કરવી નહીં.



રામાનંદ સાગરની ફિલ્મ આરઝૂ વખતે એમ કહે છે કે ફિલ્મ સર્જકની ઇચ્છા આરઝૂમાં એક કવ્વાલી ઉમેરવાની હતી. એ માટે રામાનંદ સાગરે શંકરનો સંપર્ક સાધ્યો હતો. કવ્વાલી સિવાયનાં બાકીનાં બધાં ગીતો જયકિસને તૈયાર કર્યા હતા. એક માત્ર કવ્વાલી માટે શંકરે એક લાખ રુપિયાનું મહેનતાણું માગેલું અને રામનંદ સાગરે એ ચૂકવેલું એવી વાતો ગોસિપ કૉલમોમાં પ્રગટ થઇ હતી.



આ સિરિઝ શરુ કરતી વખતે પહેલેથી એક વાત નક્કી રાખેલી કે માત્ર સંગીત સર્જનની વાત કરવી, ગોસિપમાં પડવું નહીં. પરંતુ સંગીત રસિકોની વારંવારની પૃચ્છાના કારણે આ વાત રજૂ કરી છે. આરઝૂની કવ્વાલી મુબારક બેગમ અને આશા ભોસલેના કંઠમાં છે. 


લતાજી તો મુબારક સાથે ગાવા તૈયાર થાય નહીં. કવ્વાલી માટે જે પ્રકારના કંઠની જરુર પડે એ મુબારક બેગમમાં જન્મજાત હતો. એટલે આ કવ્વાલી મુબારક બેગમ અને આશા ભોસલેના કંઠમાં આપણને મળી. 'જબ ઇશ્ક કહીં હો જાતા હૈ તબ ઐસી હાલત હોતી હૈ, મહફિલ મેં જી ઘબરાતા હૈ તનહાઇ સી હાલત હોતી હૈ...'


સંગીતકાર તરીકે શંકરને ન્યાય આપવા એટલું કહેવું પડે કે આ કવ્વાલીએ રંગ રાખ્યો હતો. ફિલ્મનાં બીજાં ગીતો જેટલીજ લોકપ્રિયતા આ કવ્વાલીને પણ મળી હતી. કેટલીક વેબસાઇટ્સ આ કવ્વાલીને ડાન્સ સોંગ કહે છે. કહેવા દો. ખરેખર તો આ એક સરસ કવ્વાલી છે. એ માટે શંકરને અભિનંદન આપવા પડે.


Comments