તેર-ચૌદ વર્ષની ટીનેજરની અનેરી શોધ- ઓમકારથી રક્તમાં ઓક્સિજન વધે છે

ઉત્તરાખંડમાં બાઘેશ્વર નામનું ગામ છે. અહીં લગભગ સો ટકા શુદ્ધ ગંગાજળ ઉપલબ્ધ છે. કેટલાક વિપ્રો કે શ્રદ્ધાળુઓ બાઘેશ્વરથી ગંગાજળ લઇને રોજ ચાલીને કેદારનાથ જાય છે. ત્યાં કેદારનાથ શિવની પૂજા કરે છે. આટલું વાંચીને એમ નહીં બોલતા કે એમાં શું મોટી વાત છે ? વાંચો આગળ.

બાઘેશ્વરથી કેદારનાથ બાસઠ કિલોમીટર છે. ચાલીને જવાનું. આટલી બધી શક્તિ આ લોકોમાં ક્યાંથી આવી હશે ? એવો વિચાર ચૌદ વર્ષની એક બંગાળી ટીનેજરને આવ્યો. એને વિજ્ઞાાનમાં બહુ રસ. એણે તપાસ કરી કે કઇ શક્તિ આ લોકોને રોજ નિયમિત બાસઠ કિલોમીટરની પદયાત્રા કરવાની શક્તિ આપે છે ? આ બાલિકાનું નામ અન્વેષા રૉય.

એક દિવસ એણે આ શ્રદ્ધાળુઓ સાથે થોડાક અંતર સુધી ચાલવાનો પ્રયોગ કરી જોયો. એણે જોયું કે આ લોકો ચોક્કસ સ્વર-લયમાં ઓમકારનું ગાન કરે છે. એણે પોતાના ઘરમાં પરોઢિયે વહેલા ઊઠીને ઓમકારનું સસ્વર ગાયન શરુ કર્યું. આ પ્રયોગ વિશે એણે પોતાના ફેમિલી ડૉક્ટરને વાત કરી રાખી હતી.

થોડા દિવસ પછી એણે જોયું કે નિયમિત ઓમકારના ગાયનથી એની ચુસ્તી-સ્ફૂર્તિમાં વધારો થતો હતો. એણે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવ્યા. એ ટેસ્ટનાં પરિણામો આશ્ચર્યજનક આવ્યા. પ્રજાસત્તાક દિને દિલ્હીમાં થયેલા તોફાનો અને હિંસાચારના પગલે આ ટીનેજરના સમાચાર તરફ બહુ ઓછાનું ધ્યાન ગયું.

દેશના એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારે આ સમાચાર સારી રીતે પ્રગટ કર્યા. એ સમાચારનો સાર એટલોજ કે ઓમકારનું સસ્વર ગાયન લોહીમાં ઓક્સિજનનો પુરવઠો અને જરુરી હોર્મોન્સનું ઝરણ વધારે છે તથા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ ઘટાડે છે. તમને યાદ હોય તો અગાઉ આપણે આ કટારમાં બે પ્રસંગો નોંધ્યા હતા.

પહેલો પ્રસંગ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો હતો. ૧૯૮૩માં મનમોહન દેસાઇની કૂલી ફિલ્મમાં એક્શન દ્રશ્ય દરમિયાન એને ઇજા થવાના પગલે એની સારવારના એક ભાગ રુપે એના ગળામાં છિદ્ર પાડીને ખોરાક વગેરે અપાતાં હતાં. સાજા થઇને અમિતાભ બહાર આવ્યા ત્યારે ઊંડા શ્વાસ લઇ શકતા નહોતા. કેટલેક અંશે દમ જેવું લાગતું હતું. સંગીતકાર કલ્યાણજીભાઇએ એને પ્રાતઃકાળે સસ્વર ઓમકાર કરવાની સલાહ આપી હતી. આજે અમિતાભ સહેલાઇથી ઊંડા શ્વાસ લઇ શકે છે.

બીજો પ્રસંગ એક શીખ બાળકનો હતો. એણે એક ટીવી ચેનલની સંગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જજના સ્થાને બિરાજેલાં પાર્શ્વગાયિકા આશા ભોંસલેએ એને સમજાવ્યું હતું કે તું સરસ ગાય છે. તારો અવાજ પણ મધુર છે. પરંતુ તારો શ્વાસ લાંબો ટકતો નથી. તું રોજ સવારે ઓમકાર કરતો જા.

હવે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે સસ્વર ઓમકાર લોહીમાં ઓક્સિજન વધારે છે અને ઓમકારથી શરીરને પોષક હોય એવાં હોર્મોન્સ વધુ ઝરે છે.

અત્યારે કોરોના કાળમાં આ પ્રયોગ ઘણો ઉપયોગી સાબિત થઇ શકે. ઓમકારથી શ્વાસ ઊંડા થાય છે અને ચુસ્તી-સ્ફૂર્તિ વધે છે. સરળ શબ્દોમાં સસ્વર એટલે શું એ સમજો. કુદરતે દરેકને ગળામાં ચોક્કસ ધ્વનિ આપેલો છે. જે સ્વરથી તમે કોઇ ગીત સહેલાઇ ગાઇ શકતા હો એ તમારો ષડ્જ એટલે કે સા ગણાય. રોજ સવારે તમારા ષડ્જને યાદ રાખીને 'સા'ને બદલે ઓમકાર ગાઓ.

તાણવાની જરુર નથી. કુદરતી રીતે તમારો શ્વાસ જેટલો ટકે ત્યાં સુધી ઓમકાર ગાઓ. પછી સહેજ અટકીને શ્વાસ લીધા બાદ બીજીવાર ઓમકાર ગાઓ. એ પછી ત્રીજીવાર. આમ દસથી પંદર મિનિટ આપો. પછી અનુભવો ચમત્કાર.

સંગીત જાણનારા લોકો હાર્મોનિયમ કે ઇલેક્ટ્રોનિક તાનપુરાની સહાય લઇ શકે. સાથોસાથ કોઇ રાગના આરોહ અવરોહમાં ઓમકાર ગાઇ શકાય. તમને યાદ હશે, થોડા સમય પહેલાં અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેશ ઓર્ગેનાઇઝેશન (નાસા) સંસ્થાએ જાહેર કરેલું કે સૂર્યના કિરણોમાં સૂક્ષ્મતમ રીતે ઓમકારનો ધ્વનિ પ્રગટે છે.
સૃષ્ટિનું સર્જન જે વિસ્ફોટ (બીગ બેંગ)થી થયું એ વિસ્ફોટનો ધ્વનિ પણ ઓમકાર હતો એવું વિજ્ઞાનીઓ માનતા થયા છે. એટલે કે ઓમકાર વૈશ્વિક ચેતના છે. એની સાધના કરવાથી તમે આપોઆપ સાજાસારા રહી શકો છો. શરુઆત પાંચ મિનિટથી કરો. પંદર મિનિટ સુધી પહોંચો તો પૂરતું છે. દિવસ આખો સરસ થશે.

Comments