વિશિષ્ટ પ્રતિભા ધરાવતા સાથી સંગીતકાર જયકિસનની અકાળ વિદાય પછી પણ શંકર રઘુવંશીએ શંકર જયકિસન નામ જીવંત રાખીને થોડીક સરસ ફિલ્મો કરી, એની વાત આપણે કરી રહ્યા છીએ. આજે એ શ્રેણીમાં થોડી અલગ વાત કરવી છે.
આપણે અગાઉના એપિસોડ્સમાં શંકર જયકિસને આપેલાં રાગ આધારિત ગીતોની વાત કરેલી. બસંત બહાર જેવી ફિલ્મનાં બધાં ગીતો રાગ આધારિત હતાં અને આ બંનેએ રાગા-જાઝના પ્રયોગોની કરેલા એની વાત આપણે માંડીને કરી હતી.
બધાં સર્જનોમાં બંને સંગીતકારોનો સરખેસરખો ફાળો હતો એમ કહી શકાય. જયકિસનની વિદાય પછી શંકર નાહિંમત થયા વિના આગેકૂચ જારી રાખી એટલું જ નહીં. જ્યારે જ્યાં તક મળી ત્યારે રાગ આધારિત ગીતો આપ્યાં. એ ગીતો લોકપ્રિય પણ થયાં. હવે એવાં થોડાં ગીતોની વાત કરવી છે.
આજે જે ગીતોની વાત કરવી છે એમાં એક ગીત એવું છે જેનું ફિલ્માંકન શમ્મી કપૂર પર થયેલું. આપણે શમ્મી કપૂરની જુવાનીનાં એન ઇવનિંગ ઇન પેરિસ કે જંગલી ફિલ્મોનાં હિટ ગીતોની વાત કરી છે.
રાજેશ ખન્ના અને હેમા માલિની સાથે અંદાજ (૧૯૭૨) પછી શમ્મી કપૂર ઊછળકૂદનાં ગીતોમાં ઓછા દેખાતા. પ્રૌઢ શમ્મી કપૂર પર ફિલ્માવાયેલા રાગ આધારિત એક ગીતનો વિચાર કરીએ તો ફિલ્મ જાને અન્જાનેનું મન્ના ડેના કંઠે રજૂ થયેલું ગીત છમ છમ બાજે રે પાયલિયા... અચૂક યાદ આવે.
રાગ અડાણા પર આધારિત આ રચનાના ફિલ્માંકનમાં રાધાકૃષ્ણની લીલાને આવરી લેવામાં આવી હતી. 'છમ છમ બાજે રે પાયલિયા, રાહ ચલત લચકે પનિહારી, છલકે ગગરિયા...' એસ એચ બિહારીના શબ્દો હતા અને શંકરે એને અનેરા તરવરાટભર્યા સ્વરોથી સજાવ્યા હતા. દૂધ જેવા સફેદ લખનવી લિબાશમાં ખાસ પ્રકારની ઉસ્તાદી (ઇસ્લામી) દાઢી સાથે સજ્જ શમ્મી કપૂર સ્વરમંડળ પર ગાય છે અને નર્તકીઓ નૃત્ય કરે છે એવું ફિલ્માંકન હતું. કેટલાક વિદ્વાનોના મતે આ ગીતના અંતરાઓમાં એક કરતાં વધુ રાગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્રે શંકરની સર્જનશક્તિને બિરદાવવા જેવી છે કારણ કે આ તર્જમાં અનેરા ઉત્સાહ અને તરવરાટ અનુભવાય છે.
યોગાનુયોગે બીજા જે ગીતની વાત કરવી છે એને પણ મન્ના ડેએ ગાયું છે. ૧૯૭૫માં રજૂ થયેલી ફિલ્મ અર્ચનામાં આ ગીત હતું. સંજીવ કુમાર અને માલા સિંહાએ આ ફિલ્મમાં મુખ્ય રોલ કરેલા. પુત્રજન્મ ટાણે પત્ની મરણ પામવાથી પુત્રને અપશુકનિયાળ ગણતા નાયકની કથા હતી. (અનુપમા ફિલ્મ યાદ હોય તો એમાં પુત્રીને અપશુકનિયાળ ગણતા પિતાની વાત હતી.)
એનું આ રાગ આધારિત ગીત મન્ના ડેના કંઠમાં હતું. 'જિયા મેં લાગા મોરે, બાણ પ્રીત કા, ઘાયલ હૈ અરમાન પ્રીત કા...' આ ગીતમાં આમ તો એક કરતાં વધુ રાગોની ઝલક અનુભવી શકાય છે. જો કે કેટલાક વિદ્વાનોના મતે એ રાગ દીપક પર આધારિત છે.
ખરી મૂંઝવણ અહીં છે, કારણ કે દીપક ગાવાથી સંગીત સમ્રાટ તાનસેનને સ્વરદાહ લાગ્યો હતો. એમના શરીર પર દાઝી ગયા જેવા જખમો પડી ગયા હતા એવી લોકકથા છે. કે. એલ. સાયગલ જેવા અમર ગાયક-અભિનેતાએ ફિલ્મ તાનસેન કરેલી એમાં પણ 'દીયા જલાઓ દીયા જલાઓ' ગીત રાગ દીપકમાં હોવાના અહેવાલ હતા. (સંગીત ખેમચંદ પ્રકાશ).
ગુજરાતી ભાષામાં મહેશ-નરેશે આ કથા પર આધારિત ફિલ્મ તાના રીરી (૧૯૭૫)માં રજૂ કરેલી. હવે આજે આપણે જાણતા નથી કે તાનસેન દાઝી ગયેલા એ દીપક રાગ કયો ?
માત્ર દીપક નહીં બીજા ઘણા રાગોનાં પ્રાચીન વર્ણન અને હાલના સ્વરુપ વિશે વિરોધાભાસ છે. મૈહર ઘરાનાના સદ્ગત અન્નપૂર્ણા દેવીના જીવનચરિત્રમાં એક સરસ પ્રસંગ છે. અન્નપૂર્ણા દેવી રાત્રે નીરવ શાંતિમાં પોતાના સાજ પર રાગ માલકૌંસ વગાડે ત્યારે રાગની પરાકાષ્ઠા સમયે નજીકનાં વૃક્ષો નર્તન કરી ઊઠતા એવો પ્રસંગ છે.
સંગીતકાર નૌશાદ કહેતા કે રાગ ખમાજ ગાંડા હાથીને શાંત કરી શકે. આજે એવા રાગ આપણી પાસે છે ખરા ? કલાકારો રજૂ કરે ત્યારે એવી અનુભૂતિ રસિકોને થઇ શકે ખરી ? એ એક સવાલ છે.
ખેર, આપણી વાત જુદી છે. આપણે ગીત માણીને સંતોષ માની લેવો જોઇએ. કયો દીપક રાગ અસલી છે એની લમણાફોડ આપણે કરવાની જરુર નહીં. (આવતા સપ્તાહે પૂરું.)
Comments
Post a Comment