લગભગ 1980ના દાયકાની વાત છે. એ દિવસોમાં આ લખનાર મુંબઇના સાંધ્ય દૈનિક જન્મભૂમિ સાથે સંકળાયેલો હતો. સવારનું મુંબઇ સમાચાર અને સાંજનું જન્મભૂમિ એમ બે છાપાં એ દિવસોમાં મુંબઇમાં હતાં. આ લખનારને જન્મભૂમિમાં સાડા પાંચ છ વર્ષ થયાં હતાં.
એક સરસ મજાના દિવસે બે ત્રણ નવા યુવાનો અમારી સાથે જોડાયા. એમાં સ્પપ્નીલ આંખો અને કંઇક કરી બતાવવાનો ઉત્સાહ ધરાવતો એક યુવાન પણ હતો. વગર તાલીમે સરસ ગાઇ શકે એવો મધુર કંઠ અને ચુંબકીય સ્મિત ધરાવતા એ યુવાનનું નામ અનિલ રાવલ.
મારા સંગીત વિષયક લેખોથી પ્રેરાઇને અનિલને પણ કંઇક કરવાનું મન થયું. (આ એના શબ્દો છે, આત્મશ્લાઘામાં મેં લખ્યા નથી.) એણે કેટલાક સંગીત રસિકોને મળીને ખૂબ જૂના સંગીતકારો વિશે દુર્લભ માહિતી ભેગી કરીને લખવા માંડી.
હાલ અનિલ મુંબઇ સમાચારમાં કામ કરે છે. મુંબઇ સમાચારની પોતાની કૉલમમાં આ લેખો અનિલ પ્રગટ કરતો થયો. હવે જુઓ મજા. 2020ના ડિસેંબરની એક સાંજે મારા પર સંગીતકાર નૌશાદજીના પુત્ર રાજુનો ફોન આવ્યો. નૌશાદજીના સંગીતકાર તરીકેનાં સંભારણાં ગુજરાતી ભાષામાં મેં આજ ગાવત મન મેરો નામે લખેલા એટલે રાજુ સાથે સારી આત્મીયતા. રાજુએ મને પૂછ્યું, યહ ગીત અતીત ક્યા હૈ, અનિલ રાવલ કૌન હૈ ?
સદ્ભાગ્યે મેં ફેસબુક પર અતીતરાગ પુસ્તક વિશે થોડું વાંચ્યું હતું. એટલે રાજુને સંતોષ થાય એટલી વાત હું કરી શક્યો. ફેસબુક પર અનિલે મને બિરદાવતાં લખેલું કે તમારા લેખો વાંચીને મને પણ ફિલ્મ સંગીત વિશે લખવાની પ્રેરણા મળી. થેંક્યુ અનિલ !
થોડા દિવસ પછી મને ‘ગીતઅતીત’ પુસ્તક મળ્યું. આકર્ષક મુખપૃષ્ઠ અને સફેદ ગ્લેઝ્ડ કાગળ પર સરસ મુદ્રણ.
સંગીતનો અને ખાસ કરીને ફિલ્મ સંગીતના સુવર્ણયુગનો ચાહક હોવાથી મને પુસ્તકમાં રસ પડ્યો. ફટાફટ વાંચી નાખ્યું. 1946-47થી ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ ગણીએ તો એ પહેલાં પણ કેટલાક ધુરંધર સંગીતકારો થઇ ગયા. આર સી બોરાલ, એસ મોહિન્દર, માસ્ટર મધુલાલ, સજ્જાદ હુસૈન, ગુલામ હૈદર, જમાલ સેન, સરસ્વતી દેવી, શ્યામ સુંદર, મુહમ્મદ શફી, ગુલામ મુહમ્મદ, બુલો સી રાની વગેરે વગેરે.
ગીતઅતીતમાં જયદેવ અને ખય્યામને બાદ કરતાં આ વિસરાઇ રહેલા કે વિસરાઇ ગયેલા સંગીતકારો વિશે વાંચવી ગમે એવી માહિતી અનિલે ભેગી કરી. મુંબઇ સમાચારની પોતાની કૉલમમાં તસવીર સહિત પ્રગટ કરી. લગભગ ત્રણેક પુસ્તકો થાય એટલું રૉ મટિરિયલ ભેગું થતાં એમાંના ત્રીસ પાંત્રીસ જેટલા પરિચયોનું સંકલન ગીતઅતીતના નામે પ્રગટ કર્યું.
કેટલાક લેખો ખરેખર કલેક્ટર્સ આઇટમ જેવા બન્યા છે. અત્યંત ઝીણી ઝીણી અને રસપ્રચુર માહિતી અનિલે આપી છે. કાશ, બધા લેખો એવા રસભરપુર થયા હોત ! શક્ય છે, જે તે સંગીતકારની સુદીર્ઘ લેખ થાય એટલી માહિતી કદાચ નહીં મળી હોય. આમ છતાં પુસ્તક ખરેખર સરસ બન્યું છે. 1934-35થી શરૂ કરીને લગભગ 1980 સુધીના પ્રતિનિધિરૂપ સંગીતકારોને અહીં આવરી લેવાયાં છે. બહુ સરસ. અનિલને અભિનંદન.
પરંતુ એક મર્યાદા તરફ પણ ધ્યાન ખેંચવું જરૂરી જણાય છે. સંગીતના પુસ્તકનું પ્રૂફ રીડિંગ બને ત્યાં સુધી લેખકે જાતે કરવું જોઇએ. આ પુસ્તકમાં કેટલીક ગંભીર ભૂલો રહી જવા પામી છે. જેમ કે અનિલદા (અનિલ વિશ્વાસને બદલે ) અનિલા (પૃષ્ઠ 22 પહેલી લીટી), હમેં તો લૂટ લિયા મિલ કે હુશ્નવાલોંને... જેવી યાદગાર કવ્વાલી (ફિલ્મ અલ હિલાલ) ના ગાયક અને જગમશહૂર કવ્વાલી ગાયક ઇસ્માઇલ આઝાદનું નામ ઇસ્લામ આઝાદ (પૃષ્ઠ 73, બીજી લીટી) તરીકે પ્રગટ થયું છે. આવી બીજી પણ કેટલીક ભૂલો રહી જવા પામી છે. એની નૈતિક જવાબદારી અનિલની પોતાની છે.
ભવિષ્યમાં અનિલ બાકી રહેલા સંગીતકારોના લેખોનાં સંકલન પ્રગટ કરે ત્યારે વધુ ઉત્તમ પ્રકાશનો ગુજરાતી સંગીતપ્રેમીઓને આપશે એવી આશા રાખું છું અને એને હાર્દિક શુભેચ્છા પાઠવું છું.
-----------
Comments
Post a Comment