ડઝનબંધ ફિલ્મોએ રજત જયંતી ઊજવી હોવાથી અભિનેતા રાજેન્દ્ર કુમાર જ્યુબિલી કુમારના હુલામણા નામે જાણીતો હતો. શંકર જયકિસને રાજેન્દ્ર કુમારની ફિલ્મોેમાં સંગીત પીરસ્યું એની વાત કરતી વખતે આ લેખકે રાજેન્દ્ર કુમારને મધ્યમ કક્ષાનો અભિનેતા ગણાવતાં એના ઘણા ચાહકો નારાજ થયા હતા. એ મુદ્દો યાદ કરીને ફિલ્મ 'આનબાન'ના સંગીતની વાત કરીએ.
મલિક ચંદ કોચરની આ ફિલ્મનું ડાયરેક્શન અમિતાભ બચ્ચનને રાતોરાત એંગ્રી યંગ મેન બનાવનારા પ્રકાશ મહેરાનું હતું. હવે ત્રિરાશિ માંડો. એક તરફ જ્યુબિલી કુમાર જેવો લકી ગણાતો અભિનેતા, બીજી બાજુ પ્રકાશ મહેરા જેવા ડાયરેક્ટર અને ત્રીજી બાજુ સતત હિટ સંગીત આપનારા શંકર (જયકિસન). છતાં આનબાન ચાલી નહીં.
શંકરની ટીકા કરનારા લોકો કહે છે કે અગાઉ પણ કેટલીક ફિલ્મો પીટાઇ ગયેલી જ્યારે શંકર જયકિસનનું સંગીત હિટ નીવડયું હતું. આ દલીલનો જવાબ અગાઉ અહીંથી અપાઇ ગયો છે. હીરોની ઇમેજ, સંજોગો, મેલોડીની વિદાય વગેરે મુદ્દાનું પુનરાવર્તન કરવું નથી એટલે વાત ટાળું છું.
ફિલ્મ આનબાનની કથા સાઉથની ટીઅરજર્કર (મહિલાઓને રડાવે એવી) હતી. પ્રાણ બધી રીતે પૂરો અને રાજેન્દ્ર બધી રીતે સજ્જન. મોટાભાઇને બચાવવા પ્રાણનો ગુનો પોતાની ઉપર લઇને રાજેન્દ્ર કુમાર જેલમાં જાય છે. બહાર આવે ત્યારે મૂળ રાજેન્દ્રની પ્રિયતમા (અભિનેત્રી રાખી) પ્રાણને પરણવાની છે એવો આંચકો.
ફિલ્મમાં છ ગીતો હતાં. હસરત જયપુરી અને ગુલશન બાવરા વચ્ચે આ ગીતો વહેંચાયેલા હતા. નિર્માતા અને નિર્દેશક સાથે સુમેળ હશે એટલે એક ગીતમાં લતાનો કંઠ છે. છમાંનાં ત્રણ ગીતો ખરેખર સરસ બન્યાં છે. એ ત્રણ ગીતોનો આસ્વાદ માણીએ.
પહેલું જ ગીત મુહમ્મદ રફી અને લતાના કંઠમાં છે. રાગ ભૂપાલીની આછીપાતળી છાયા ધરાવતા આ ગીતમાં નાયક-નાયિકાની છેડછાડ અને રોમાન્સ છે. 'તુમ મેરી હો મેરે સિવા કિસી કી નહીં, ખાતી હો કસમ ખાતી હો કસમ ?' ના જવાબ રુપે નાયિકા કહે છે, 'મૈં તેરી હું તેરે સિવા કિસી કી નહીં, ખાતી હું કસમ ખાતી હું કસમ..' વારંવાર સાંભળવી ગમે એવી તર્જ છે. કેટલાક વિદ્વાનો એને પહાડી રાગની ધૂન કહે છે. એવી મલ્લીનાથી આપણે કાયમ ટાળતા આવ્યા છીએ.
બીજું ગીત પણ હસરત જયપુરીની રચના છે. આ ગીતની તર્જમાં જાણકારોને ફિલ્મ આયી મિલન કી બેલાના ગીત 'તુમ્હેં ઔર ક્યા દૂં મૈં દિલ કે સિવા, તુમકો હમારી ઉંમર લગ જાય...'ની ઝલક જોવા મળી શકે. મુહમ્મદ રફીના કંઠે રજૂ થતા એ ગીતના શબ્દો છે 'જબ તુમ હો મેરે હમસફર ખૂબસુરત, તો હૈ જિંદગી કા સફર ખૂબસુરત ...' આ ગીત શંકર જયકિસનના માનીતા ખેમટા તાલમાં છે. ઓરકેસ્ટ્રેશન ખરેખર નોંધનીય છે. ગીતને યાદગાર બનાવવા શંકરે લીધેલી મહેનત દેખાઇ આવે છે.
આ લેખકને સૌથી વધુ ગમેલું ગીત એક મુજરો છે. સામાન્ય રીતે મુજરા કહેરવા તાલમાં હોય છે. અહીં શંકરે છ માત્રાના દાદરા તાલમાં મુજરો રજૂ કર્યો છે. હસરતના શબ્દોને આશા ભોંસલેનો કંઠ સાંપડયો છે. 'બદનામ હો ગયા દિલ, બસ આપ કી બદૌલત, હમને સજાયી મહફિલ બસ આપ કી બદૌલત... ' તર્જમાં રહેલું દર્દ માણવાનું છે.
આ એવી તવાયફ છે જેણે ખલનાયક પ્રાણને પ્રેમ કર્યો છે, એની સાથે પરણવાના ઓરતા સેવે છે. પરંતુ ખલનાયક માટે એ માત્ર ઉપભોગનું સાધન છે. એની સાથે લગ્ન કરવામાં એને રસ નથી. 'આપ કી બદૌલત...' શબ્દો દ્વારા તવાયફે (ગીતકારે) એક પ્રકારનો કટાક્ષ કર્યો છે.
બાકીનાં ત્રણ ગીતોમાં એર લગ્નગીત છે. દિલની પીડા છૂપાવીને મોટાભાઇનાં લગ્નમાં હીરો નાચે છે 'લો, હમ આયે દૂલ્હા ભૈયા કે બરાતી બન કે...'માં ડાન્સ સોંગ હોવાથી પંજાબી ફૉક જેવો લય મજાનો છે. એક ગીત જેલમાં હીરો ગાય છે. 'નામ નહીં કોઇ ધામ નહીં નંબર સે હૈ પહચાન...'માં કેદીઓના મનની ભાવના ગુલશન બાવરાએ રજૂ કરી છે. સાંભળીને ભૂલી જવા જેવી રચના છે. એવીજ એક રચના પ્રેમમાં પડેલા લોકોની શેખચલ્લી જેવી કલ્પના રજૂ કરે છે, 'ઉપર દેખો, નીચે દેખો, યા દેખો દાંયે બાંયે, બસ હમ હી હમ નજર આયે...' છેલ્લાં ત્રણે ગીતો રફીના કંઠમાં છે. ફિલ્મ પીટાઇ ગઇ એટલે ગીતો પણ કાળની ગર્તામાં વિસરાઇ ગયાં. શંકરની મહેનત એળે ગઇ.
Comments
Post a Comment