2021ના પહેલા મંગળવારે વાચકરાજ્જાને કંઇક જુદું આપવું એવા મનોમંથનમાં આ લેખકડો હતો ત્યારે અચાનક એક નાનકડું પોકેટબુક ટાઇપનું પ્રકાશન યાદ આવ્યું. અનેક પ્રાચીન ગ્રંથો, વિદ્વાનો અને પરંપરાના દોહન સમી કેટલીક વિગતો એમાં વાંચવા મળેલી. ઘણીવાર અધ્યાત્મ માર્ગના પથિકને પહેલે પગથિયેજ મૂંઝવણ થતી હોય છે. સાવ સામાન્ય લાગતી વાતનો ઘણીવાર જવાબ સહેલાઇથી મળતો નથી.
દાખલા તરીકે નામ જપ કરવા છે. નામજપ કરવા માટે કેવું આસન લેવું જોઇએ ? નામ જપ કઇ દિશામાં બેસીને કરવું જોઇએ ? નામ જપનો મહિમા શો ? નામ જપ કયા દેવ દેવીના કરવા ? સસ્વર એટલે કે મોેટેથી બોલીને કરવા, હોઠ ફફડાવીને કરવા કે મનમાં કરવા ? જપમાળામાં ૧૦૮ મણકા કેમ ? કઇ આંગળીથી માળાના મણકા ફેરવવા ? જપમાળા કેવા દોરાથી ઘડેલી હોવી જોઇએ ? ઘણાની એવી પણ ફરિયાદ હોય છે કે નામ જપ કરતી વખતે મન હજારો વિચારો કરવા માંડે છે પરિણામે નામ જપ તૂટી જાય છે.
મંદિરમાં જતા હો તો ક્યારેક એવી જિજ્ઞાાસા પણ જાગે કે મંદિરમાં પૂજાતા દેવદેવીની કેટલી પ્રદક્ષિણા કરવી ? પ્રદક્ષિણા ડાબી બાજુથી થાય કે જમણી બાજુથી થાય ? વાણીના પ્રકાર કેટલા અને કઇ વાણી ક્યાંથી પ્રગટે છે ? આવા સવાલોના જવાબો અધ્યાત્મ માર્ગના પ્રવાસી ન હોય એવા લોકોને પણ રસ પડે એવા હોય છે. ખાસ કરીને આજે અંગ્રેજી માધ્યમમાં ભણતા ટીનેજર્સને આવી જાણકારી માર્ગદર્શક નીવડી શકે.
અંગ્રેજી માધ્યમમાં ભણતા મોટા ભાગના ટીનેજર્સ ભગવાન રામને 'રામા' કહે છે. એમને કોણ સમજાવે કે મુંબઇ મહારાષ્ટ્રમાં ઘરનોકરને રામા કહે છે. કર્મકાંડી બ્રાહ્મણને મહારાજ કહે છે એમ કેટલાક જ્ઞાાતિસમાજોમાં રસોઇયાને પણ મહારાજ કહે છે.
શાસ્ત્રો પુરાણો તરીકે ઓળખાતા આપણા પ્રાચીન ગ્રંથોમાં કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગો વારંવાર આવતા હોય છે. જેમ કે હનુમાન ચાલીસામાં 'અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસ બર દીન જાનકી માતા...' એવી પંક્તિ છે.
આજના ટીનેજરને સવાલ થાય કે આ અષ્ટસિદ્ધિ નવ નિધિ શું છે ભૈ ? બત્રીસ લક્ષણો માનવી એટલે શું ? આવી જાતજાતની જિજ્ઞાસા માણસને થતી રહે છે. દરેક પ્રશ્ન જુદી જુદી વિદ્યાશાખાનો હોય. આજના ઇન્ટરનેટ યુગમાં આમેય માણસનું વાંચન ઘટી ગયું છે. ત્યાં આવી હજારો વરસની જૂની વાતોના પ્રમાણ ક્યાં શોધવા બેસે? એવા જિજ્ઞાસુઓને ખપ પડે એનીં એક પોકેટ બુક ગુજરાતી ભાષામાં પણ છે. એનું નામ 'લેખોપનિષદ' છે. આવું ભારેખમ નામ હોવાથી પહેલી નજરે માણસ એ પુસ્તકને હાથમાં ન પણ લ્યે.
એકવાર હાથમાં લે અને વાંચવાનું શરુ કરે પછી જલદી હેઠે મુકવાનું મન ન થાય. મોટા ભાગના વર્ણ્યવિષયો ચચ્ચાર પાંચ પાંચ લીટીમાં સમજાવાયા છે. કેટલાક વિષયો જો કે થોડા લંબાણથી પણ નિરુપાયા છે. એકદમ સરળ ગુજરાતી ભાષા હોવાથી ખપ પૂરતું અક્ષરજ્ઞાન ધરાવતી એટલે કે બે ત્રણ ધોરણ ભણેલી વ્યક્તિ પણ સમજી શકે એવી રજૂ આત છે. રેખા દવે નામના બહેને એ તૈયાર કરવા પાછળ લીધેલો પરિશ્રમ અભ્યાસીઓના ધ્યાનમાં તરત આવશે.
સાહિત્ય જગતમાં ભલે આ નામ બહુ મોટ્ટું નથી. ઢગલાબંધ ગ્રંથો જોવાના, વિદ્વાનો સાથે વાત કરવાની અને પછી એમાંથી માખણ તારવીને એને પાછું અત્યંત લાઘવથી (ચાર પાંચ સાત લીટીમાં) રજૂ કરવાનું. આ કામ આપણે ધારીએ એટલું સહેલું નથી.
આજે ઘણી લાયબ્રેરીમાં પણ કેટલાંક પ્રાચીન ગ્રંથો સહેલાઇથી ઉપલબ્ધ નથી. હોય ત્યાં જીર્ણશીર્ણ સ્થિતિમાં હોય. સૈકાઓથી વપરાતા કેટલાક શબ્દો ઘસાઇ ઘસાઇને કાયાપલટ કરી ચૂક્યા હોય. એ બધાંમાંથી આમ આદમીને ઉપયોગી નીવડે એવું કાઢી લેવું એ ખરેખર મહેનતનું કામ છે.
સરસ કામ થયું છે. વ્યાવસાયિક કર્મકાંડી લોકોને આ પુસ્તક ઉપયોગી ન પણ થાય. માત્ર જિજ્ઞાસા પૂરતું અને તેય પ્રાથમિક જાણકારી આપતું પુસ્તક છે. રસ હોય એ વાંચે. રસ ન હોય એ જતું કરે. નવા વર્ષના પહેલા મંગળવારે આજે આટલું બસ.
Comments
Excellent article.where can I get this book?
ReplyDelete