બોલો, કેવી હેટ્ટ્રીક- એક જ ફિલ્મમાં એક જ રાગના ત્રણ ગીતો, ત્રણેનો ઠાઠ અને ઠસ્સો નિરાળા.....!




ફિલ્મ સંગીતના શહેનશાહ ગણાયેલા શંકર જયકિસને રાગ આધારિત રચેલાં વિશિષ્ટ  ગીતોનો આસ્વાદ આપણે માણી રહ્યાં છીએ. અનાયાસે આ બંનેની એક એવી ખૂબી કલ્પનાચક્ષુ સમક્ષ આવી ઊભી કે આફરીન થઇ જવાયું. ક્યા બાત હૈ... આમ તો પોતાની પહેલીજ ફિલ્મ બરસાતથી આ બંનેએ વિવિધ રાગનો જાદુ બિછાવવા માંડેલો. આપણે સૌ જાણીએ છીએ કે બરસાતમાં અરધો ડઝનથી વધુ ગીતો માત્ર ભૈરવીમાં હતાં. એવું બીજી કેટલીક ફિલ્મોમાં પણ બનેલું. આજે જે રાગની વાત કરવી છે એ થોડા જુદા પ્રકારનો છે.


ભારતીય શાસ્ત્રોક્ત સંગીતમાં કેટલાક રાગ એવા છે જેના પર બડા ખયાલ ગવાતા નથી. એવા રાગો ઉપશાસ્ત્રીય પણ ગણાય છે. એમાં ઠુમરી, દાદરા, ચૈતી, હોરી, ગઝલ વગેરે ગવાય. ઉપશાસ્ત્રીય રાગોનો એવો એક બેતાજ બાદશાહ એટલે રાગ પીલુ. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનની ‘કટે ના બિરહા કી રૈન’ જેવી ઠુમરીઓ પ્રસિદ્ધ છે. એકાદ બે ઉસ્તાદ બાદ કરતાં લગભગ દરેક ઘરાનાના દરેક ઉસ્તાદે-ગવૈયાએ ઠુમરીઓ ગાઇ છે.







શંકર જયકિસન આવ્યા એ પહેલાં અને એ પછી પણ ફિલ્મ સંગીતકારોએ પીલુ રાગ મન ભરીને અજમાવ્યો હતો. અઢળક ગીતો મળે આ રાગમાં. આપણે પણ અગાઉ  ફિલ્મ બસંત બહારની વાત કરતી વખતે બે ગીતોની વાત કરેલી. ‘સૂર ના સજે, ક્યા ગાઉં મૈં...’ અને ‘બડી દેર ભયી, કબ લોગે ખબર મોરે રામ...’


હવે આવો, આપણે ફિલ્મ નઇ દિલ્હીનાં ગીતોની વાત કરીએ. મોહન સહગલ નિર્દેશિત આ એક સરસ કોમેડી ફિલ્મ હતી. કિશોર કુમાર અને વૈજયંતી માલાએ મુખ્ય રોલ કર્યો હતો. હવે રાગ પીલુ આધારિત ત્રણ ગીતોની વાત. ત્રણમાંનાં બે ગીતો શૈલેન્દ્રનાં છે અને એક ગીત હસરતનું છે. શૈલેન્દ્રે સાદા સરળ શબ્દોમાં ફિલસૂફી આધારિત એવાં ઘણાં ગીતો આપ્યાં છે જે હૈયા સોંસરવા ઊતરી જાય. એજ શૈલેન્દ્રે અહીં બે જબરદસ્ત રોમાન્ટિક ગીત આપ્યાં છે. બંને રાગ પીલુમાં છે. પરંતુ બંનેની તર્જ અને લયમાં આસમાન જમીન જેટલો ફરક છે.



બંને ગીતો કિશોર કુમારના કંઠમાં છે. પહેલું ગીત ‘મિલતે હી નજર, આપ મેરે દિલ મેં આ ગયે, અફસોસ હૈ કિ આપ ભી મુશ્કિલ મેં આ ગયે...’ કહેરવા તાલમાં છે. એની તર્જમાં રોમાન્સરંગી અસર છે. પરદા પર અને ઓડિયો કેસેટ કે ડીસ્કમાં પણ એ માણી શકાય. બીજું ગીત પણ કિશોર કુમારે ગાયું છે. આ ગીત તદ્દન અલગ રીતે રજૂ થાય છે. કિશોર કુમારે પોતાના કંઠની ખૂબીઓ આ ગીતમાં દિલથી ઠાંસી દીધી છે.  એ ગીત છે, ‘નખરેવાલી...’ 


મુખડાને જે રીતે કિશોર લાડ લડાવે છે એમાં નખરેવાલી શબ્દો જીવંત થઇ જતાં જણાય છે. ‘ નખરેવાલી.., દેખને મેં દેખ લો, યે કૈસી ભોલી ભાલી, અજનબી યે છોરિયાં, દિલ પે ડારે દોરિયાં, મન કી કાલી...’ 1950ના દાયકામાં રૉક એેન રૉલ ટાઇપનાં જે ગીતો બનતાં એવી આ પાશ્ચાત્ય લાગતી ધૂન રાગ પીલુમાં છે એ કેવી વિસ્મયપ્રેરક વાત છે.


ઔર એક ગીત પણ રાગ પીલુમાં છે. એને ભજન કહી શકાય અથવા ગોપીઓ દ્વારા કૃષ્ણની મોરલી સામે કરાયેલી ફરિયાદ સમાન ગણી શકાય. એના શબ્દો હસરતના છે. જયકિસને બાળપણમાં વાંસદા ગામમાં સાંભળેલા એક લોકગીત પરથી આ ધૂની બનાવી હોવાનું કહેવાય છે. ‘મુરલી બૈરન ભયી રે કન્હૈયા તોરી મુરલી બૈરન ભયી, બાવરી મૈં બન ગયી રે કન્હૈયા તોરી મુરલી બૈરન ભયી..’ 


શંકર જયકિસનની સર્જન કલાની આ શક્તિ નિહાળો. ત્રણ ત્રણ ગીતો એક રાગમાં ત્રણેનાં ઠાઠ-ઠસ્સો અને અદા અલગ. એક ભજન, એક સુગમ ગીત કહેવાય એવું અને એક પાશ્ચાત્ય ઢબનું. પાશ્ચાત્ય શૈલીના ગીતમાં વિદેશી વાદ્યો પર ઝીં ચક ઝીં ચક જેવો છ માત્રાનો દાદરા તાલ માણી શકાય છે.


Comments