બબ્બે માતાનો પ્રેમ મેળવનારા બાળ-કૃષ્ણ જેવો મધુર રાગ જયજયવંતી પણ સરસ રીતે જમાવ્યો


 


ભારતીય સંગીતની જે કેટલીક ખૂબી છે એમાં એક ખૂબી એવી છે કે કોઇ એક રાગ અન્ય બે રાગના અંગથી ગાઇ શકાય. સંગીત વિષયક પ્રાચીન ગ્રંથોમાં જણાવાયા મુજબ રાગ જયજયવંતી (મરાઠી અને હિન્દીમાં જૈજૈવંતી લખે છે) રાગ દેશ અને રાગ બાગેશ્રી એમ બે અંગથી ગાઇ શકાય. 


શીખોના સર્વોચ્ચ ધર્મગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’માં જણાવાયા મુજબ રાગ જયજયવંતી રાગ બિલાવલ અને રાગ સોરઠના મિશ્રણથી બન્યો છે. ગજબનો મધુર રાગ છે. ફિલ્મ સંગીતમાં પણ આ રાગે સંગીતકારોને અને બેશક, આપણા જેવા સંગીતરસિકોને ઘેલાં કર્યાં છે. બે ગ (ગંધાર) અને બે ની (નિષાદઃ ધરાવતા આ રાગનું સૌંદર્ય  નીસાધનીરેસા... સ્વરસમૂહથી પ્રગટ થાય છે.

 

અન્ય સંગીતકારોની જેમ આપણા લાડકા શંકર જયકિસને પણ આ રાગ જમાવ્યો હતો. જો કે બહુ બધાં ગીતો નથી આપ્યાં પણ જે બે ત્રણ ગીત આપ્યાં છે એ માધુર્યથી છલોછલ છે. સંગીતકાર મદન મોહને ફિલ્મ દેખ કબીરા રોયામાં ‘બૈરન હો ગઇ રૈના.., નૌશાદે ફિલ્મ મુઘલે આઝમમાં ‘જબ રાત હૈ ઐસી મતવાલી...’ અને ફિલ્મ સન ઑફ ઇન્ડિયાના ‘જિંદગી આજ મેરે નામ સે શરમાતી હૈ...’ ઉપરાંત બીજાં કેટલાંક ગીતોમાં પણ જયજયવંતી અજમાવ્યો હતો. આજે શંકર જયકિસને અજમાવેલા જયજયવંતીની વાત કરીને હવે આપણે ટ્રેક બદલાવવાના છીએ.  




આમ તો આ રાગ પર આધારિત પહેલા ગીતનો ઉલ્લેખ આપણે અગાઉ કર્યો હતો. ફિલ્મ ‘સીમા’માં લતાજીએ ગાયેલું અને અનેરી હરકતોથી ભરપુર ગીત એટલે ‘મનમોહના બડે જૂઠે, હાર કે હાર નહીં માને...’ 


એક તરફ રઇસ ખાનની સિતાર, લતાજીએ પ્રસ્તુત કરેલી મુરકીઓ અને તાનવર્ષા, બીજી બાજુ બાર માત્રાના એકતાલમાં અબ્દુલ કરીમનાં તબલાં અને ત્રીજી બાજુ સંગીતનો ઊંડેા અભ્યાસ હોવાથી ગીતના પ્રત્યેક સ્વરને પકડીને જીવંત અભિનય કરતી નૂતન. 



આ ગીત ખરા અર્થમાં અનેરું બન્યું. સીમાનું ગીત ભગવાન કૃષ્ણને કેન્દ્રમાં રાખીને શૈલેન્દ્રની રચના હતી. જો કે એ ઇશ્ક-એ-મજાજી એટલે કે સંસારી પ્રિયતમને પણ લાગુ પડે એવું હતું.



સીમા (1955) પછી છેક 1972માં જયકિસનની ગેરહયાતીમાં શંકરે ફિલ્મ લાલ પથ્થરમાં આ રાગ અજમાવ્યો. ગીતકાર નીરજે આ ગીતના શબ્દો રચ્યા અને અભિનેત્રી રાખી પર ફિલ્માવાયેલા ગીતને પણ લતાજીનો કંઠ સાંપડ્યો છે. આ રચના શુદ્ધ સંસારી પ્રેમની, કહો કે વિરહ વેદનાની રચના છે.



‘સૂની સૂની સાંસ કી સિતાર પર, ભીગે ભીગે આંસુંઓ કે તાર પર, એક ગીત સુન રહી હૈ જિંદગી, એક ગીત ગા રહી હૈ જિંદગી...’  અહીં કવિ કલ્પનાની પરાકાષ્ઠા છે. સાંસ કી સિતાર અને આંસુંઓ કે તાર... કેવી દિવ્ય કલ્પના છે ! જયકિસનની સતત યાદ તાજી કરાવે એવી આ સ્વરગૂંથણી શંકરે સર્જી છે. આ ગીત પણ એની રીતે યાદગાર બન્યું.



માત્ર બે ગીતો. બંનેની છટા અને કલ્પનાવિહાર નોખનોખાં. છતાં રાગના સૌંદર્ય અને માધુર્યને અકબંધ રાખીને જે સૂરાવલિ આ સંગીતકારોએ રચી એ બેશક કાબિલ-એ-દાદ રહી. આવતા સપ્તાહથી વાતનો ટ્રેક બદલાશે. થોડીક જુદી પણ મહત્ત્વની ચર્ચા કરવાની છે.


Comments