અશોકદાદા જગતાપ સંગીતકાર પ્યારેલાલ શર્મા અને અન્યો સાથે
-----------------------------------------------------------------------------------------------------------------------------
આવારા ફિલ્મના ડ્રીમ સોંગના રેકોર્ડિંગ વખતે લયવાદ્યથી સંતોષ નહીં થતાં રાજ કપૂરે પોતાના બાંસુરીવાદક સુમંત રાજને દોડાવીને લાલા ગંગાવણેને તેડાવ્યા. ફિલ્મ સીમાના એક ગીતમાં જગવિખ્યાત કલાકાર ઉસ્તાદ અલી અકબર ખાને સરોદ વગાડી, અમુક ગીતમાં પન્નાલાલ ઘોષે બાંસુરી છેડી તો અમુક ગીતમાં વી બલસારાએે હાર્મોનિયમ પર કમાલ સર્જી, અમુક ગીતમાં ઉસ્તાદ રઇસ ખાને સિતાર રણઝણાવી તો અમુક ગીતમાં ખુદ સંગીતકાર શંકરે એકોર્ડિયન પર એક પીસ વગાડી બતાવ્યો જે ગુડી સિરવાઇએ વગાડવાનો હતો.
આ સંભારણાં શંકર જયકિસનની સંગીત કારકિર્દીના છે. એવાં સંભારણાં બીજા સંગીતકારો અને તેમના સાજિંદાના પણ છે. જેમ કે ફિલ્મ કોહિનૂરના ગીત મધુબન મેં રાધિકા નાચે રે.. માટે ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફરખાને સિતાર વગાડેલી. ફિલ્મ મેરી સૂરત તેરી આંખેંના નાચે મન મોરા મગન ધીક્તા ધીગી ઘીદી માટે બનારસ ઘરાનાના પંડિત સામતા પ્રસાદે તબલાં વગાડેલા, ફિલ્મ જબ જબ ફૂલ ખિલેના ટાઇટલ ગીતમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ બાંસુરી છેડી હતી વગેરે.
આવા પ્રસંગો વિશે વિવિધ અખબારો અને ફિલ્મ સામયિકોમાં અવારનવાર લખાતું રહ્યું છે. એમાં સચ્ચાઇ પણ હોય અને ગોસિપ પણ હોય. ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં વિવિધ વાજિંત્રો વગાડનારા વાદ્યકારોનું એક એસોસિયેશન હતું- સિને મ્યુઝિશિયન્સ એસોસિયેશન. (સીએમએ). ધુરંધર વાદ્યકારો એસોસિયેશનમાં જોડાવા ઇચ્છતા યુવાન વાદ્યકારોની કસોટી કરતા.
વાદ્યકારોની પોતાના સાજ પરની પ્રભુતાના આધારે ગ્રેડ નક્કી થતા. એ ગ્રેડના આધારે રેકોર્ડિંગમાં તેમને મહેનતાણું મળતું. સુવર્ણયુગમાં દરેક સાજિંદા પાસે એટલું બધું કામ રહેતું કે કેટલીકવાર બબ્બે ત્રણ ત્રણ શિફ્ટમાં કામ કરતા. કેટલાક વાદ્યકારોની એક કરતાં વધુ પેઢી ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં કામ કરી ગઇ. જેમ કે પારસી લોર્ડ પરિવાર.
સિને મ્યુઝિશ્યન એસોશિયેશનના ચેરમેન રહી ચૂકેલા સિનિયર વાયોલિન વાદક અશોક જગતાપે ‘ગોલ્ડન એરા ઑફ હિન્દી ફિલ્મ મ્યુઝિક’ નામે એક નાનકડું સંકલન પ્રગટ કરેલું. ફિલ્મ સંગીતના કેટલાક યાદગાર પ્રસંગોની વાતો એમાં વણી લીધી. અંગ્રેજીમાં જેને ડાયરેક્ટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ કહે છે એમ આ તો વાદ્યકાર તરીકેના તેમના જાત-અનુભવેા છે.
પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થવાની તૈયારીમાં છે. સરળ અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકનું ગુજરાતીકરણ પણ તૈયાર થઇ રહ્યું છે. પરાકાષ્ઠા તરફ જઇ રહેલી શંકર જયકિસનની સિરિઝમાં આજે જગતાપદાદા વિશે વાત કરવા એક ટચૂકડો બ્રેક.
પચાસ પંચાવન વર્ષ પહેલાંની વાત. મૂળ વડોદરાના અશોક ગજતાપને એક મિત્ર શંકર જયકિસનના બાંસુરીવાદક સુમંત રાજ પાસે લઇ ગયેલો. સુમંતદાએ અશોકનું વાયોલિનવાદન સાંભળીને કહ્યું બડૌદા મેં તુમ ક્યા કરતા હૈ, ઇધર આ જાઓ. ફિલ્મ સંગીતમાં જોડાવાની ઇચ્છા તો અશોકદાદાની હતીજ. બે ચાર જોડી કપડાં અને વાયોલિન લઇને એ મુંબઇ પહોંચ્યા. ફિલ્મ સંગીત સાથે જોડાયા.
લગભગ બધા સંગીતકારો સાથે તેમણે વાયોલિન વગાડ્યું. અત્યારે આવરદાના દસમા દાયકામાં વડોદરામાં નિવૃત્તિની મોજ માણી રહ્યા છે. કેટલાક મિત્રોના સૂચનથી તેમણે આ સંભારણાંનું નાનકડું સંકલન પ્રગટ કર્યું. એમાં પાર્શ્વગાયક મૂકેશ, મુહમ્મદ રફી, આશા ભોસલે, કિશોર કુમાર વગેરે ઉપરાંત નામી-અનામી સાજિંદાઓની વાતો યાદ કરી છે. ગિટાર ગેંગ, ઢોલક ગેંગ એવા રમૂજી મથાળાં સાથે અને તદ્દન સરળ અંગ્રેજીમાં આ પ્રસંગો સંગીત રસિકોને ગમે એવાં છે. ક્યાંય પ્રથમ પુરુષ એકવચન ‘હું’ વચ્ચે આવતો નથી એ આ પુસ્તકની સૌથી મોટી ખૂબી છે.
સાજિંદાથી કારકિર્દી શરૂ કરીને સ્વતંત્ર સંગીતકાર બની ગયેલા (કલ્યાણજી) આનંદજી અને (લક્ષ્મીકાંત ) પ્યારેલાલે પુસ્તિકાને આશીર્વચન લખી આપ્યા છે. વાસ્તવમાં અશોકદાદા પાસે આવાં બીજાં અનેક એનેક્ડોટસનો ખજાનો છે. કોઇ અભ્યાસીએ એ ખજાનો સંગીત રસિકો માટે ખોલવાની અને પ્રગટ કરવાની જરૂર છે.
...
Comments
Post a Comment