ઠીક ઠીક આધુનિક ગણાતા રાગમાં આપેલાં ગીતો- શંકર જયકિસન સતત પ્રયોગશીલ અને સફળ રહ્યા

 



ભારતીય સંગીતની પરિષદોમાં મોટા ભાગે મહેફિલના ગણાતા પરંતુ પ્રાચીન રાગ વધુ ગવાતા રહ્યા છે. કેટલાક ગવૈયા તો અપ્રચલિત રાગ ગાવામાં ગૌરવ અનુભવતા. ઓડિયન્સમાં બેઠેલા રસિકો પોતે કયો રાગ ગાય છે એ વિચારતા રહે એમાં આવા ગાયકોને મજા પડતી. 

બીજી બાજુ કેટલાક રાગ આધુનિક કહેવાય એવા છે. એવો એક રાગ છે. મારુ બિહાગ. છેલ્લાં સો દોઢસો વર્ષથી એ પ્રચારમાં આવ્યો મનાય છે. એેક તરફ એ રાગ બિહાગનો એક પ્રકાર ગણાય છે પરંતુ કુશળ ગાયક એમાં બિહાગની સાથોસાથ રાગ નંદનો પણ આભાસ કરાવી શકે. અત્યંત મીઠ્ઠો રાગ છે. બિહાગની તુલનાએ એમાં તીવ્ર મધ્યમનું મહત્ત્વ વધુ છે.

શંકર જયકિસને પ્રાચીન રાગોની સાથોસાથ આવા આધુનિક ગણાતા રાગ પણ પોતાના સંગીતમાં અજમાવ્યા છે. એમના એ પ્રયોગો જબરદસ્ત સફળ રહ્યા છે. આ મારુ બિહાગની જ વાત લો. સમગ્ર કારકિર્દીમાં શંકર જયકિસને આ રાગમાં પણ બે ત્રણ ગીતો આપ્યાં. સંખ્યા ભલે ઓછી હોય, ગીતોમાં મધુરતા ભારોભાર છે. છતાં શાસ્ત્રીય ગીત હોય એવો ભાર જરાય વર્તાતો નથી.

છેક 1950-60માં શંકર જયકિસને આ રાગ અજમાવ્યો હતો. સૌથી વધુ રસપ્રદ વાત તો એ કે શાસ્ત્રીય ગીતો ગાવા માટે પંકાયેલા મન્ના ડે કે મુહમ્મદ રફી પાસે આ ગીત ગવડાવ્યું હોત તો સમજી શકાત. પરંતુ આ પ્રકારનાં ગીતો માટે ટીકાકારો જેને રફી અને મન્ના ડે કરતાં ઊતરતા ગણે છે એવા મૂકેશના કંઠે ગવડાવીને આ બંનેએ કમાલ કરી નાખી. ફિલ્મ હતી એક ફૂલ ચાર કાંટે. એમાં મૂકેશે પૂરેપૂરી સમર્પિતતાથી અથવા કહો કે દિલથી આ ગીતની જમાવટ કરી છે. રાગનું સ્વરૂપ અદ્ભુત રીતે ખીલવા ઉપરાંત ગીતમાં રહેલી તાજગી તમને સ્પર્શી જાય છે. 

યાદ આવ્યું ને એ ગીત ? ‘મતવાલી નાર ઠુમક ઠુમક ચલી જાય, ઇન કદમોં પે કિસ કા જિયા ન લહેરાય...’ નાયિકાના વર્ણનમાં જરાય છીછું ન લાગે એ રીતે શૈલેન્દ્રે એનું શબ્દચિત્ર ખડું કર્યું છે. પહેલા અંતરામાં કહે છે, ‘ફૂલ બદન મુખડા યું દમકે જ્યૂં બાદલ મેં બિજલી ચમકે, ગીત સુનાયે તૂ છમ છમ કે, લલચાયે, છૂપ જાયે, આય હાય, મતવાલી....’ 


બીજા અંતરામાં ‘યે ચંચલ કજરારી આંખેં, યે ચિત્તચોર શિકારી આંખેં, ગયી દિલ ચીર કટારી આંખેં,  મુસકાયે, શરમાયે, ઝુક જાયે, મતવાલી નાર ઠુમક...’ આખું ગીત આંખ બંધ કરીને સાંભળો તોય કલ્પનાચક્ષુ સમક્ષ એક સુંદર યુવતીનું વ્યક્તિત્વ તમારી સમક્ષ ખડું થઇ જાય. 

છેલ્લા અંતરામાં નાયક એને પોતાની સાથે તન્મય થઇ જવાનું આમંત્રણ આપે છે. શબ્દોમાં ભારોભાર સંયમ છે છતાં ચિત્ર ઊપસે છે. શબ્દે શબ્દે મધુરતા છલકે છે. આ છે રાગ મારુ બિહાગની વિશિષ્ટતા. તર્જ સરળ છે અને સાદાસીધા કહેરવા તાલમાં વહે જાય છે. તમે પણ મૂકેશની સાથે નાયિકાના સૌંદર્યમાં સરકતા જાઓ છો. આ ગીત મૂકેશ માટેજ રચાયું હોય એવું લાગ્યા વિના રહેતું નથી. રાગ મારુ બિહાગમાં એક ગીત ફિલ્મ સૂરજમાં પણ છે. એની વાત ફરી ક્યારેક. 


Comments