આ ગીતના સંગીતમાં શંકર અને જયકિસન બંનેએ પોતાના કસબની પૂરી સર્જકતા ઠાલવી દીધી હોય એવું કહી શકાય. જયકિસને તર્જ બનાવી. સોનામાં સુગંધ ભળે એ રીતે શંકરજીએ આ તર્જનું ઓરકેસ્ટ્રેશન કર્યું એ શ્રેષ્ટ ટીમવર્કનો ઉત્તમ નમૂનો છે. રાધુએ ફિલ્માંકન પણ બહુ સરસ રીતે કર્યું છે. પહેલાં ગીતની વાત.
માત્ર બે અંતરા છે. શૈલેન્દ્રે જે કમાલ સર્જી છે એ સમજવા જેવી છે. શલ્યાની અહલ્યા બની એ પ્રસંગનો એક કલ્પન તરીકે ઉપયોગ કરતી વખતે તેમણે મૈંના સ્થાને હમ શબ્દ વાપર્યો છે. બન કે પથ્થર મૈં પડી થી શબ્દો લીધા હોત તો રાજુ ભગવાન રામ જેવો ગણાઇ ગયો હોત. કદાચ વિવાદ પણ સર્જાયો હોત. શૈલેન્દ્રે બહુ નજાકતથી શબ્દો વાપર્યા છે. ‘બન કે પથ્થર હમ પડે થે સૂની સૂની રાહ મેં...’ તમે દ્રશ્યને યાદ કરો.
ભૂત રડે ભેંકાર જેવી ઊંચી ઊંચી પહાડીઓ અને બે પહાડની વચ્ચેથી વહી રહેલી નદીનો ધસમસતો પ્રવાહ... ખરા અર્થમાં સૂની સૂની રાહ અનુભવાય છે. બહુ સહજતાથી વાત આગળ વધારતાં શૈલેન્દ્ર લખે છે, ‘બન કે પથ્થર હમ પડે થે સૂની સૂની રાહ મેં, જી ઊઠે હમ જબ સે તેરી બાંહ આયી બાંહ મેં...’ તેં તો પથ્થરમાં પ્રાણ પૂર્યા. કલ્પાંત કે રુદનના સ્થાને કવિ કહે છે, છીન કર નૈનોં સે કાજલ, ના જા રે ના જા... આંસુ વહેવાથી કાજળ ધોવાઇ જાય એની કલ્પના કેવી અદ્ભુત છે !
બીજા અંતરામાં કહ્યું, યાદ કર તૂને કહા થા પ્યાર હી સંસાર હૈ, હમ જો હારે દિલ કી બાજી, યે તેરી હી હાર હૈ, સુન લે ક્યા કહતી હૈ પાયલ ના જા રે ના જા.... શબ્દોની તાકાત અનુભવવા જેવી છે. મારા પ્રેમની હારમાં તારી હાર છે. વાહ્ શૈલેન્દ્ર વાહ્. અને છેલ્લી પંક્તિ પૂરી થતાં કમ્મોના રૌદ્ર નૃત્યનો આરંભ થાય છે. એની પરાકાષ્ઠા રૂપે રાજુ પાછો આવે છે અને વિરહનાં આંસુ હરખનાં આંસુ બની રહે છે.
કોઇ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે રાજ કપૂરની અન્ય ફિલ્મોના સંગીતની તુલનાએ આ ફિલ્મના સંગીતમાં રાજ કપૂરનો હાથ ઓછો વર્તાય છે. અથવા એમ કહો કે આ ફિલ્મમાં રાજ કપૂર કદાચ- યસ, કદાચ સંગીતથી અળગો રહ્યો.
એનું કારણ કદાચ એ પણ હોઇ શકે કે આ ફિલ્મનો કથાસાર રાજ કપૂરે પહેલીવાર કહી સંભળાવ્યો ત્યારે શંકરજી થોડી નારાજીના સૂરથી બોલી ઊઠેલા કે આ ડાકુકથામાં સંગીતનો સ્કોપ કેટલો ?
રાજ કપૂરે આ બંનેને પાનો ચડાવવા એવી રમૂજ કરેલી કે રોમાન્ટિક કે સોશ્યલ પ્લોટ ધરાવતી ફિલ્મોમાં તો સહેલાઇથી સંગીત આપી શકાય. ખરો પડકાર તો આવી ઓફ્ફબીટ ટાઇપની કથા ધરાવતી ફિલ્મમાં સંગીત આપવાનો હોય છે. એ રમૂજને ચેલેંજ ગણીને આ બંનેએ જે કામ કરી બતાવ્યું એનો એક ઉત્તમ નમૂનો એટલે આ ગીત.
આ ગીતની તર્જમાં વેરાન ખડકાળ વિસ્તાર, બોઝિલ હવા, વિરહિણી નાયિકાના હૈયાનું આક્રંદ અને નાયક-નાયિકા વચ્ચેના આ સાંગીતિક સંવાદ વચ્ચે કરડી નજરે નિહાળી રહેલો રાકા (પ્રાણ). ગીત અને રૌદ્ર નૃત્ય પૂરું થતાં રાકા કમ્મોના પિતા અને ડાકુ ટોળીના સરદારને લઇ આવીને હાથ લાંબો કરીને સૂચવે છે, જોઇ લો તમારી દીકરીને...
આ તમામ ભાવવિશ્વને શંકર જયકિસને જે રીતે પોતાના સ્વરનિયોજન દ્વારા પ્રસ્તુત કર્યું છે એ નાનીસૂની સિદ્ધિ નથી. શશી કપૂરે એક મુલાકાતમાં કહ્યું હતું રાજજી યહ ગાને સે બહુત ખુશ થે... એક તો ઓછો વપરાતો અને અઘરો ગણાતો રાગ. પદ્મિની જેવી નૃત્યાંગના, ગીત માટે પસંદ કરાયેલો સિનારિયો અને કથાના પ્રવાહને ઉપકારક થઇ પડે એ રીતે રજૂ કરવાની જરૂરિયાત- બધી દ્રષ્ટિએ આ ગીત સર્વાંગ સુંદર બન્યું હતું એવું રાજ કપૂરને લાગેલું એમ શશી કપૂરે કહ્યું હતું.
બરસાતથી શરૂ થયેલી સ્વરયાત્રામાં એક દાયકા પછી શંકર જયકિસન કેટલી હદે પરિપક્વ (મેચ્યોર ) થઇ ચૂક્યા હતા એનો પુરાવો આ અને આવાં બીજાં થોડાંક ગીતો છે. હજુ એકાદ એપિસોડમાં જિસ દેશ મેં ગંગા બહતી હૈનાં ગીતોનો આસ્વાદ કરીશું.
Comments
Post a Comment