ફિલ્મ સંગીતના સુવર્ણયુગના પ્રણેતા અને શહેનશાહ એવા શંકર જયકિસનની ઔર એક વિશેષતા પણ માણવા જેવી રહી. તદ્દન જુદી કથા, જુદાં લોકેશન, જુદા અદાકારો, જુદા ડાયરેક્ટર રહેતા. પરંતુ ગીતને સ્વરબદ્ધ કરતી વખતે અગાઉ વપરાઇ ગયેલો કોઇ રાગ ફરી અજમાવાય ત્યારે આ બંને એ વાતની પૂરતી તકેદારી રાખતા કે વૈવિધ્ય જળવાઇ રહે. એ વૈવિધ્ય સૂરાવલિ અને લય બંને દ્રષ્ટિએ અલગ રાખવાનો એમનો આગ્રહ રહેતો. આજે એવાં થોડાં ગીતોની ઝલક માણીએ.
કેટલાંક ગીતોનો ઉલ્લેખ અગાઉ આવી ગયો હોવાથી કદાચ થોડું પુનરાવર્તન થતું લાગશે. પરંતુ એની પાછળનો ઉદ્દેશ આરંભે કહ્યું એમ એક રાગમાં અનેકતા લાવવાનો તેમનો પ્રયત્ન દર્શાવવાનો છે. રાગ ભૂપાલીથી વાતનો આરંભ કરીએ.
સૌથી પહેલીવાર શંકર જયકિસને આ રાગ અજમાવ્યો 1955-56માં ફિલ્મ ચોરી ચોરીમાં. અહીંથી શરૂ કરીને છેક 1968ની ફિલ્મ દિવાના સુધી આ રાગને વિવિધ રીતે અજમાવતા રહ્યા. દરેક ગીતને તમે ગણગણી જુઓ. આપોઆપ સમજાઇ જશે કે કેવું અદ્ભુત વૈવિધ્ય સર્જાયું છે.
ફિલ્મ ચોરી ચોરીમાં લતાજીના કંઠે રજૂ થયેલું ગીત પંછી બનું ઊડતી ફિરું મસ્ત ગગન મેં...માં આપખુદ પિતાની ભીંસમાંથી અનેરી મુક્તિ-આઝાદી અનુભવતી યુવતીની મનોદશા રજૂ થઇ. ખેમટા તાલમાં રજૂ થયેલાં આ ગીતમાં વહેલી સવારની ઝાકળ જેવી તાજગી અનુભવી શકાય છે.
તો છેક છેલ્લા એટલે કે 1968ની ફિલ્મ દિવાનામાં મૂકેશના કંઠે રજૂ થયેલા ગીત અય સનમ જિસને તુઝે ચાંદ સી સૂરત દી હૈ..માં એક મેચ્યોર પ્રેમીએ પોતાના દિલની વાત સૌમ્ય શબ્દોમાં રજૂ કરી છે. અહીં છ માત્રાનો દાદરો અજમાવાયો છે. રોમાન્સની પ્રૌઢિ અહીં અનુભવાય છે.
આ બંને ગીતો કરતાં સાવ જુદો ભાવ ફિલ્મ આમ્રપાલીના આ ગીતમાં રજૂ થયો છે. રાગ ભૂપાલી હોવા છતાં અહીં એક વિરહિણી નાયિકાએ પોતાના મનની વાત રજૂ કરી. નીલ ગગન કી છાંવ મેં દિન રૈન ગલે સે મિલતે હૈં, દિલ પંછી બન ઊડ જાતા હૈ, હમ ખોયે ખોયે રહતે હૈં... ત્યારપછી રજૂ થતા આલાપમાં નાયિકાની મૌન વિરહ વેદના પ્રસ્તુત થાય છે.
આમ્રપાલી 1966માં આવી અને એ પછીના વરસે આવેલી ફિલ્મ લવ ઇન ટોકિયોમાં રજૂ થયેલો ભૂપાલી તદ્દન જુદી છટા લઇને આવે છે. પ્રિયતમથી છૂટી પડતી નાયિકા બીજે દિવસે ફરી મળવાનો વાયદો કરતાં જપાની ભાષાના એક શબ્દ સાથે ગીત રજૂ કરે છે. એ શબ્દ એટલે સાયોનારા, સાયોનારા...
મજા જુઓ. આ બંને ગીતો નીલ ગગન કી છાંવ મેં અને સાયોનારા કહેરવા તાલમાં છે. છતાં બંનેનો કહેરવો જુદો પડે છે. નીલ ગગનનો કહેરવો થોડો ધીમો છે કારણ કે એમાં વિરહની વેદના રજૂ કરવી છે જ્યારે સાયોનારામાં વિદેશી શૈલીનો બોંગો-કોંગો પર વાગતો કહેરવો છે.
બંને ગીતોની સૂરાવલિમાં રાગ એક જ છે પરંતુ બંને ગીતોના મૂડ અથવા કહો કે નાયિકાની મનોદશા અલગ અલગ છે. સ્વરનિયોજનની ખરી ખૂબી અહીં છે. રાગના મૂળ સ્વરોનો આધાર લઇને માનવ સ્વભાવની વિવિધ છટા રજૂ કરવાની આ કળા પાછળથી લગભગ બધા સંગીતકારોએ આત્મસાત કરી હતી.
શાસ્ત્રીય સંગીતના ધુરંધર કલાકારોએ પણ શંકર જયકિસનને મોકળા મને બિરદાવ્યા એનું કારણ પણ આ. રાગના મૂળ સ્વરૂપને જરાય હાનિ પહોંચાડ્યા વિના ફિલ્મના ચોક્કસ પ્રસંગને અનુરૂપ બંદિશ આપવી એ એક પ્રકારની તપશ્ચર્યા હતી.
આ બંને સંગીતકારોને જાણે સ્વરનિયોજનની કલા જન્મજાત (ઇનબોર્ન) હોય એવું એમની રચનાઓ પરથી લાગે. આવું માત્ર ભૂપાલી સાથે નહીં, આ બંનેએ અજમાવેલા મોટા ભાગના રાગો સાથે થયું છે. બીજા બે ચાર રાગના દાખલા લીધા પછી આપણે વાત આગળ વધારીશું. ત્યાં સુધી સૌને સાયોનારા સાયોનારા...
Comments
Post a Comment