વેરાન રણ જેવું રેતાળ-ખડકાળ લોકેશન, એવીજ ખરબચડી કથા, કથાનું કેન્દ્ર ડાકુઓ અને એમનો અડ્ડો. રાજ કપૂરની ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં આઠ-નવ ગીતોમાં ફક્ત એક હસરત જયપુરીનું. બાકીનાં બધાં ગીતો શૈલેન્દ્રની ઋજુ કલમે રચાયેલાં. નવમાંથી ચાર-પાંચ ગીતો ખેમટા તાલમાં. બધાં ગીતો સુપરહિટ નીવડ્યાં. શંકર જયકિસનની સર્જનકલાનો આ એક અદ્ભુત નમૂનો છે.
ધાગ્ ધીના ગીન તાક્ તીના ગીન બોલ ધરાવતા ખેમટા તાલમાં ફિલ્મના બધાં ગીતો સંગીત રસિકને ગણગણવા ગમે એવાં બન્યાં. પાંચમાંથી બે ગીતો પર લોકસંગીતની અસર. એકાદમાં સંગીતકારોની માનીતી ભૈરવીની અસર, બાકીના બે ગીતો સહેલાઇથી હોઠે ચડી જાય એવાં. પહેલું આવું ગીત એટલે ટાઇટલ ગીત કહેવાય એ ‘હોઠોં પે સચ્ચાઇ રહતી હૈ, જહાં દિલ મેં સફાઇ રહતી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈં જિસ દેશ મેં ગંગા બહતી હૈ....’ . આ લેખકની દ્રષ્ટિએ અહીં ગીતની તર્જ અને ખેમટા તાલ હોવા છતાં શબ્દોના ભાવને અનુરૂપ ઠેકાના વજનમાં થતા ફેરફારને પણ માણવો જોઇએ.
આ ગીત જોડે એક રોમાન્ટિક ગ્રુપસોંગ માણવાની લાલચ રોકી શકાય નહીં. અહીં સંગીતકારની લાડકી રાગિણી ભૈરવીનો અહેસાસ થઇ શકે- ‘હમ ભી હૈં, તુમ ભી હો, દોનોં હૈં આમને સામને, દેખ લો ક્યા અસર કર દિયા પ્યાર કે નામ ને...’ આ ગીતમાં પાર્શ્વગાયનના ધુરંધરોનો કંઠ છે- લતા મંગેશકર, ગીતા દત્ત, મહેન્દ્ર કપૂર, મન્ના ડે અને મૂકેશ.જે રીતે ગીત પરદા પર કે રેડિયો પર એક પ્રસન્નતાની હવા બાંધે છે એ કાબિલ-એ-દાદ છે. એમાંય અ..સ..ર શબ્દમાં લતા કંઠની જે હરકતો કરે છે એ ગીતને વધુ આસ્વાદ્ય બનાવી દે છે. કોરસમાં પણ અનેરો તરવરાટ અનુભવી શકાય છે.
રાજ કપૂરે આ ફિલ્મના રાકાના પાત્રની ઑફર પ્રાણને કરી ત્યારે પૂછેલું કે પાત્રની ઓળખ માટે શું વિચાર્યું છે ? પ્રાણે એક ખાસ મુદ્રા સહજ રીતે રજૂ કરી હતી. તમે પણ એ માણી હશે. ફિલ્મમાં એ વારંવાર પોતાને ગળે ડાબીથી જમણી બાજુ આંગળી ફેરવતો હતો. એમાં બે ગૂઢાર્થ હતા-એક ડાકુઓ ગમે ત્યારે ગમે તેનું ગળું કાપી નાખે. બે, દરેક ડાકુએ જીવતો પકડાય તો આખરે તો ફાંસીએ ચડવાનું હોય. એ ભાવાર્થને રજૂ કરતું ગીત એટલે ‘પ્યાર કર લે...નહીં તો યૂં હી મર જાયેગા, પ્યાર કર લે નહીં તો ફાંસી ચડ જાયેગા..’ .આ ગીત એકલા મૂકેશના કંઠમાં છે,
ખેમટામાં બીજાં બે ગીત એટલે ડાન્સ સોંગ. એક ગીત ફક્ત લતાના સ્વરમાં છે અને બીજું લતા-આશા બંનેના કંઠમાં છે. પહેલું ગીત એટલે ‘હો મૈંને પ્યાર કિયા. ઓય હોય ક્યા જુર્મ કિયા...’ આ ગીતમાં અરબી શૈલીની ઝાંય અને અત્યંત આછો પાતળો બલ્કે નહીં જેવો રાગ ધાનીનો પ્રભાવ વર્તાય છે. બીજું ગીત ‘ક્યા હુઆ યહ મુઝે ક્યા હુઆ... ’ કમ્મો અને એની બહેનપણી ડાન્સ કરતાં કરતાં ગાય છે.
આ ગીતો તમે ધ્યાનથી સાંભળો તો ખ્યાલ આવે કે એમાં અનેરી સરળતા છે. સાંભળનારને સતત પોતાની તરફ ખેંચ્યે રાખે એવાં તર્જ અને લય સર્જાયાં છે. ફિલ્મની કથાના પ્રવાહમાં આ ગીતો ક્યાંય થીંગડાં જેવાં લાગતાં નથી એ એની સૌથી મોટી ખૂબી છે. એક જ ફિલ્મમાં એક જ લોકેશન પર ચચ્ચાર ગીતો એક સરખા તાલમાં હોવા છતાં ગીતોનું વૈવિધ્ય જળવાઇ રહે છે એ આ ગીતોની સૌથી મોટી ખૂબી છે. ચારેનો ખેમટા તાલનો ઠેકો એકબીજાથી અલગ પડી આવે છે.
ટાઇટલ ગીત તો ઠીક ઠીક લાંબું છે છતાં પરદા પર જોતાં કે રેડિયો પર સાંભળતાં કંટાળો આવતો નથી. આજે તો આ ગીતના શબ્દો માત્ર સંભારણાં જેવા રહી ગયા છે. એમાં રહેલો કેન્દ્રવર્તી ભાવ આજે પહેલાં જેવો રહ્યો નથી. ન ગંગા આજે શુદ્ધ છે ન તો મહેમાન માટે જાન આપી દેનારા લોકો આજે જોવા મળે. આપણને તો સંગીત સાથે લેવાદેવા છે એટલે બીજી વાતોની પરવા કરવા જેવું નથી.
Comments
Post a Comment