નામમાં શું દાટ્યું છે, નામ હિંમતસિંહ હોય પણ ઘરના ખૂણે દોડતા કંસારી-વાંદાથી બીતા હોય એવું બની શકે. નામ લક્ષ્મી હોય અને ઘરે ઘરે કચરા-પોતાં કરતી હોય એમ બની શકે... સૉરી હોં, વાત જરા આડે પાટે જતી રહી. ભારતીય સંગીતમાં એક રાગ છે બસંત મુખારી. પણ આ રાગનું ય હિંમતસિંહ અને લક્ષ્મી જેવું છે. એને વસંત રાગ સાથે કોઇ લેવા દેવા નથી. પણ નામ બસંત મુખારી છે.
આ રાગ થોડો અઘરો પણ ખરો. આરંભે એટલે કે આરોહે ષડ્જથી પંચમ સુધી એ ભૈરવને અનુસરે. રે અને ધ કોમળ. પણ ઉત્તરાંગમાં એટલે કે ધૈવતથી તાર સપ્તક સા સુધી એ ભૈરવીને અનુસરે. હવે ભૈરવી તો સર્વદા સુખદાયિની છે એમાં તો રે અને ધની સાથેાસાથ ગ અને ની પણ કોમળ થઇ જાય. વરસોનો રિયાઝ હોય તો આ રાગને એના શુદ્ધ સ્વરૂપે ગાઇ કે વગાડી શકાય.
કુંદન લાલ સાયગલને ભૈરવી ઠુમરી બાબુલ મોરા નૈહર છૂટો રી જાય... શીખવનારા મનાતા આફતાબ-એ-મૌશિકી ઉસ્તાદ ફૈયાઝ ખાન અને ભારતીય સંગીતના અમૂલ્ય વારસાને ગ્રંથસ્થ કરનારા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે (ઉસ્તાદજી અને પંડિતજી બંને આગ્રા ઘરાનાના ઉપાસક)ના શિષ્ય પંડિત શ્રીકૃષ્ણ નારાયણ રાતાંજનકર (1899-1974)એ આ રાગને લોકપ્રિયતા બક્ષી એમ કહેવાય છે.
આપણા સૌના લાડકા અને ફિલ્મ સંગીતના સુવર્ણયુગના પ્રણેતા શંકર જયકિસન આ રાગ કોની પાસે ક્યારે શીખ્યા એની આપણને જાણ નથી. પરંતુ એક વાત નક્કી. આ બંનેએ વખાણ કરતાં આપણે ધરાઇએ નહીં એવું એક સુપર્બ ગીત આપ્યું છે. ફિલ્મ સંગીતમાં રાગ બસંત મુખારીમાં આંગળીને વેઢે ગણાય એટલાં ગીતો મળે ખરાં. એ બધાંમાં આ ગીત અતુલનીય બની રહે છે. થોડાક વિદ્વાનો આ ગીતને મિશ્ર શિવરંજની આધારિત કહે છે. આપણે એ મલ્લીનાથીમાં પડવું નથી.
ફિલ્મ જિસ દેશ મેં ગંગા બહતી હૈનું આ ગીત છે. શૈલેન્દ્રના શબ્દો છે અને શૈલેન્દ્રે એક ગજબનો પ્રયોગ કર્યો છે. ભગવાન શ્રી રામના ચરણસ્પર્શથી શલ્યા અહલ્યા બની ગઇ એ પ્રસંગનો કલાત્મક ઉપયોગ અહીં શૈલેન્દ્રે કર્યો છે. એ કલાત્મક ઉપયોગની વાત આગળ આવશે. આપણે ગીતના ઉપાડથી વાત શરૂ કરીએ.
પોતાને થયેલા કોઇ અન્યાયના કારણે સમાજની સામે બળવો પોકારીને ડાકુ-બહારવટિયા બની રહેલા લોકોને સમજાવવા આવેલા વણઝારા ટાઇપના અનાથ ગાયક રાજુને મારપીટ કરીને ડાકુઓનો અડ્ડો છોડવા રાકા (અભિનેતા પ્રાણ) મજબૂર કરે છે અને રાજુ માથાના જખમ પર પટ્ટી બાંધીને પોતાનું ડફ તથા બગલથેલો લઇને ચાલતી પકડે છે. બરાબર એ ક્ષણે આ ગીત પરદા પર આવે છે.
પ્રાસ્તાવિક સંગીત અને ઇન્ટરલ્યૂડ સહિત આ આખું ગીત તેમજ એનો સાંગિતીક ઉપસંહાર જોતાં પાંચ મિનિટ અને 34 સેકંડમાં ગીત વિસ્તરેલું છે. ચાર મિનિટ અને સાત-સાડા સાત સેકંડ પછી કમ્મો મહાકાલી માતા જેવી કોઇ દેવી સમક્ષ તાંડવ જેવું રૌદ્ર નૃત્ય કરે છે. અંગ પરના આભૂષણેા કાઢીને માતાજીના ચરણોમાં ફેંકે છે. માથાના વાળ વેરવિખેર થઇ જાય છે. છેલ્લી થોડી સેકંડ આ નૃત્યમાં વપરાઇ છે.
કમ્મો (પદ્મિની) અંતરના આર્તનાદથી પોકારે છે ઓ બસંતી પવન પાગલ ના જા રે ના જા, રોકો કોઇ... સાત માત્રાના રૂપક તાલમાં ગીત ઉપડે એ પહેલાં આ અબ લૌટ ચલે ગીતની જેમ વૉયલિન્સની ઘુંટાયેલા દર્દથી સજેલી સૂરાવલિ ગૂ્ંજે છે. એ પૂરી થાય ત્યાં લતાજી શરૂ કરે છે, ઓ બસંતી....લતાજીના કંઠની રેંજ અને સ્વરો પરની પકડ પણ આ ગીતમાં રસિકો અનુભવી શકે છે. ખાસ કરીને રોકો કોઇ....પછીનો આલાપ રૂંવાડાં ખડાં કરી દે એવો છે.
(આવતા શુક્રવારે પૂરું.)
Some one has identified this raga as CHARUKESHI.What could be the true raga of this song?
ReplyDeleteA friend has given me your blog id for raga based songs etc.Years ago I had purchased and read your book in Gujarat - Aaj Gavat man mero about late Naushad Ali.
Best regards.