જસ્ટ ટ્વેન્ટી ફોર અવર્સ. છેલ્લા ચોવીસ કલાક. આવતી કાલે સવારે બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન શરુ થશે. આ વખતે તમામ પક્ષો અને નેતાઓ માટે ખરાખરીનો ખેલ છે. એવા સમયે જગવિખ્યાત તબલાંસમ્રાટ ઉસ્તાદ ઝાકિર હુસૈને કરેલા એક રસપ્રદ નિરીક્ષણની વાત યાદ આવી છે.
લગભગ ૨૦૦૩-૦૪નો આ પ્રસંગ છે. જગમશહૂર સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાનનો એક કાર્યક્રમ બિહારની રાજધાની પટણામાં હતો. તબલાં પર ઉસ્તાદ ઝાકિર હુસૈન હતા. હવે ઝાકિર હુસૈનના શબ્દોમાં વાંચો- 'મંચ પર આંખો અંજાઇ જાય એવો ઝળહળાટ પાથરતો દૂધિયો પ્રકાશ હતો. ખાનસાહેબ પોતાની આગવી શૈલીમાં આંખો મીંચીને સરોદ પર આલાપ છેડી રહ્યા હતા.
સ્વરસમાધિ જેવી સ્થિતિમાં હતા. હું એમનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તમને તો ખ્યાલ હશે, ખાનસાહેબના મસ્તક પર બંને લમણાં પર થોડાક વાળ હતા, બાકી એમનું મસ્તક ચળકતી ટાલવાળું હતું.
'વાદન શરુ થયું એની લગભગ વીસ પચીસ મિનિટ પછી મેં શું જોયું ? ખાનસાહેબનું મસ્તક જાણે ફરી એકવાર નવા વાળ ઊગી ગયા હોય એમ કાળાશથી ભરાઇ ગયું હતું... હું થોડો ચોંક્યો. પૂરેપૂરી એકાગ્રતાથી જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે ખાનસાહેબના મસ્તક પર અસંખ્ય મચ્છરો બણબણી રહ્યા હતા.
મને મચ્છરોનો ગણગણાટ સુદ્ધાં સંભળાતો હતો... જો કે ખાનસાહેબ તો પોતે જે રાગ વગાડતા હતા એમાં ખોવાઇ ગયા હતા. પટણા બિહારનું પાટનગર હતું. પાટનગરમાં આવી સ્થિતિ ? હું સ્તબ્ધ થઇને નીરખી રહ્યો હતો...' (ઝાકિર હુસૈન- એક સંગીતમય જીવન. લેખિકા નસરીન મુન્ની કબીર. પૃષ્ઠ 72).
હવે બીજો એક અનુભવ. બિહારમાં વસતા ગુજરાતીઓ વિશે લેખ લખવા મુંબઇથી પ્રગટ થતા એક ગુજરાતી સાપ્તાહિકનો રિપોર્ટર પટણા ગયો હતો. ચાર પાંચ દિવસનું રોકાણ હતું. મુંબઇ પાછા ફર્યા બાદ એણે પોતાનો અનુભવ સહકર્મચારીઓ જોડે શૅર કર્યો- 'પટણા બિહારની રાજધાની છે. અમે (રિપોર્ટર અને ફોટોગ્રાફર) ફાઇવ સ્ટાર હૉટલમાં ઊતર્યા હતા. એના ડાઇનિંગ હૉલમાં માખી મચ્છરને દૂર રાખવા માટેની સંખ્યાબંધ ફ્લોરોસેન્ટ લાઇટ્સ (ઇલેક્ટ્રિક ઇન્સેક્ટ કીલર) હતી. છતાં અમે જમવા બેઠાં ત્યારે માખી મચ્છર અમારી પ્લેટમાં ન પડી જાય એ માટે અમે સતત ડાબો હાથ હવામાં વીંઝતા રહ્યા હતા...ફાઇવ સ્ટાર હૉટલમાં પણ હજારોની સંખ્યામાં માખી મચ્છરો બણબણતા હતા, બોલો !'
થોડી કલ્પના કરવા જેવી છે પ્રિય વાચક, રાજ્યના પાટનગરમાં અને એર કંડિશન્ડ ઓડિટોરિયમ કે ફાઇવ સ્ટાર હૉટલમાં આવી સ્થિતિ હોય તો ગ્રામ વિસ્તારમાં તો કેટલી ગંદકી અને જીવજંતુ ખદબતાં હોય ! આ એજ બિહાર છે જ્યાં લોકનાયક જયપ્રકાશ નારાયણે ૧૯૭૦ના દાયકામાં ભ્રષ્ટાચાર સામે લડત ઉપાડી હતી. આ એજ બિહાર છે જેના ચંપારણ જિલ્લામાં એક ગરીબ મહિલાએ ગાંધીજીને કહ્યું હતું કે મારી પાસે આ પહેરેલી એક જ સાડી છે એટલે તમને દાન રુપે કશું આપી શકતી નથી.
આ એજ બિહાર છે જેણે બોલિવૂડને શત્રુઘ્ન સિંહા, શેખર સુમન, મનોજ બાજપેયી અને તાજેતરમાં અકાળ અવસાન પામેલા સુશાંત સિંઘ રાજપૂત જેવા કલાકારો આપ્યા. આ એજ બિહાર છે જ્યાં લોકનાયક જયપ્રકાશ નારાયણના સાથીદાર તરીકે કારકિર્દી શરુ કરીને અર્ધો ડઝન કૌભાંડો આચર્યા બાદ લાલુ યાદવ જેવા નેતાઓ કારાવાસ ભોગવી રહ્યા છે. લાલુ પોતે મુખ્ય પ્રધાન હતા ત્યારે શેખી કરેલી કે હું બિહારની સડકોને હેમા માલિનીના ગાલ જેવી મુલાયમ બનાવી દઇશ. માય ફૂટ !
કેટલાં વર્ષ થયાં દેશને આઝાદ થયાને ? સાત સાત દાયકા પછી પણ સમગ્ર ઉત્તર ભારતનાં રાજ્યોની સ્થિતિ બિહાર કરતાં જરાય સારી નથી. આ રાજ્યોમાં કટ્ટર જાતિવાદ, અદાલતોની તૌહિન કરે એવા સ્વચ્છંદી ચુકાદા આપતી પંચાયતો, કાયદાની ઠેકડી ઊડાડતા રીઢા ગુનેગારો અને પારાવાર ગરીબીમાં સબડતા લાખ્ખો પરિવારો છે.
અહીં ચૂંટણીના નામે જે ખેલાતાં ખેલ પાછળ પાછળ પણ અબજો રુપિયાનું આંધણ થાય છે. ચોક્કસ જાતિના મતદારોને ખુલ્લેઆમ સાગમટે ખરીદી લેવામાં આવે છે. તમામ પક્ષો આવા ખેલ કરે છે. આ તો વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, સાહેબ !
Comments
Post a Comment