.
એક તરફ હથિયારબંધ પોલીસોથી ભરેલી ડઝનબંધ વાન, બીજી બાજુ થીંગડથાગડ અને નહીં જેવી ઘરવખરી તેમજ હથિયારો સાથે થાકેલા પાકેલા અને પગે ચાલતા કે બળદગાડામાં બેઠેલા સમાજવિરોધી ગણાતા લોકો... ડાકુ-બહારવટિયાઓને સંઘરતી ચંબલની કોતરો જેવો વેરાન પ્રદેશ...પોલીસ તથા ડાકુ પરિવારો સહિત સેટ પર લગભગ ત્રણેક હજાર કલાકારો. બાળકોથી માંડીને ચલમ ફૂંકતા વૃદ્ધો સહિત મનેખ... આ બધાંમી વચ્ચે હાથમાં ડફ સાથે હસતો ગાતો અનાથ મિલનસાર ગાયક રાજુ...
મનોજ કુમારની જેમ દેશભક્તિના કોઇ દાવા વિના અને પક્કા બિઝનેસમેન તરીકેની છાપ ધરાવતા રાજ કપૂરે લોકનાયક જયપ્રકાશ નારાયણ અને આચાર્ય વિનોબા ભાવેના એક આંદોલનના ભાગ રૂપે 1960-61માં બનાવેલી એ ફિલ્મ જિસ દેશ મેં ગંગા બહતી હૈ. આમ તો એનાં તમામ ગીતો સુપરહિટ હતાં. પરંતુ આજે એના એક ખાસ ગીતની વાત અહીં કરવી છે.
આ ગીત ઘણી રીતે વિશિષ્ટ હતું. ગીતના શબ્દો સાવ સરળ હતા. જાણ્યે અજાણ્યે ખોટે રસ્તે ગયેલા લોકોને સાચા રસ્તે વાળવાની એમાં વિનંતી હતી. શબ્દોની તુલનાએ તર્જ અને લય ઉપરાંત ઓરકેસ્ટ્રેશન જુઓ તો હોલિવૂડની કોઇ માતબર બજેટની ભવ્યાતિભવ્ય ફિલ્મની બરાબરી કરી શકે એવું.
કથાની દ્રષ્ટિએ જુઓ તો આ ગીત માટે એકસો સાજિંદા વિના પણ ચાલી શક્યું હોત. છતાં શંકર જયકિસને એકસો સાજિંદા પસંદ કરેલા જેમાં પાંત્રીસ ચાલીસ તો ફક્ત વૉયલિન્સ હતા. એવું શા માટે એ સમજવા જેવું છે.
એક તરફ હથિયારસજ્જ પોલીસની કૂચ અને બીજી તરફ ડાકુઓની મોટે ભાગે ઊઘાડા પગે પદયાત્રા. અહીં
શંકર જયકિસને ત્રણ જુદી જુદી માનસિકતા સ્વર નિયોજન દ્વારા રજૂ કરવાની હતી. રાજુને ડાકુઓના હૃદય પરિવર્તનના પોતાના મિશન પર પૂરેપૂરેા વિશ્વાસ છે, ડાકુઓના મનમાં રાકા (અભિનેતા પ્રાણ)એ ઠસાવી દીધું છે કે મે બધાં ફાંસીએ ચડવાના છો એટલે સમર્પણ કરવું કે ન કરવું એની અવઢવ ડાકુઓના મનમાં છે. ત્રીજી બાજુ પોલીસ વડા જરૂર પડ્યે ડાકુઓ પર ગોળીબારની વર્ષા કરવા કટિબદ્ધ છે. હવામાં બારુદની ગંધ છે. એક પ્રકારનું ટેન્શન છે.
એવા સમયે ગીત શરૂ થાય છે- ‘આ અબ લૌટ ચલે...નૈન બિછાયે, બાંહેં પસારે, તુઝ કો પુકારે, દેશ તેરા....’
તમે શાસ્ત્રીય સંગીતના શૉખીન હો અથવા શાસ્ત્રીય સંગીત માણવું ગમતું હોય તો ફિલ્મ ગોદાનની એક હોરી યાદ કરો. પંડિત રવિશંકરે ગોદાનમાં સંગીત પીરસ્યું હતું.
જગપ્રસિદ્ધ હિન્દી વાર્તાકાર મુનશી પ્રેમચંદની વાર્તા પરથી ગોદાન બની હતી. એમાં એક અત્યંત સુંદર હોરીગીત હતું- હોરી ખેલત નંદલાલ...એવુંજ એક હોરીગીત ભોજપુરી ફિલ્મમાં હતું બિરજ મેં હોરી ખેલત નંદલાલ... હોરીગીત મોટે ભાગે રાગ કાફીમાં સ્વરબદ્ધ થાય છે. ગ અને ની કોમળ ધરાવતો આ રાગ લોકસંગીત સાથે નિકટતાથી સંકળાયેલો છે.
શાસ્ત્રોમાં જણાવાયા અનુસાર આ રાગ ‘શૃંગાર રસ પ્રધાન’ છે. ખરી મજા અહીં છે, સાહેબ ! આ અબ લૌટ ચલે... ગીતમાં શૃંગાર તો ક્યાંય નથી. અહીં તો છે એક ભલા આદમીએ કરેલું આહ્વાન, આજીજી, વિનંતી કે ખોટે રસ્તેથી પાછાં ફરો. આ ગીતના શબ્દો શૈલેન્દ્રના છે અને એકદમ સરળ છે. તર્જ રાગ કાફીમાં હોવા છતાં થોડી ગહન છે.
તબલાં, ઢોલક, પખવાજ, ડ્રમ કે બીજાં કોઇ લય વાદ્યનું પ્રભુત્વ તર્જ પર વર્તાતું નથી. વાતાવરણને બોઝિલ અને તનાવભર્યું દેખાડવા સંખ્યાબંધ વૉયલિન્સ સ્વરોનો એક પ્રકારનો ઝંઝાવાત સર્જે છે. વચ્ચે વચ્ચે લતાજીના કંઠે કમ્મો (અભિનેત્રી પદ્મિની)ના અંતઃકરણનો આર્તનાદ છે ‘આ જા રે......’ તાર સપ્તકના કોમળ ગંધારથી જે રીતે લતાજી આલાપ કરતાં કરતાં વિલાપ જેવી અસર સર્જે છે એ ભલભલાના રૂંવાડાં ખડાં કરી દે.
માત્ર બે અંતરા છે. એ બે અંતરા વચ્ચે કથામાં જે વળાંક સર્જાય છે એ શંકર જયકિસનના સંગીતની કમાલ છે.
આખીય ડાકુ વણઝારમાં સૌથી ક્રૂર અને ઘાતકી રાકા (પ્રાણ) સૌથી છેલ્લે એકલો અટુલો ચાલતો દેખાડાયો છે એ મૌન પણ એક કાવ્ય જેવું બની રહે છે. ક્રૂરતાનું કોઇ સગું હોતું નથી. એ સદૈવ એકલી અટુલી હોય છે. પ્રાણના પાત્ર દ્વારા એ વાત રજૂ થઇ છે.
આ ગીત માટે શૈલેન્દ્ર, શંકર જયકિસન, મૂકેશ, લતાજી અને રાજ કપૂરના કેમેરામેન તથા આ ફિલ્મના ડાયરેક્ટર રાધુ કરમાકરને લાખ્ખો સલામ છે ! આવાં ગીતો રોજ રોજ સર્જાતાં નથી.
Yes Ajit I remember film's first song mera naam Raju... was released much b4 the film Its music had created curiosity even b4 pic. was released. But honestly indepth information I was not having. Thanks for that.. After a long time article from U. Stay safe & T C.
ReplyDeleteThis is a very good analysis of an immortal song.It was very popular in its time.Thanks for informing readers that this is in raga Kafi
ReplyDelete