પશ્ચાત્તાપની આગમાં જલતા નાયકની મનોદશા પ્રસ્તુત કરતું રાગ બૈરાગી આધારિત ગીત

 

શંકર જયકિસનનાં વિશિષ્ટ ગીતોનો આસ્વાદ -2

 
છેક સામવેદની ઋચાઓથી ચાલ્યા આવતા ભારતીય સંગીતના અભ્યાસીઓને ઘણીવાર વિસ્મયનો અનુભવ થાય છે. આપણે અગાઉ રાગ કીરવાણીની વાત કરેલી. ગ (ગંધાર) અને ધ (ધૈવત) કોમળ હોય એવો આ મધુર રાગ પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેએ વિભાજિત કરેલા દસ થાટમાંના કોઇ રાગના બંધારણમાં ફિટ બેસતો નથી.

એવોજ એક બીજો રાગ છે બૈરાગી ( કેટલાક વિદ્વાનો એને બૈરાગી ભૈરવ પણ કહે છે). ભૈરવ થાટ અને ભૈરવ રાગમાં રિષભ અને ધૈવત કોમળ રહે છે એટલું જ નહીં પણ રિષભ આંદોલિત થાય છે. તોજ ભૈરવ રાગની હવા બંધાય. બૈરાગીમાં રિષભ કોમળ છે. પરંતુ ભૈરવ થાટના નિયમ મુજબનો કોમળ ધૈવત અહીં મુદ્દલે નથી. એને બદલે નિષાદ કોમળ આવે છે. બાકીના ભૈરવના સ્વરો એવા ને એવા રહે છે. એટલે એનું સ્વરૂપ કંઇક આવું થાય- સા રે (કોમળ) મ પ ની (કોમળ) સાં, સાં ની (કોમળ) પ મ રે (કોમળ) સા. આ રાગને સિતારસમ્રાટ પંડિત રવિ શંકરે લોકપ્રિય કરેલો એમ કહેવાય છે. હવે એના પર આધારિત એક અદ્ભુત ગીતની વાત.

જોગસંજોગે અખ્તર હુસૈન અખ્તર નામનો એક ગીતકાર શાયર યુવાન નવાબ સલીમ ખાનને અકસ્માતમાં બચાવે છે. નવાબ એને પોતાને ત્યાં નોતરીને નાનકડી જાગીર અને નોકરી વગેરે આપે છે. રાતોરાત શ્રીમંત થઇ જતાં આ યુવાન અવળે રસ્તે ચડી જાય છે. તવાયફોના કોઠા પર જવા માડે છે. એની પત્ની સલ્તનત રોકે ત્યારે ગુસ્સામાં આવી જઇને એને તલાક આપી દે છે. સલ્તનત એ સ્ત્રી જેણે નવાબ સલીમના લગ્નના માગાને ઠુકરાવેલું. કારણ ? નવાબની છાપ ગામના ઉતાર જેવી હતી. અખ્તર અવળે રસ્તે ચડીને પોતાને તલાક આપી દે છે એ માટે સલીમ જવાબદાર છે એમ માનતી સલ્તનત સલીમના કાનેજ ફરિયાદ નાખે છે.

સલીમ પોતાની રીતે પગલાં લઇને તવાયફ દ્વારા અખ્તરને રસ્તે રઝળતો કરી દે છે. પોતાની ભૂલ સમજાતાં અખ્તર પશ્ચાત્તાપના અગ્નિમાં બળતો એક ગીત રચે છે. રેડિયો પર એ ગીત ગૂંજે છે. અહીં હસરત જયપુરીએ કરેલી કમાલ અને શંકર જયકિસનના સંગીતનો જાદુ સાંભળનારને અક્ષરસઃ ગમગીન કરી દે એવી આ રચના છે.


શંકર જયકિસને આ રચના માટે રાગ બૈરાગીનો આધાર લીધો છે. બૈરાગીના તાર સપ્તકના ઉપાડમાં હસરતે કહ્યું છે, ‘ખલક પે જિતને સિતારે હૈં વો ભી શરમાયે, ઓ દેને વાલે મુઝે ઇતની જિંદગી દે દે..’. આ કથાનાયક મોત નથી માગતો. મોત મળવાથી તો તરત છૂટી જવાય. આ તો જીવતેજીવ રિબાવાની વાત છે. એટલે મુખડા પછીની પંક્તિમાં કહે છે, ‘ યહી સજા હૈ મેરી મૌત હી આયે ન મુઝે, કિસી કો ચૈન મિલે, મુઝ કો બેકલી દે દે...’

હસરત જયપુરીએ રીતસર અહીં હૈયું ઠાલવી નાખ્યું હોય એવું લાગે છે. મારા હૈયાના ધબકારાના લય સાથે હું તારું નામ લેતો રહીશ એવી અફલાતૂન કલ્પના કરી છે. ગીતનું મુખડું છે- ‘ગમ ઊઠાને કે લિયે મૈં તો જિયે જાઉંગા, સાંસ કી લય પે તેરા નામ લિયે જાઉંગા..’  




બંને અંતરાના શબ્દો ટાંકવાની લાલચ જતી કરી શકાતી નથી. ‘હાય તુને મુઝે ઉલ્ફત કે સિવા કુછ ન દિયા, ઔર મૈંને તુઝે નફરત કે સિવા કુછ ન દિયા, તુઝ સે શર્મિંદા હું, અય મેરી વફા કી દેવી, તેરા મુજરીમ હું, મુસીબત કે સિવા કુછ ન દિયા...’ બીજો અંતરો- ‘તૂ ખયાલોં મેં મેરે, અબ ભી ચલી આતી હૈ, અપની પલકોં પે, ઉસ અશ્કોં કા જનાજા લે કર, તૂને નિંદેં કરી કૂરબાન મેરી રાહોં પર, મૈં નશે મેં રહા, ગૈરોં કા સહારા લેકર... ગમ ઊઠાને કે લિયે...’    

છ માત્રાના દાદરા તાલમાં અને બૈરાગીના આધાર પર આ ગીત જબરદસ્ત ગમગીની સર્જે છે. માત્ર બે અંતરા છે. સલ્તનત ઘરમાં રેડિયો પર સાંભળે છે અને નવાબ સલીમ પોતાની કાર ડ્રાઇવ કરતાં કરતાં ગીત માણે છે. સલ્તનત સતત વ્યાકૂળ રહે છે. સલીમ સ્વસ્થ દેખાય છે,  અખ્તરના ચહેરા પરથી પશ્ચાત્તાપના આંસુ ટપકે છે.

 આ આંસુ અને આ પશ્ચાત્તાપ ગીતના સ્વરનિયોજનના જોરે આપણને પણ સાથે ખેંચી જાય છે. અનુકૂળતા હોય તો આ ગીત જરૂર કાં તો એકદમ વહેલી સવારે નીરવતા વચ્ચે અથવા મોડી રાત્રે સાંભળી જો જો. ગજબનો ઇમ્પેક્ટ કરે છે સાંભળનારના મન પર.  સો સો સલામ એના સર્જકોને !


Comments