ફિલ્મ સંગીતના સુવર્ણયુગના સંગીતના શહેનશાહ શંકર જયકિસનની સર્જન કલાનો આસ્વાદ આપણે છેલ્લા ઘણા શુક્રવારથી માણી રહ્યા છીએ. આ બંનેના સર્જન વિશે હજુ બીજા અનેક એપિસોડ લખી શકાય. અત્યાર અગાઉ પણ ધરખમ લખાઇ ચૂક્યું છે. એટલે રિપિટેશન નિવારવા આ કટારમાં ઘણી વાતો ટાળી છે.
હવે શંકર જયકિસનનાં આ લેખકને વિશિષ્ટ લાગ્યાં એવાં થોડાં ગીતોની ઝલક માણવી છે. આજે પ્રસ્તુત છે એવું પહેલું ગીત. પહેલા એનું બેકગ્રાઉન્ડ. મુંબઇના મહાલક્ષ્મી રેલવે સ્ટેશનથી પાંચ સાત મિનિટના અંતરે આવેલા ફેમસ સ્ટુડિયોમાં એક સવારે શંકરજી આવીને બેઠેલા. કંઇ કામ શરૂ કરે એ પહેલાં ફોન રણકી ઊઠ્યો.
સામેથી માત્ર હલ્લો બોલાયું ત્યાં શંકરજી આદરથી ઊભા થઇ ગયા. ખરજના ઘુંટાયેલો કંઠ ધરાવતા અને સંવાદોની અજોડ છટા ધરાવતા અભિનેતા ‘જાની’ રાજકુમારનો ફોન હતો. શંકરે આદરપૂર્વક વાત શરૂ કરી. રાજકુમારે કહ્યું કે મારે તમને મળવું છે. શંકરજી કહે કે આપ કહો ત્યારે આવી જાઉં.
ના ના ના, તમારે જુહુ વિસ્તાર સુધી લાંબા થવાની જરૂર નથી. આપણે અન્યત્ર મળીએ. શંકરે વિનમ્રતાથી કહ્યું કે આપ કહો ત્યાં મળીએે. સ્થળ અને સમય નક્કી થયું. શંકરજીના મનમાં ચટપટી થઇ ગઇ. રાજકુમાર મને શા માટે મળવા માગતા હશે ?
સામાન્ય રીતે અતડા અને મહા અહંકારી ગણાતા રાજકુમાર વિશે જાતજાતની વાતો થતી હતી. જો કે એમને નિકટથી ઓળખનારા લોકો જાણતા હતા કે આ માણસ નારિયેળ જેવો છે. બહારથી જેટલો સખ્ખત છે એટલોજ અંતરથી મુલાયમ છે.
બહુ ઓછા લોકો જાણે છે કે રાજ કુમાર શાસ્ત્રીય સંગીતનો શૉખીન હતો. બહુ જ અલ્પ સમય માટે ઉસ્તાદ વિલાયત ખાન પાસે સિતારની એ બી સી ડી શીખ્યો હતો. એ દિવસોમાં સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાન મુંબઇના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર મુહમ્મદ અલી રોડ પર એક સંબંધીની સાથે રહેતા હતા.
ખેર, એ સાંજે શંકર અને રાજ કુમાર વચ્ચે નાનકડી મુલાકાત યોજાઇ. રાજ કુમારે પોતાની સ્ટાઇલમાં કહ્યું કે શંકર, મેરી બાત ધ્યાન સે સુનો. મેરે હુજુર ફિલ્મ કે લિયે આપને એક ગાના કમ્પોઝ કીયા હૈ.
‘યહ ગાના મેરે પર શૂટ હોનેવાલા હૈ. મુઝે યહ ગાના પેશ કરના હૈ.... આ ગીતમાં મારે ગાતાં ગાતાં સિતાર છેડવા ઉપરાંત હું મુહબ્બતમાં નિષ્ફળ નીવડ્યો છું એવો સંતાપ પણ અભિનય દ્વારા પ્રસ્તુત કરવાનો છે. અભિનયની મને ચિંતા નથી. પણ ગીતના શબ્દો અને સિતાર પર ફરતી મારી આંગળીઓ યોગ્ય રીતે રજૂ થાય એવી મારી ઇચ્છા છે. એ માટે તમારી મદદ જોઇએ છે...’
શંકરે કહ્યું કે એ તો હું રઇસ ખાનને કહીશ. એ તમને તૈયાર કરી દેશે.( રઇસ ખાન ઉસ્તાદ વિલાયત ખાનના નિકટના સંબંધી થાય.) રાજકુમારે તરત ઉમેર્યું, એમ નહીં. મારી ઇચ્છા એવી છે કે આ ગીતનું ફિલ્માંકન થાય ત્યારે તમે હાજર રહો.
શૂટિંગ દરમિયાન હું તક મળ્યે ક્ષણેકવાર તમારી સામે જોઇ લઇશ. તમારી આંખો પરથી હું પામી જઇશ કે સબ ઠીક ચલ રહા હૈ યા કુછ ગડબડ હૈ...સમગ્ર ફિલ્મોદ્યોગમાં મહાઅભિમાની ગણાતા રાજ કુમારના શબ્દો સાંભળીને થોડીવાર માટે શંકર સડક થઇ ગયા.
જો કે ફિલ્માંકન થયું ત્યારે માત્ર શંકર નહીં, જયકિસન પણ હાજર હતા. એ યાદગાર ગીત એટલે રાગ દરબારી કાનડામાં સ્વરબદ્ધ રચના ‘ઝનક ઝનક તોરી બાજે પાયલિયા...’ આ ગીત મન્ના ડેના કંઠમાં રજૂ થયું છે. રાજકુમારના પાત્ર સલીમની મનોદશાને આ ગીત અદ્ભુત રીતે રજૂ કરે છે..
અહીં એક વાત ધ્યાનમાં લેવી જોઇએ. હમ તુઝ સે મુહબ્બત કર કે સનમ રોતે હી રહે... (ફિલ્મ આવારા), કોઇ મતવાલા આયા મેરે દ્વારે (લવ ઇન ટોકિયો), તુ પ્યાર કા સાગર હૈ (સીમા) વગેરે ગીતો પણ શંકર જયકિસને દરબારી કાનડા રાગનો આધાર લઇને સ્વરબદ્ધ કર્યાં હતાં. મેરે હુજૂરનું મન્ના ડેએ ગાયેલું અને રાજકુમાર પર ફિલ્માવાયેલું ગીત આ બધાં ગીતો કરતાં જુદું તરી આવે છે. એ માટે ગીતના તર્જ-લય ઉપરાંત રાજકુમારના અભિનયને પણ દાદ દેવી પડે.
( આ વાત સરોદવાદક વિદૂષી ઝરીન શર્મા-દારુવાળાના મેાઢે સાંભળી હતી અને કિશોરભાઇ દેસાઇએ એ ઘટનાને સમર્થન આપ્યું હતું એ સહજ.) એ જ મેરે હુજૂર ફિલ્મના ઔર એક અદ્ભુત ગીતની વાત હવે પછી.
Comments
Post a Comment