ભારતીય મહિલાઓને ઊતારી પાડતો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ નિક્સનનો વાણી વ્યભિચાર

 


ભારતીય મહિલાઓને ઊતારી પાડતો અમેરિકી
રાષ્ટ્રપ્રમુખ નિક્સનનો વાણી વ્યભિચાર

કે આસિફની અજોડ ફિલ્મ મુઘલે આઝમ બની રહી હતી ત્યારનો એેક  પ્રસંગ છે. ફિલ્મની નાયિકા મધુબાલા પર ફિલ્માવાયેલું એક ગીત મોંહે પનઘટ પે નંદલાલ છેડ ગયો... પાછળ અને અલબત્ત, મધુબાલાના સૌંદર્ય પાછળ પાગલ એક યુવાન રોજ ફિલ્મના સેટ પર હાજરી આપતો. લાળ ટપકાવતો. એ સતત મધુબાલાને નીરખ્યા કરતો. એની આંખોમાં વાસનાના કીડા સળવળતા હતા કે કેમ, આજે આપણે કહી શકીએ એમ નથી.

પાછળથી એ યુવાન પાકિસ્તાનનો વડા પ્રધાન બન્યો. નામ ઝુલ્ફીકર અલી ભુટ્ટો. મધુબાલા ફિલ્મોદ્યોગમાં આવી એ પહેલાં બીજી બે અતિશય સુંદરી ફિલ્મોદ્યોગમાં હતી. એક, બોમ્બે ટૉકિઝની સહમાલિકણ દેવીકા રાણી અને બીજી લીલા નાયડુ. આ મહિલાઓ ઉપરાંત પણ ભારતમાં અનેકાનેક સુંદર મહિલાઓ થઇ ગઇ. કેટલીક સુંદરીએા વિદેશી રમતવીરોને પરણીને ચાલી ગઇ. 



લૈલા મજનુની કથામાં કહે છે કે લૈલા એવી કંઇ સુંદર નહોતી. પરંતુ મજનુ એની પાછળ દિવાનો હતો. એટલે કવિએ લખ્યું, લૈલા કો દેખો તુમ મજનુ કી આંખોં સે.. સૌંદર્ય જોનારની આંખમાં હોય છે. કવિએ એ પણ કહ્યું, સૌંદર્ય માગતાં ના ના સૌંદર્યો મળે, સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે... શબ્દો આઘાપાછા થઇ ગયા હોય તો ક્ષમસ્વ મે.

શનિવારે એક સમાચાર પ્રગટ થયા. એનો સાર એવો હતો કે ૧૯૭૦ના દાયકામાં અમેરિકના પ્રમુખ હતા એ રિચર્ડ નિક્સને ભારતીય સ્ત્રીઓ માટે નીચ કહી શકાય એવું વિધાન કર્યું.

આ એ સમયગાળો હતો જ્યારે જનરલ યાહ્યા ખાનના ઝનૂની સૈનિકોએ પૂર્વ પાકિસ્તાનમાં બેરહમ અત્યાચારો ગુજાર્યા હતા, સેંકડો બંગાળી યુવતીઓ પર બળાત્કારો થયા હતા. બેફામ લૂંટફાટ થઇ હતી. ત્યારના ભારતના વડા પ્રધાન અને ભારતીય લશ્કરના સેનાપતિ ફિલ્મ માર્શલ સામ માણેકશાએ પાકિસ્તાનને કચકચાવીને થપ્પડ મારી.



પૂર્વ પાકિસ્તાનપનો અસ્ત થયો. બાંગ્લા દેશનો જન્મ થયો. એ દિવસોમાં ભારતને ડારવા અમેરિકાએ પોતાનો સાતમો યુદ્ધનૌકા કાફલો બંગાળના અખાતમાં મોકલ્યો. એ સમયે વ્હાઇટ હાઉસમાં રિચર્ડ નિક્સન, અમેરિકાના વિદેશ પ્રધાન હેનરી કિસિંજર અને અમેરિકી સેનાના વડા હાજર હતા.

આ  બેઠકમાં નિક્સને એવું વિધાન કર્યું કે ભારતીય સ્ત્રીઓ વિશ્વમાં સૌથી વધુ કદરુપી હોય છે એમાં મને કોઇ શંકા નથી. એ સ્ત્રીઓ સેક્સલેસ હોય છે. કોણ જાણે એ લોકો બચ્ચાં શી રીતે પેદા કરે છે ! ઘણા લોકો આફ્રિકી (મહિલાઓ)ને અસુંદર કહે છે પરંતુ મને એ લોકો ટર્ન ઓન કરી દે છે જ્યારે ભારતીય સ્ત્રીઓ મને ટર્ન ઑફ્ફ કરી નાખે છે. ભારતીય સ્ત્રીઓ દયામણી હોય છે.

માનસ શાસ્ત્રનો  થોડોક પણ અભ્યાસ ધરાવનારા લોકો સમજી શકશે કે પાકિસ્તાનને થપ્પડ મારનારાં ભારતનાં વડા પ્રધાન ઇંદિરા ગાંધી પ્રત્યેના અણગમાએ નિક્સનને તમામ ભારતીય મહિલાઓ માટે આવું અધમ કક્ષાનું વિધાન કરવા પ્રેર્યા. આ માણસ પોતે કેવોક હેન્ડસમ હતો કે એને ભારતીય મહિલાઓ કદરુપી અને સેક્સલેસ જણાઇ ?
 
વાસ્તવમાં ૧૯૫૦ના દાયકાથી અમેરિકા સતત ભારત દ્વેષથી પીડાતું હતું. આજે અમેરિકાના સર્વાંગી વિકાસમાં ૭૦ ટકાથી વધુ ફાળો મૂળ ભારતીય કૂળના લોકોનો છે. છેલ્લાં પચાસ સાઠ વર્ષમાં ઘણા અમેરિકી પ્રમુખો આવ્યા અને ગયા.
જ્હૉન એફ કેનેડીથી આ નિક્સન, ફોર્ડ બાપ-દીકરો, રોનાલ્ડ રેગન, જિમી કાર્ટર અને બરાક ઓબામાથી માંડીને હાલના ડોનાલ્ડ ટ્રમ્પ સુધીના ભાગ્યે જ કોઇ પ્રમુખે સ્ત્રીઓ માટે આવું નીચ વિધાન કર્યું હશે. વાસ્તવમાં આ એમની વિકૃત માનસિકતાનો પુરાવો છે. 




ભારતમાં તો એક એકથી ચઢિયાતી મહિલાઓ પ્રગટી છે. આદિ શંકરાચાર્યને શાસ્ત્રચર્ચામાં પરાજિત કરનારી ગાર્ગી અને મૈત્રેયી, ભગવાન કૃષ્ણ જેને સહોદરી જેવી ગણતા એ પાંચાલી, ધરતીપુત્રી સીતામાતા... તાજેતરની મહિલાઓને યાદ કરીએ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી માંડીને અહલ્યાબાઇ હોલકર સુધીની વીરાંગનાઓ આ ધરતી પર પ્રગટી છે.

આ મહિલાઓનું સૌંદર્ય માત્ર બહારની ગોરી ત્વચાનું નહોતું. શીલ, સદ્ગુણ અને આંતરિક સુંદરતાથી આ મહિલાઓ ઇતિહાસમાં પોતાનું નામ અમર કરી ગઇ. ઇંદિરાજી પણ પોલાદી મનોબળ ધરાવતી મહિલા હતી. એ પોલાદી મનોબળ જ કદાચ નિક્સન જેવાઓને પરસેવો  પડાવી દેતું હશે. ગેરી વાઝ નામના કેળવણીકારે પ્રમુખના આર્કાઇવ્ઝમાંથી મેળવેલી આ ટેપ નિક્સનની હલકી માનસિકતાને પ્રગટ કરે છે. આવા વિધાન માટે એ સિવાય બીજું કહી શકાય નહીં.
 



Comments