છેલ્લાં બે શુક્રવારથી આપણે
રાજેન્દ્ર 'જ્યુબિલી' કુમાર માટે
શંકર જયકિસને આપેલા સંગીતનો આસ્વાદ લઇ રહ્યા છીએ. દરેક મુખ્ય કલાકારની ફિલ્મોનાં
સંગીતની ઝલક લેવાની પરંપરા મુજબ આજે રાજેન્દ્રની વધુ બે ફિલ્મોનાં ગીતોની વાત
કર્યા બાદ આપણે રાજેન્દ્રને આવતા શુક્રવારે વિદાય આપીશું.
કારકિર્દીનો સૂર્ય સોળે કળાએ તપતો હતો ત્યારે રાજેન્દ્રની બે ફિલ્મોએ તહલકો
મચાવ્યો હતો. એ બંને ફિલ્મો એટલે આયી મિલન કી બેલા અને ઝુક ગયા આસમાન. આયી મિલન કી
બેલાનું ઔર એક આકર્ષણ એ હતું કે એમાં હરિયાણાના જાટ મસલમેન ધર્મેન્દ્રે નેગેટિવ
કહી શકાય એવો રોલ કર્યો હતો. આયી મિલન કી બેલા એક રોમાન્ટિક ફિલ્મ હતી.
ઝુક ગયા આસમાન કેટલેક અંશે ફેન્ટસી કહેવાય એવી ફિલ્મ હતી. મૂળ અમેરિકી ફિલ્મ
હિયર કમ્સ મિસ્ટર જોર્ડન (૧૯૪૧) પર આધારિત હતી. એક વ્યક્તિ પૃથ્વી પર મરણ પામે, એના આત્માને યમલોકમાં લઇ જવામાં આવે, ત્યાં
જાણ થાય કે આ માણસને નહીં, બીજા એવાજ હમશકલને યમલોકમાં
લાવવાનો હતો એટલે મૂળ આત્માને પૃથ્વી પર પાછો મોકલવામાં આવે. એવી કથાને ઝુક ગયા
આસમાન એવું ટાઇટલ આપ્યું હતું.
આ બંને ફિલ્મોનાં ગીત-સંગીત માટે એક વાક્યમાં કહી શકાય કે કથાને અનુરુપ હલકાંફૂલ, મધુરતાથી ભરપુર અને રમતિયાળ તર્જો શંકર જયકિસને આપી હતી. રાજેન્દ્ર કુમારની જ્યુબિલી કુમારની ઇમેજ અને ફિલ્મની કથા એ બંનેને ધ્યાનમાં રાખીને શંકર જયકિસને પોતાનો કસબ અજમાવ્યો હતો.
રાજેન્દ્ર કુમારની જેમ આ બંનેની કારકિર્દીનો પણ એ મધ્યાહ્ન હતો. જે બે ત્રણ
ગીતોને અહીં યાદ કરવા છે એમાં આયી મિલન કી બેલાનું ટાઇટલ સોંગ કહેવાય એવું ડાન્સ
સોંગ આ હા આયી મિલન કી બેલા દેખો આયી બન કે ફૂલ હર કલી મુસ્કુરાઇ હો હો.. બન કે
ફૂલ હર કલી મુસ્કુરાઇ શબ્દોમાં રહેલી સાત્ત્વિક દ્વિઅર્થી ઝલકને દિલથી બિરદાવવી
જોઇએ. અહીં જે રીતે લયવાદ્ય અને કોરસનો ઉપયોગ કરાયો છે એ કાબિલ-એ-દાદ છે. ઢોલકની થાપ ક્યારે ક્યાં કેટલી આપવી એની
કોઠાસૂઝ આ ગીતમાં સંગીતકારોએ દાખવી છે.
આયી મિલન કી બેલાનાં આમ તો બધાં ગીતો
હિટ નીવડયાં હતાં. અહીં જે બીજાં બે ગીતોની વાત કરવી છે એમાં એક છે તુમ
કમસીન હો, નાદાં હો, નાજુક હો,
ભોલી હો...માં નાયિકા માટે હસરત જયપુરીએ જેટલાં વિશેષણ વાપર્યાં છે
એ દરેકને મુહમ્મદ રફીએ એવીજ નજાકતથી પેશ કર્યાં છે. તર્જ એવી
સરસ બની છે કે રફી પોતાની રીતે એની અદાયગી કરી શકે.
એવું જ લટકાળું ગીત ઓ સનમ તેરે હો ગયે હમ પ્યાર મેં તેરે ખો ગયે હમ, મિલ ગયા મુઝકો અય સનમ, જિંદગી કા બહાના .. બન્યું છે. શૈલેન્દ્રે પ્રેમની મુલાયમતા અહીં રજૂ કરી છે. જીવન જીવવા માટેનું સૌથી હાથવગું બહાનું પ્રેમ છે.
એક યાદગાર બર્થ ડે સોંગ હસરતે આપ્યું, તુમ્હેં ઐાર ક્યા દૂં મૈં દિલ કે સિવા તુમ કો હમારી ઉમર લગ જાય...અને યસ, આ લેખકડાને ગમતું રોમાન્સરંગી ગીત એટલે પ્યાર આંખોં સે જતાયા તો બૂરા માન ગયે... આ ગીતમાં રફી અદ્ભુત રીતે બૂરા માન ગયે શબ્દોને લાડ લડાવે છે. શમ્મી કપૂરનાં ગીતોમાં જે પ્રકારનું અલ્લડપણું રફી ગાતી વખતે દર્શાવતા એવું જ કંઇક આ ગીતમાં પણ અનુભવી શકાય છે.
ટૂંકમાં આયી મિલન કી બેલાનાં લગભગ બધાં ગીતો એક બીજાથી ચઢિયાતાં અને કથાને શોભાવે એવાં બન્યાં હતાં. રાજેન્દ્ર કુમારની ફિલ્મોને જ્યુબિલી હિટ બનાવવામાં બંને ગીતકારો હસરત અને શૈલેન્દ્ર ઉપરાંત શંકર જયકિસનનાં સંગીતનો પણ માતબર ફાળો હતો એમ કહીએ તો અતિશયોક્તિ સત્યનીજ ગણાય. હવે બાકી રહેશે ઝુક ગયા આસમાન. મળીએ ત્યારે આવતા શુક્રવારે....
----------
Comments
Post a Comment